વેરા શાખા દ્વારા 634 બાકીદારોને નોટિસ ફટકારાઈ: અત્યાર સુધીમાં કુલ 29.07 કરોડની આવક થઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના વિવિધ ટેક્સની વસૂલાત માટે આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મિલકતવેરા શાખા દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 88 મિલકતો સીલ કરવામાં આવી હતી. જે પૈકી 24 આસામીઓએ પોતાના ટેક્સની રકમ ભરપાઈ કરી દેતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 64 મિલકતો હજુ પણ સીલ હેઠળ છે. મનપાની વેરા શાખાએ ટેક્સ ન ભરનારા કુલ 634 આસામીઓને વોરંટ અને સીલિંગની નોટિસ બજાવી હતી. આ સઘન કામગીરીના પરિણામે મોરબી શહેર વિસ્તારમાંથી ₹26.54 કરોડ અને વિવિધ ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ₹2.53 કરોડ મળીને કુલ ₹29.07 કરોડની માતબર આવક મનપાની તિજોરીમાં થઈ છે. તંત્ર દ્વારા હજુ પણ બાકીદારોને તાકીદે વેરો ભરી દેવા સૂચના અપાઈ છે, અન્યથા આગામી દિવસોમાં સીલિંગની કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો આપ્યા છે.



