ટેકનોલોજીની વધતી ઉપયોગિતાની સાથે સાથે જ તેનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે.આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારીત ચેટજીપીટી હાલ સમગ્ર વિશ્ર્વમાં છવાઈ રહ્યું છે ત્યારે તેના દુરૂપયોગના બનાવો પણ સામે આવી રહ્યા છે. ચીનમાં ચેટજીપીટીના માધ્યમથી ટ્રેન અકસ્માતના ખોટા સમાચારો ફેલાવવા બદલ સૌ પ્રથમ ધરપકડ કરાઈ છે.
ચીનના ગાંસુ પ્રાંત દ્વારા જારી કરાયેલી માહીતી અનુસાર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજી દ્વારા ખોટા સમાચારો ફેલાવવા બદલ રવિવારે હોંગ નામની વ્યંકિતની ધરપકડ કરાઈ છે. સૌથી પહેલા ચીનના સાયબર ડીવીઝનનું ધ્યાન આ ખોટા સમાચાર તરફ ગયુ હતું. જેમાં એવો દાવો કરાયો હતો કે 25 એપ્રિલનાં રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં નવ લોકોના મોત નીપજયા છે. તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે આ સમાચાર 20 અન્ય એકાઉન્ટસ પર પણ પોસ્ટ કરાયા હતા. જેની પર 15,000 થી વધુ વ્યુઝ નોંધાયા હતા.
- Advertisement -
સ્થાનિક સતાવાળાઓએ જણાવ્યું હતું કે, હોંગ પર સ્થાનિક શાંતિનો ભંગ કરવાનો આરોપ મુકાયો છે અને તેને મહતમ પાંચ વર્ષ કેદની સજા થવાની સંભાવના છે. જાન્યુઆરીમાં ડીપફેક ટેકનોલોજીનાં નિયંત્રણ માટે અમલી બનાવાયેલા કાયદા બાદ, ચીનના સતાવાળાઓ દ્વારા સૌ પ્રથમ વખત આ ધરપકડ અંગે લોકોને જાણ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ ખોટા સમાચારનું પગેરૂ શોધવા કરેલી તપાસમાં તે હોંગની કંપનીમાંથી પ્રકાશીત થયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ પોલીસે તેનાં કમ્પ્યુટરની તપાસ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં હોંગે તેનો ગુનો કબુલી લીધો હતો.