ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- Advertisement -
ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે કપરાડાના રસ્તાઓ બેટમાં ફરવાયા છે, તો ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનોવારો આવ્યો છે.
ખંભાળિયામાં 8.2 અને વિસાવદરમાં 8 ઈંચ વરસાદ
કપરાડા ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં પણ 8.2 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડી અને ધરમપુરમાં 4-4 ઈંચ, ઉમરગામમાં 3.7 ઈંચ, ડોલવણમાં 3.2 ઈંચ, વલસાડમાં 3.1 ઈંચ, કલ્યાણપુરમાં 3.1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, પેટલાદમાં 2.1 ઈંચ, જૂનાગઢમાં 2.1 ઈંચ, જાંબુઘોડા અને તાલાલામાં 2-1 ઈંચ નોંધાયો છે. તો નવસારી, પાદરા, ધોરાજી, બોરસદ, સાંથલપુર 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતા, વઘઈ, વાપી, ભેસાણ, વાંસદામાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ખંભાળિયા ગામ પાસે આવેલ ધોધ જીવંત બન્યો
જામનગર જિલ્લાના લાલપુરના ખડખંભાળિયા ખાતે આવેલો ધોધ જીવંત બન્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજા બેટિંગ બાદ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદથી તૃપ્ત કરી દીધી છે. તેમાં લાલપુર તાલુકામાં મોસમનો સારો વરસાદ થતાં ખડ ખંભાળિયા ગામ પાસે આવેલ ધોધ જીવંત બન્યો છે. જેને લઈને પાણીમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે.
- Advertisement -
સમગ્ર ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું
જૂનાગઢમાં માંગરોળ વિસ્તારના વરસાદથી ઘેડ પંથક પાણી-પાણી થઈ ગયુ છે. સમગ્ર ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘેડના ઓસા ગામમાં પાણી હોવાથી સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢના વિસાવદરમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નદીઓ બની ગાંડીતુર બની છે.