રાજ્યના સામાન્ય નાગરીકો અને ખાદ્ય પદાર્થોના વેપારીઓ માટે 5,370 અવેરનેસ કાર્યક્રમ અને 4352 ટ્રેનિંગ કાર્યક્રમ
વિશ્વ ખાદ્યસુરક્ષા દિવસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરસ્કૃત કરાયું
- Advertisement -
પ્રયોગશાળામાં કુલ 60,448 ખાદ્ય નમૂનાની ચકાસણી, 32 ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા 1.24 લાખથી વધુ નમૂનાની તપાસ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. 7 જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ, ખોરાકની સલામતી માટે વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વતાને ધ્યાનમાં રાખીને જભશયક્ષભય શક્ષ અભશિંજ્ઞક્ષ રાખવામાં આવી છે. “સુરક્ષિત ખોરાક, સ્વસ્થ ભવિષ્ય”ના મંત્ર સાથે ગુજરાતના સામાન્ય નાગરિકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે રાજય સરકારનો મક્કમ નિર્ધાર છે. ખાદ્ય સુરક્ષા પર વિશેષ ધ્યાન આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્ય સરકારના નિર્ધારને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે. વર્ષ 2023-24માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીને બિરદાવતા ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઋજજઅઈં) દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરુસ્કૃત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના નાગરિકોને આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ કાળજી રાખવામાં આવે છે. જે મુજબ વર્ષ દરમિયાન તંત્ર દ્વારા ચકાસણી બાદ કુલ 1.28 લાખથી વધુ ફૂડ સેફટી લાયસન્સ અને રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે, જેમાં તંત્ર દ્વારા 23,570 ઇન્સ્પેક્શન અને 12,334 હાઇ-રિસ્ક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024-25 દરમિયાન તંત્રની પ્રયોગશાળા દ્વારા કુલ 60,448 ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1.45 ટકા નમૂના નાપાસ અને 0.17 ટકા નમૂના અસુરક્ષિત જાહેર થયા હતા. આ ચકાસણી માટે તંત્ર દ્વારા કુલ 16,163 એન્ફોર્સમેન્ટ તેમજ 44,285 જેટલા સર્વેલન્સ નમૂના લેવામાં આવ્યા હતા. નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ કુલ 18 સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન 190થી વધુ રેડ કરીને તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં રૂ. 10.5 કરોડ જેટલી બજાર કિંમત ધરાવતો 351 ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ કુલ 29,515 નમૂના લેવામાં આવ્યા હતા. આ જથ્થામાં સૌથી વધુ ઘી, મીઠાઈ, માવો, અનાજ તથા અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ સ્પેશ્યલ ડ્રાઈવ સમયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. 26 લાખથી વધીની કિંમત ધરાવતા 15.3 ટનથી વધુ બગડી અને સડી ગયેલા ખાદ્ય પદાર્થનો નાશ કરાવવામાં આવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો સામે તંત્ર દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-2006 ઉલ્લંઘન બદલ વર્ષ દરમિયાન 980 એડજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકીના 864 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરીને દોષિતોને કુલ રૂ. 6.21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અસુરક્ષિત ખાદ્ય પદાર્થના કિસ્સામાં પણ વર્ષ દરમિયાન કુલ 87 કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં દોષિત પૂરવાર થયેલા ઇસમોને રૂ. 54.42 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન અખાદ્ય ખોરાક બાબતે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કુલ 46 કેસોમાં 67 આરોપીઓને કોર્ટે ગુન્હેગાર ઠરાવીને રૂ. 24,26,000 નો દંડ તેમજ 6 માસની સજાના હુકમો પણ કરવામાં આવ્યા છે.
ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી થઇ શકે તે માટે તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ 32 ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ કાર્યરત છે. વર્ષ દરમિયાન આ ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ દ્વારા પણ ખાદ્ય પદાર્થોના કુલ 1.24 લાખથી વધુ નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા રાજ્યના સામાન્ય નાગરીકો અને ખાદ્ય પદાર્થોના વેપારીઓ માટે 5,370 અવેરનેશ કાર્યક્રમ અને 4352 ટ્રેનિંગ કાર્યક્ર્મનું પણ આયોજના કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુદા-જુદા ઇટ રાઇટ ઇનીશિએટિવ્સ હેઠળ આશરે 125 ઇટ રાઇટ કેમ્પસનું ઓડિટ અને સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભા, 12 ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ, 10,620 હાયજીન રેટિંગ, 31 ઇટ રાઇટ સ્ટેશન જેમ કે વડનગર રેલવે સ્ટશન, 7 ક્લિન ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ, 58 ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્સિસ જેમ કે સોમનાથ મંદિર, 1,163 ફોસ્ટાક ટ્રેનિંગ અને 8 ઇટ રાઇટ સ્કૂલનો સમાવેશ થાય છે.
રાજય સરકારે વધુ 4 નવી લેબોરેટરી મંજૂર કરી
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સરાહનીય અને મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુમાં-વધુ નમૂનાની ચકાસણી કરવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર/અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડ એમ વધુ 4 નવી લેબોરેટરી મંજૂર કરવામાં આવી છે. આ લેબ કાર્યરત થવાથી તંત્ર દ્વારા બમણી ક્ષમતા અને ઓછા સમયમાં ખાદ્ય નમૂનાનું પરિક્ષણ થઇ શકશે.
26 લાખનો 15.3 ટન અખાદ્ય પદાર્થનો નાશ કર્યો: 864 કેસોમાં દોષિતોને કુલ રૂ. 6.21 કરોડનો દંડ



