ગામમાંથી દૂધ લેવા આવેલી યુવતીએ દંપતીને લોહીલુહાણ હાલતમાં જોતાં મૃતકના પુત્ર-પુત્રીને જાણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
વંથલીના સેંદરડા ગામે સીમમાં રહેતા એક વૃદ્ધ દંપત્તીની ગતરાત્રે કોઇએ માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાંખી હતી. બનાવ બાદ તેમના ઘરમાંથી રોકડ અને દાગીના મળી 7 લાખની લૂંટ ચલાવી હત્યારા નાસી ગયા હતા. મૃતકની પુત્રી જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું છે. વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ. 65) અને તેમના પત્ની જાલુબેન (ઉ. 70) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહે છે.બંને પતિ-પત્ની ગઇકાલે રાત્રે ઓસરીમાં સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખી હતી. અને બાદમાં તેમના ઘરમાંથી રોકડ અને સોનાના દાગીના સહિત આશરે રૂ. 7 લાખની માલમત્તાની લૂંટ કરી હતી.
સીમમાં બનેલી આ ઘટના અંગે કોઇને તરત ખ્યાલ નહોતો આવ્યો. પણ ગામના કાજલબેન કાનાભાઇ ખટારિયા સવારે 8:45 વાગ્યે તેમને ત્યાં દૂધ લેવા આવતાં તેઓએ ઓસરીમાંજ બંનેના લોહીલુહાણ મૃતદેહો જોયા હતા. આથી તેઓ ડરીને પોતાના પિતાને ત્યાં જતા રહ્યા હતા. અને બાદમાં રાજાભાઇના જૂનાગઢમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પુત્રી કુંવરબેન અને બાજુના ટીનમસ ગામેે ખેતી કરતા પુત્ર અશ્વિનભાઇને જાણ કરી હતી.બનાવની જાણ થતાં વંથલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઓસરીની બાજુના બે ખુલ્લા રૂમોમાં તમામ ઘરવખરી અસ્તવ્યસ્ત જોઇ હતી. આથી અશ્વિનભાઇ અને કુંવરબેનને પૂછતાં ડાબી બાજુના રૂમમાં આવેલી દાણો ભરવાની કોઠીમાં સ્ટીલના ડબ્બામાં 3 લાખ જેવી રોકડ અને બીજી એક પેટીમાં આશરે 4,50,000ના સોનાના ઘરેણાં હોવાનું પોલીસને જણાવ્યું હતું.
- Advertisement -
પોલીસ તપાસમાં રોકડ કે ઘરેણાં જોવા નહોતા મળ્યા. આથી વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે થયાનું માની અજણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. સાથે બનાવમાં કોઇ જાણભેદુ છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.દંપતિના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડાયા હતા. આસપાસની વાડીઓમાં રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે. રાજાભાઇનો એક પુત્ર જગદીશ સુરત અને એક પુત્રી ખોરાસા રહે છે.મૃતકના કોન્સટેબલ પુત્રી કુંવરબેને મહિલા પીએસઆઇ ડોડિયાને ઘટના અંગે પોતે કાંઇક જાણતી હોવાના સંકેત કર્યા હતા. આથી પીએસઆઇ ડોડિયાએ તમામને રૂમની બહાર કાઢી દરવાજો બંધ કરી માહિતી મેળવી હતી.