કાર્તિક મહેતા
જેતરમાં મેન્સ ડે ગયો. મેન્સ ડે એટલે કે પુરુષોનો દિવસ.. જાણીતા સાહિત્યકાર હરિશંકર પરસાઈ કહેતા કે દિવસો હમેશા નિર્બળ લોકોના મનાવવામાં આવે છે , જમાદારોના કોઈ દિવસ મનાવવામાં નથી આવતો. મેન્સ ડે હવે ચલણી બનવા લાગ્યો છે તો પરસાઈજીના તર્ક અનુસાર એમ પણ માની શકાય કે પુરુષો હવે નિર્બળ બનવા લાગ્યા છે. જુના સમયથી હન્ટર ગેધરર (શિકારી) રહેલો પુરુષ હવે પૌરૂષ ગુમાવવા લાગ્યો છે. એલેક્ઝાન્ડર (સિકંદર) ને ભારતની સીમા ઉપર પરાજિત કરી દેનાર રાજાનું નામ પોરસ નહિ પણ પૌરૂષ હતું જેના નામ પરથી પુરુષપુર નામનું નગર વસ્યું જે આજે પેશાવર તરીકે ઓળખાય છે. પેશાવરના ખત્રીઓ હિન્દી સિનેમા જગત ઉપર છવાયેલા રહયા છે. બોલીવુડના ઘણા બધા “હીરો” પેશાવરી ખત્રી હતા. શાહરુખ ખાન , વિનોદ ખન્ના, રાજેશ ખન્ના,દિલીપ કુમાર થી લઈને કપૂરો સુધીના હીરો
- Advertisement -
પેશાવરી ખત્રીઓ હતા. (બધા હીરોને હીરોગીરી શીખવનાર ચોપરા બંધુઓ પણ પેશાવરી ખત્રી હતા)..
હવે પેશાવરી ખત્રીઓ હીરો તરીકે આવતા બંધ થયા છે. દક્ષિણના ખડતલ , શામળા અને રફ ટફ અભિનેતાઓ સિનેમા હોલમાં ભીડ એકઠી કરવા લાગ્યા છે. કેમકે હવે હીરો પંજાબ કે યુપીના ગામડામાંથી નહિ પણ મુંબઈ જેવા શહેરોની ગીચ વસ્તીમાંથી આવવા લાગ્યા છે.આ સ્ત્રીઓ જેવા નમણા ચોકલેટી બાળકો કેવળ મસલ્સ બનાવીને હીરો બનવાના સપના જુએ છે. હિન્દી ફિલ્મોની બગડતી હાલત પાછળ આ કમજોર, શહેરી અભિનેતાઓ પણ જવાબદાર છે જેનામા દક્ષિણના જમીન સાથે જોડાયેલા અભિનેતાઓ જેવું પુરુષત્વ નથી. જોકે આખા જગતમાં પુરુષોમાં પુરુષત્વ ઘટતું ચાલ્યું છે એવું આંકડાઓ સિદ્ધ કરે છે. અમેરિકા , યુરોપ તો ઠીક , ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ પુરુષોની ફળદ્રુપતા ઘટતી ચાલી છે. સદીઓથી વસ્તી વધારતા ભારતમાં પણ હવે કપલ દીઠ બે કરતા ઓછા બાળકો કરવાની ફેશન ચાલી છે. પણ આંકડાઓ કહે છે કે આ ફેશન નથી. ગામડાઓમાં પણ હવે પુરુષ સ્ત્રીઓ એટલા કમજોર થયા છે કે માંડ માંડ બે બાળકો ઉત્પન્ન કરી શકે છે. ઠેર ઠેર ખુલી રહેલા કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો એની સાબિતી આપે છે કે લોકોની ફળદ્રુપતા ઘટતી ચાલી છે. પુરુષો માં વિર્યતા ઘટી છે.
પુરુષોમાં વીર્યતા (વીરતા) માટે જવાબદાર પરિબળ એક હોર્મોન છે જે પુરુષોના વૃષ્ણમાં બને છે. આ હોર્મોન એટલે ટેસ્ટેસ્ટરોન. ટેસ્ટેસ્ટરોન પુરુષના પૌરુષ માટે જવાબદાર છે. આ હોર્મોન ને કારણે જ પુરુષ અગ્રેસિવ અને હિંસક બને છે. ખૂંટ એટલે કે આખલાની એટલે જ ખસી કરીને/એના વૃષણ કાપીને એને બળદ બનાવી દેવાય છે જેથી તે આક્રમક બને નહિ અને એને કાબુ કરીને એની પાસે કામ કરાવી શકાય.
- Advertisement -
ઓછી વીર્યતા(વીરતા) ધરાવતા પુરુષો પહેલા પણ સમાજનો ભાગ હતા પણ તેઓ આજ જેટલી મોટી સંખ્યામાં નહોતા. મુગલ બાદશાહો (બાદ એટલે મોટો, શાહ એટલે વેપારી, બાદશાહ એટલે મોટો વેપારી) પોતાના જનાનખાનાની સુરક્ષા માટે આવા પુરુષો રાખતા જેઓ બાયોલોજીકલી પુરુષ હોય નહિ. જનાનખાનાને હરમ પણ કહેવાતા કેમકે હરમનો અર્થ થાય પ્રતિબંધિત વિસ્તાર .. અમુક શાસકો આવા સ્ત્રેણ પુરુષો પ્રત્યે આકર્ષિત પણ રહેતા.થાઇલેન્ડમાં દેહ વ્યાપાર માં કાર્યરત આવા પુરુષોને શીમેલ કહેવાય છે.
યુરોપમાં ઓગણીસમી સદી સુધી પેજ તરીકે ઓળખાતા બાળકોને સેવક તરીકે રાખવામાં આવતા. યુરોપના દરેક ઉમરાવ પાસે આવા બાળકો રહેતા. આ બાળકોનું નાનપણમાં ખસીકરણ કરી દેવામાં આવતું એટલે કે એના વૃષણ દૂર કરી દેવામાં આવતા જેથી આ બાળકો પુરુષત્વ ધારણ કરી શકતા નહિ. તેઓ રૂંવાટી ઉગાડી શકતા નહિ, તેઓનો અવાજ હમેશા છોકરીઓ જેવો રહેતો. યુરોપના ઉમરાવો આ બાળકોનુ જાતીય શોષણ કરતા. ત્યારના સમાજમાં આ બાબત સ્વીકાર્ય અને સામાન્ય ગણાતી. ગરીબ પરિવારોના આ બાળકો એક ગુલામની જીંદગી જીવીને મૃત્યુ પામતા. (યુરોપિયન ઇતિહાસકારો પોતાને સુધરેલી પ્રજા ગણાવવા માટે પોતાના આ કાળા કારનામા બહુ પ્રગટ કરતા નથી).
ધીમે ધીમે પુરુષોમાં ટેસ્તિસ્ટરોન નું પ્રમાણ ઘટવા લાગ્યું છે, એના વીર્યની ગુણવતા બગડવા લાગી છે.પુરુષો સ્ત્રેણ બનવા લાગ્યા છે. અમેરિકા,યુરોપ, કોરિયા અને અગ્નિ એશિયાના દેશોમાં આવા સ્ત્રી જેવા પુરુષોની સંખ્યા અતિશય વધી છે.
પુરુષોની ઘટતી મર્દાનગી પાછળ અનેક કારણો છે . બેઠાડુ જીવન, પોષક ખોરાકનો અભાવ, બહારના કેમિકલ યુક્ત ભોજન ની ઘેલછા, ખેતી અને પશુપાલનમાં વપરાતાં રસાયણનો દુષ્પ્રભાવ, સૂર્યપ્રકાશ નો અભાવ ધરાવતા ઘર અને વર્ક પ્લેસ, મોબાઈલ અને ટીવીનો અતિરેક જેવા કારણો મુખ્ય છે.
ટેસ્ટેસ્ટરોન એક જાદૂઈ હોર્મોન છે. તે સ્ટીરોઇડ હોર્મોન કહેવાય છે. બધા સ્ટીરોઇડ હોર્મોન કોલેસ્ટેરોલ માંથી બને છે .. હા, જી તે જ કોલેસ્ટેરોલ જે હ્રદયનો શત્રુ ગણવામાં આવે છે.. સ્વ બાપાલાલ વૈદ્ય ગુજરાતના બહુ જ નામી વૈદ્ય હતા તે પુરુષોને લાંબા ગાળા સુધી સેક્સ્યુઅલી એક્ટિવ રહેવા માટે લસણની કળીઓને ઘીમાં સાંતળીને ખાવાની સલાહ કરતા કેમકે ઘી પોતે કોલેસ્ટેરોલ નો ભંડાર છે જેમાંથી શરીર ટેસ્ટેસ્ટરોન બનાવે છે.
સ્ટ્રેસ યુક્ત જીવનને લીધે પણ પુરુષત્વ જોખમાય છે. વધુ પડતી અપેક્ષાઓ અને અધૂરા જ્ઞાનને લીધે લોકો તણાવ અનુભવે છે. તણાવ દૂર કરવા સુર્ય નમસ્કાર ખૂબ પ્રભાવક છે.
પુરુષોનું ઘટતું પૌરુષ આવતી કાલની એક વિકરાળ સમસ્યા બનવાની છે. કદાચ એમ બને કે ખરા વીર પુરુષ ભૂતકાળની દંતકથાઓ બની જાય!!



