પોલીસે 1.70 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં વેચાતા માદક પદાર્થોની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસે બાતમી આધારે જંગલેશ્વરમાં દરોડો પાડી એક સગીરને 11 કિલો ગાંજા સાથે ઝડપી લઈ વધુ ત્રણ શખ્સોના નામ ખૂલતાં 1.70 લાખનો મુદામાલ કબજે કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ એમ સરવૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે જંગલેશ્વર શેરી નં.9માંથી એક શખ્સ સ્કૂટર પર માદક પદાર્થના જથ્થા સાથે નીકળવાનો હોવાની હકીકત મળતાં ટીમે વોચ ગોઠવી હતી અને નિયત નંબરનું સ્કૂટર પસાર થતાં જ તેને અટકાવ્યું હતું. પોલીસે સ્કૂટરચાલક સગીરના કબજામાં રહેલો થેલો ચેક કરતાં તેમાંથી રૂ.1.10 લાખની કિંમતનો 11 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સગીરની અટકાયત કરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એક પરપ્રાંતીય શખ્સે 11 કિલો ગાંજો જંગલેશ્વરના દાનીશ ઉર્ફે ભગો હનીફ માજોઠી અને હબીબ હારૂન ખીયાણીને પહોંચાડવા માટે સગીરને આપ્યો હતો, પરપ્રાંતીય પાસેથી મળેલો માદક પદાર્થનો જથ્થો બંને ઇસમ સુધી પહોંચે તે પહેલા પોલીસે સગીરને ઝડપી લીધો હતો પોલીસે પરપ્રાંતીય શખસ તેમજ જંગલેશ્વરમાં જે બે શખ્સોને ગાંજો પહોંચાડવાનો હતો તે ત્રણેયને પકડવા તજવીજ હાથ ધરી છે.