માતાએ પોતાના બાળકને છત પરથી નીચે લટકાવી દીધું
બાળકને લટકાવવા અંગેનો વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે(26 મે) સાંજે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. જેમાં એક માતાએ પોતાના જ બાળકને આવાસ યોજનાની છત પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાળકના પિતા સમયસર પહોંચી ગયા હતા. અને એક રાહદારીની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ થતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં અવિશ્વસનીય ઘટના બની હતી. જેમાં એક હિન્દી ભાષી મહિલા પોતાના નાના બાળકને લઈ આવાસ યોજનાની છત પર પહોંચી હતી. ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર બાળકને છત પરથી નીચે લટકાવી દીધું હતું. આ દ્રશ્ય જોઈને નીચે હાજર રાહદારીઓ અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ દ્રશ્ય જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, મહિલાએ તેમની બૂમો સાંભળી નહોતી. સદનસીબે, મહિલાના પતિ ત્યાં સમયસર પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉપર જઈને બાળકને ખેંચી લીધું હતું. જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. એક રાહદારીએ પણ આ ઘટના જોઈને તાત્કાલિક મદદ માટે દોટ મૂકી હતી. જોકે, રાહદારી પહોંચે તે પહેલાં જ બાળકના પિતાએ બાળકને બચાવી લીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
- Advertisement -
મહિલાએ જણાવ્યું કે, તે બાળકને માત્ર ડરાવી રહી હતી
આ ઘટના બાદ મહિલાને માલવિયા નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી. જોકે, આ નિવેદન કેટલું સાચું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના બનવાના થોડા સમય પહેલાં જ મહિલાને તેના પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું છે. શું આ ઝઘડાની અસર હેઠળ તેણે આવું પગલું ભર્યું હશે તે એક તપાસનો વિષય છે. મહિલાએ તો મીડિયા સમક્ષ આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.