– એમ.ઓ.યુ. માટે મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ રસ દાખવ્યો
રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટના પ્રથમ દિવસે કુલ મળીને આશરે રૂપિયા 7150 કરોડથી વધુ રકમના આશરે 185થી વધુ એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં 20,000થી વધુ રોજગારીની તકો સર્જાશે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં 15મી ઓક્ટોબરથી વાઈબ્રન્ટ રાજકોટ બે દિવસીય સમિટનું આયોજન શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વિસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
- Advertisement -
પ્રાંત અધિકારી ડો.સંદીપ વર્મા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના પ્રારંભે જ અલગ-અલગ ઉદ્યોગકારો દ્વારા સરકારના જુદા–જુદા વિભાગો સાથે કુલ રકમ રૂ.4709.81 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ કાર્યક્રમ દરમ્યાન વધુ 1700 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ રકમ રૂ.6409.81 કરોડના એમઓયુ થયા છે.
આ એમઓયુ દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોમાં આશરે 20,000 કરતાં પણ વધારે લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.
તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારના ઉદ્યોગ વિભાગ સાથે રૂ.1324.53 કરોડના કુલ 81 એમઓયુ, ખાણ ખનીજ વિભાગ સાથે 105.40 કરોડના કુલ 7 એમઓયુ, ખેતી વાડી વિભાગ સાથે રૂ. 51.54 કરોડના કુલ 7 એમઓયુ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે રૂ 599.47 કરોડના કુલ 24 એમઓયુ, ઊર્જા વિભાગ સાથે રૂ. 892 કરોડના કુલ 11 એમઓયુ, શ્રમ અને રોજગાર વિભાગ સાથે રૂ. 161.50 કરોડના કુલ 5 એમઓયુ. કરવામાં આવ્યા છે. અન્ય વિવિધ વિભાગો સાથે ઔદ્યોગિક ભાગીદારી સ્વરૂપે એમઓયુ કરવામાં આવ્યા છે, જેની કુલ ૨કમ રૂ.6409.81 કરોડ જેટલી થાય છે. ઉપરાંત આ કાર્યક્રમ હેઠળ અન્ય સમજૂતી કરારો મળીને કુલ રૂપિયા 6858 કરોડના એમ.ઓ.યુ. રવિવારે બપોર સુધીમાં થયા છે. જ્યારે પ્રથમ દિવસે સાંજ સુધીમાં કુલ મળીને રૂપિયા 7150 કરોડથી વધુ રકમના 185થી વધુ સમજૂતિ કરારો કરવામાં આવ્યા છે.