તને શોધવાની છે કોશિશ નકામી, સમય છે તું આઠે પ્રહરમાં રહે છે.
પ્રિય જિંદગી,
તું મારું સત્ય છે તેમજ સત્યના ચાર ખૂણા પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા પર લાગેલી ઘૂઘરમાળ છે. જ્યારે માણસને કશું જ મેળવવાનું બાકી ના રહે ત્યારે એ નિર્ભય બની જતો હોય છે. હું પણ નિર્ભય છું છતાં ઊંડે ઊંડે એવું થયા કરે છે કે મેં જે મેળવ્યું છે એમાં સતત વધારો કરું અને મારી પાત્રતાને ચિરંજીવ અવસ્થાએ પહોંચાડી તારા પ્રેમને મારામાં છેક સુઘી સ્થાપિત કરી દઉં. આ સ્થાપિત કરવાની અવસ્થા સામાન્ય માણસ માટે બહું જ કઠિન હોતી હશે, કારણ કે ઘણાં બધાં અંતરાયોને પાર કરી, હૃદયના પ્રત્યેક ભાગને ચિરી – ફાડી પ્રેમને સાબિત કરવાની તીવ્રતા દરેકમાં ક્યાંથી લાવવી? આ અતિ કઠિન કાર્ય હું સાવ સરળતા અને સહજતાથી કરી શકું છું કારણ કે મેં તને દરિયાનાં ઘૂઘવાટાથી પણ વધારે તીવ્રતાથી ચાહી છે… આકાશગંગાની અમાપ વિશાળતાથી પણ વધારે તારા સાર્વત્વનો અનુભવ કર્યો છે… પૃથ્વીના સાતેય પેટાળોથી ય વધારે ઊંડાણ જેમ હું તારી ભીતર ઉતરી ગયો છું. મારી આ સ્થિતિ મને દેવત્વની કોટિયે પહોંચાડે છે. કારણ કે નિવ્ર્યાજ અને નિતાંત પ્રેમ તો દેવોને પણ સુલભ નથી. તારા દર્શનથી મારું સમગ્ર અસ્તિત્વ સોળે કળાએ ખીલતા ચંદ્રથી ય વધારે પ્રકાશિત થાય છે. જિંદગી! તું મારાં ચાલું સમયની પળનો ચલિત કાંટો છે. તું મારાં આવનારા દરેક રૂપાળાં દિવસોની કિનખાબી રજાઈ છે અને તું જ મારાં જીવન – મૃત્યુની પ્રત્યેક પળનું અભિધાન છે. મારાં જીવતરનો આ અહેસાસ, અહોભાવ રમણીય છે કારણ કે તું સતત મારામાં ધબકે છે. હું તારી અંદર રહેલાં પ્રેમદેવતાની પૂજા કરું છું, તારામાં ધબકતાં હૃદયને સાષ્ટાંગ કરૂં છું અને તારા દેહમાંથી વછૂટતા શ્વાસને મારામાં ભરું છું એનું કારણ એ જ કે આ એક જ રસ્તો એવો છે જેનાથી હું પુણ્યશાળી બની શકું. મારાં બધાં જ શબ્દો અને અક્ષરો તારા પ્રેમની જ દેણ છે. મારાં આનંદનું કેન્દ્રબિંદુ તારા દિલ વચ્ચેથી પસાર થાય છે અને મારી લાગણીનું ઝરણું તારા દરિયામાં ઠલવાઈ આપણાં આત્માને એક બનાવે છે. તારા પ્રેમાળ શબ્દો અને તારા ચરણોનું શરણ મારું મુક્તિધામ છે. ડાળ ઉપરથી તમામ પાંદડા ખરે એમ જ મેં મારા અસ્તિત્વમાંથી બધી જ ક્ષણોને તારા હૃદયમાં ખેરી દીધી છે કારણ કે હું જાણું છું તું મારું મૂળ અને કૂળ છે … તું જ મારું પટકૂળ છે… મૂળ આટલું સાબૂત કે મજબૂત હોય પછી સૂકાં દુકાળની શક્યતાનો સાવ છેદ ઊડી જતો હોય છે, કારણ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં હ્રદયમાં હંમેશા ભીનાશની હાજરી હોય છે.
સતત તને શ્વસતો…
જીવ.
(શીર્ષકપંકિત:- પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’)