30 જેટલા વિભાગો અને પદાધિકારીઓ માટે ખાસ ચેમ્બરની વ્યવસ્થા: લોકસુવિધા માટે પૂરજોશમાં ચાલતી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
- Advertisement -
મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ગાંધીચોક ખાતે નવું ભવ્ય કાર્યાલય નિર્માણ પામી રહ્યું છે. અંદાજે ₹4.42 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ આધુનિક બિલ્ડિંગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી, 2025ના રોજ મોરબી નગરપાલિકા અને આસપાસની 9 ગ્રામ પંચાયતોને જોડીને મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ આ અદ્યતન કચેરીનું આયોજન હાથ ધરાયું હતું.
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા ₹4.42 કરોડના વર્ક ઓર્ડર હેઠળ તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાની બિલ્ડિંગ શાખાના નાયબ ઈજનેર દ્વારા આ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી નિર્ધારિત સમય મર્યાદામાં ભવન તૈયાર કરી નાગરિકોની સેવામાં કાર્યરત કરી શકાય.
આ નવા કાર્યાલયની વિશેષતાઓની વાત કરીએ તો, તેમાં અંદાજિત 30 જેટલા અલગ-અલગ વિભાગો માટે સુવ્યવસ્થિત જગ્યાની ગોઠવણ કરવામાં આવી છે. આ ઉપરાંત, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનો મીટિંગ હોલ, સ્ટેન્ડિંગ હોલ અને અધિકારીઓ માટે અદ્યતન બેઠક વ્યવસ્થા ઉભી કરાશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને ચૂંટાયેલા પદાધિકારીઓ માટે અલગ ચેમ્બરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ નવી કચેરી કાર્યરત થવાથી મોરબીના નાગરિકોને તમામ વહીવટી સેવાઓ એક જ સ્થળેથી વધુ સુવિધાજનક રીતે પ્રાપ્ત થશે.



