અત્યારના સમયમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ મોટાભાગે શરીરસુખ માટે જ થાય છે : સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત માહિતી મેળવવા કરો, તમારી તમામ માહિતી કોઇને પૂરી પાડવા માટે ન કરો
મેધા પંડ્યા ભટ્ટ
- Advertisement -
લેટ્સ ડેટનો આ ત્રીજો ભાગ છે અને ત્રીજી ઘટના છે. લોકો આ વિષયને પસંદ કરી રહ્યા છે અને સમાજમાં બનતી વાસ્તવિકતાને સ્વિકારી રહ્યા છે, તેનો મને આનંદ છે. આજે ફરીથી તમારી સમક્ષ એક સત્યઘટનાને લઇને જ આવી છું. દર અઠવાડિયે હું સોશિયલ મીડિયા દ્વારા ભોગ બનેલા એક યુવક અને એક યુવતીના કડવા અનુભવોને રજૂ કરું છું. આ વખતે ફરીથી એક યુવતીની સાથે બનેલી સત્યઘટનાની વાત કરીશ.
આજે ફેસબૂક દ્વારા અજાણ્યા યુવકના સંપર્કમાં આવેલી યુવતીની વાત મને પહેલા કહેવાની વધારે યોગ્ય લાગી. મારી લેટ્સ ડેટની સ્ટોરીઝ મૂક્યા બાદ મને ફેસબૂકમાં આ યુવતી કોમલે (અહીં નામ બદલવામાં આવ્યું છે) સંપર્ક કર્યો. તેની સાથે ફોન પર વાત થઇ અને અમે બંને મળ્યા. 2015 અને 2017ની સાલમાં ફેસબૂક દ્વારા તેના સંપર્કમાં આવેલા યુવકની સાથે તેને થયેલા ખરાબ અને અસહ્ય અનુભવની આ વાત છે. સાથે જ આજના સોશિયલ મીડિયામાં ફૂટી નીકળતા પ્રેમીઓની મીઠી વાતોથી ખુશ થઇ જતી યુવતીની કેવી દશા થાય છે તે વાત કોમલની પાસેથી જ જાણીયે.
હું કોમલ ( નામ બદલેલ છે.) એક કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરું છું. છેલ્લા એક વર્ષથી હું મારી માનસિક પરીસ્થિતીને સમતોલ કરી શકી છું. મારી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા એક યુવકની અને મારી સાથે થયેલી છેતરપીંડી અને મારી લાગણીઓ સાથે થયેલી રમતની વાત કહેવા માંગુ છું.
- Advertisement -
હું સોશિયલ મીડિયા એટલે કે ફેસબૂક, ઇન્સ્ટા અને ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ રહું છું. મને પહેલેથી મારા ફોટોઝ અલગ અલગ ગુજરાતી અને હિંદી શાયરીઓ સાથે પોસ્ટ કરવાની આદત રહેલી છે. હું તમને 2015ની વાત કરું. હું પરિણીત છું અને સંતાનમાં એક દિકરો છે. અમદાવાદમાં સંયુક્ત કુટુંબમાં રહું છું. ઘરમાં પતિ તરફથી પ્રેમની થોડી ઊણપના કારણે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ વધારે રહેતી હતી. તે સમયે એક વાર રાત્રે મને મેસેન્જરમાં એક ફેસબૂક ફ્રેન્ડ દિપકનો (નામ બદલેલ છે) મેસેજ આવ્યો. આમ તો દિપકના મેસેજ અનેકવાર આવ્યા હતા પણ મેં આ પહેલા ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. થોડી ડિસ્ટર્બ હતી તેથી તે સમયે દિપકના મેસેજ અને વાતો મને ગમી. (દરેક સ્ત્રી એક વેલ જેવી હોય છે, તેને જ્યારે સહારાની જરૂર હોય ત્યારે જે સહારો મળે તેની તરફ તે વળી જતી હોય છે) તે રાત્રે મેં તેની સાથે ઘણી લાંબી વાતો કરી. આ નિત્યક્રમ બની ગયો. અમે બંનેએ નંબરની આપ-લે કરી. ફોન પર અને વોટ્સઅપમાં અમે વાતો કરતા. મારી ઓફિસથી સાંજના છૂટવાના સમયે તે પોતાની ગાડી લઇને આવતો અને અમે સાથે લોંગ ડ્રાઇવ પર પણ જતા.
આ સિલસિલો પંદર દિવસ ચાલ્યો. એક દિવસ મારી તબિયત ખરાબ હતી, તેથી હું ઘરે હતી. ઘરે કોઇ નહોતુ એટલે દિપકે ઘરે આવવા માટે પૂછયું. મેં હા પાડી. તે સમયે પહેલીવાર અમારા બંને વચ્ચે શરીરસંબંધ બંધાયો. જોકે તે પછી અમારા ફોન અને મેસેજનો સિલસિલો વધી ગયો. હું તેને મારા દરેક કામની અને બહાર જવાની અને ઘરની વાતો કરતી. તે પણ કહેતો. અચાનક મહિનો થયો કે તેનો મેસેજ આવ્યો કે હું તેને ફોન કે મેસેજથી સંપર્ક ન કરું. મને નવાઇ લાગી. ફોનમાં મેં તેને કારણ પૂછયું તો તેણે કહ્યું કે તેની પત્નીએ મેસેજ જોઇ લીધા છે અને ઘરમાં ખૂબ મોટો ઝગડો થયો છે. (અહીં એક વાતની સ્પષ્ટતા કરીશ કે દિપક પણ પરણિત હતો અને તેને પણ બે દિકરા હતા.) તેની વાત સાચી માની અને મેં તેની સાથેના સંપર્ક તોડી નાખ્યા. મારા માટે થોડું મુશ્કેલ હતું પણ અશક્ય નહોતું. 2015ના એક મહિનાના આ રીલેશનશીપમાંથી મેં મારું મન એ રીતે વાળ્યું કે સમાજમાં બદનામી થાય તેના કરતા સાચવી જવું સારું.
સમય પસાર થતો રહ્યો અને બે વર્ષ નીકળી ગયા. 2017ની હવે તમને વાત કરીશ.
હું કોર્પોરેટ કંપનીની એક ઇવેન્ટમાં હતી. રાત્રિના 10 વાગ્યા હતા. અચાનક મને એક નંબર પરથી ફોન આવ્યો અને સામે એક પુરુષનો અવાજ હતો. તેણે મને કહ્યું કે, ‘તમને હું ઘરે મૂકી જઇશ.’ મને અવાજ જાણીતો લાગ્યો પણ ઓળખાયો નહીં. હું કલાક રહીને ઇવેન્ટમાંથી બહાર નીકળી તો દિપક પોતાની ગાડી લઇને ઊભો હતો. તેને જોઇને હું ખુશ થઇ અને તે મને ઘરે મૂકી ગયો. અમે ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા. ફરીથી એ જ સિલસિલો શરૂ થયો. આ વખતે તે વધારે પઝેસિવ હોય તેવું મને લાગ્યું. અમારે ઝઘડા વધારે થતા હતા. પંદર-પંદર દિવસ સુધી બોલવાનું નહીં. આ રીતે તેણે પોતાનો જન્મદિવસ પણ મારા વિના ઉજવી લીધો. એક દિવસ તેણે પોતાની પત્ની અને સાસરી તરફથી થતી તકલીફો અને તેના પિતા સાથે બિઝનેસમાં તેને ફાવતું નથી તેવી વાતો મને કરી. તે પછી દરેક મુલાકાતમાં તે પૈસાથી તકલીફો વિશે મને કહેતો. આવી રીતે અનેકવાર મેં તેની તકલીફો સાંભળીને તેને પૈસાની પણ મદદ કરી. ક્યારેક તેની પત્નીએ માંગ્યા હોય, ક્યારેક તેના પિતા તેને ખર્ચો ન આપતા હોય, તો ક્યારેક બિઝનેસમાં તેને જરૂર હોય. તેની વાતો અને તેના પ્રેમમાં પાગલ બનેલી હું તેને સતત મદદ કરતી રહેતી. (આ પૈસા ઘરના લોકોથી છૂપાઇને હું કઇ રીતે આપતી હતી તે મારું મન જાણે છે)
એક દિવસ મેં તેની પાસે પૈસા પાછા માંગવાનો પ્રયત્ન કર્યો. તો તેણે મારી સાથે ખોટી રીતે ઝઘડા કરવાના શરૂ કર્યા. હું ક્યારેક તેનો ફોન ન ઊપાડું તો મારા વિશે ખરાબ વિચારીને કોની સાથે બિઝી હતી, જેવા શબ્દપ્રયોગ કરતો. મારા ચારીત્ર્ય પર શંકા કરવા લાગ્યો. એકવાર તો તેણે મારું વોટ્સઅપ પણ સ્કેન કરીને તેમાં આવતા મારા મિત્રોના સામાન્ય મેસજને લઇને મોટો ઝઘડો કર્યો. હું તેની સાથે બીજીવાર સંપર્કમાં આવીને બે મહિના થયા હતા પણ મને આ સંબંધ ગૂંગળામણ આપતો હતો. છતાંય તેને હું સહન કરી રહી હતી. એક દિવસ અચાનક તેણે મને તેની એક્સ ગર્લફ્રેન્ડની વાત કરી. મારા મનમાં તે નામ ચોંટી ગયું. તે મને સતત કહેતો કે તેની એક્સ ગર્લફ્રેન્ડ તેને પૈસાની હંમેશા મદદ કરતી. આ રીતે તે મારી પાસેથી પૈસા પડાવતો. (દરેક યુવતી અને મહિલા હંમેશા લાગણીમાં તણાઇને ફક્ત શારિરીક રીતે જ નહીં પણ આર્થીક અને માનસિક રીતે પણ આવા યુવકો અને પુરુષોનો ભોગ બનતી હોય છે.) મને તેની એક્સ ગર્લફ્રેન્ડની વાત જાણ્યા પછી કઇ ચેન પડતું નહોતું. અમે બંને વડોદરા એક દિવસ માટે ફરવા ગયા. મેં મારા ફેસબુકમાં તેની ગર્લફ્રેન્ડનો સંપર્ક કર્યો અને નંબર લીધો. તેની ગર્લફ્રેન્ડનું નામ નિશા હતું. તે સમયે અમેરિકામાં હતી. બરોડાથી આવ્યા પછી મેં તેની સાથે ફોન પર વાત કરી. મને જે જાણવા મળ્યું તે સાંભળીને મને ઝાટકો લાગ્યો.
દિપક મને અને નિશાને બંનેને 2015માં ફેસબુકમાં એકસાથે શોધીને ડેટ કરી રહ્યો હતો. તે સમયે મેં તેની પાછળ પૈસા ખર્ચ કર્યા નહીં અને નિશાએ તેને સારી ગિફ્ટ્સ આપી હતી, તેથી તે તેની સાથે સંબંધમાં આગળ વધ્યો હતો અને મારી સાથે સંબંધ પૂરો કર્યો હતો. બે વર્ષથી તેમના સંબંધ ચાલી રહ્યા હતા. 2017માં નિશા જ્યારે અમેરિકા ગઇ ત્યારે તરત જ દિપકે 10 દિવસમાં મારો સંપર્ક કર્યો. (દિપક મને જે હોટલની ઇવેન્ટમાં રાત્રે મળ્યો તેની વિશે તેને મારા ફેસબુકના ચેકઇન સ્ટેટસ દ્વારા ખબર પડી હતી) નિશા નવેમ્બર સુધી અમેરિકામાં રહેવાની હતી. તેથી દિપક હાલમાં તેની ગેરહાજરીમાં મારી સાથે ફરી રહ્યો હતો. (મારો ઉપયોગ કરી રહ્યો હતો એમ કહું તો ખોટું નથી.) નિશાને અમેરિકા ગયા પછી ખબર પડી કે દિપક મારી સાથે છે, તેથી તેણે તરત જ તેની સાથેના સંપર્ક પૂરા કર્યા. દિપક બીજીવારના સંબંધમાં મારી સાથે ઝઘડા કરીને શા માટે સાથે નહોતો રહેતો તેનું કારણ મને હવે સમજાયું. તે નિશાના પણ સતત સંપર્કમાં હતો. અમે બરોડા ફરવા ગયા ત્યારે દિવસે મારે એક મીટીંગ હોવાથી હું બહાર ગઇ હતી. દિપક હોટલમાં હતો, તે સમયે તેણે નિશા સાથે વીડિયો સેક્સ કર્યું હોવાની વાત પણ મને જાણવા મળી. અમે હોટલમાં આવ્યા ત્યારે તેણે રૂમનો વિડીયો બનાવીને પત્નીને મોકલે છે, એમ મને કહ્યું હતું, પણ તે નિશાને મોકલ્યો હતો. નિશા સાથે સંબંધ હોવા છતાંય તેની ગેરહાજરીમાં દિપકે મારો ઉપયોગ કરવા મને રાખી હતી. તેણે તેના જન્મદિવસ વખતે મારી સાથે ઝઘડો કર્યો હતો પણ નિશાને તે દિવસે તમામ ફોટોઝ મોકલ્યા હતા અને વાતો કરી હતી. બંને રોજ રાત્રે વાતો કરતા તે પણ મને જાણવા મળ્યું.
કેટકેટલીય વાતો જે મારી અને દિપક વચ્ચે થઇ હતી, તે તમામ નિશા સાથે પણ એ જ રીતે બની હતી. નિશા સાથે અનેક વાતો અને તારીખની ચોખવટ કરી તો સમજાણુ કે મારો કેટલો ખરાબ રીતે ઉપયોગ થઇ રહ્યો છે. તે નિશા સાથે સેક્સ કરતો ત્યારે પણ તેને ટેબલેટ આપતો અને મારી સાથે સેક્સ કરીને પણ મને ટેબલેટ આપતો. નિશા પાસેથી જાણવા મળ્યું કે તે ફક્ત પૈસા અને સેક્સ માટે ઉપયોગ જ કરે છે. સાથે જ તે દરેક મુલાકાતના ફોટા પણ પાડતો. નિશાને મેં ફોનમાં બધી વાતો કરી તો તેણે મને કહ્યું કે, ‘તેણે ફક્ત તને જ નહીં, મને અને આપણી જેવી અનેક યુવતીઓને અને મહિલાઓની સાથે સંબંધ રાખ્યા છે. મેં તેને સુધરી જવાની વોર્નિંગ આપી હતી પણ હું અમેરિકા આવી પછી તારી સાથેની વાત સાંભળીને મેં સંબંધ તોડી નાખ્યો. તેનું કામ જ ફેસબુકમાં હાઇપ્રોફાઇલ અને સારું સ્ટેટસ ધરાવતી યુતીઓ અને મહિલાઓને શોધવાનું છે. તે મોટેભાગે મેરીડ, ડિવોર્સી અને સિંગલ મહિલાઓને જ પકડે છે. જેથી તે તેના ઘર સુધી ન જાય.’
આ બધુ સાંભળવું મારા માટે અસહ્ય હતું. નિશા પોતે પણ મેરીડ હતી અને પંદર વર્ષની દિકરીની માતા હતી. તેણે ઇન્ડિયા આવશે ત્યારે મને મળશે તેવું કહ્યું. આ બધી જ વાતો જાણ્યા પછી જ્યારે દિપક સાથે મેં ચર્ચા કરી તો તે ભડકી ગયો અને મારા વાંક કાઢવા લાગ્યો. સાથે જ મારા કરતા નિશા વધારે યોગ્ય હતી તેવી સતત વાતો કરતો. બીજી બાજુ રોજ નિશાના ફોન આવે અને તેની વાતો સાંભળું. મારી માનસિક પરીસ્થિતી ખૂબ ખરાબ થવા લાગી. મેં દિપકને આપેલા પૈસા પાછા માંગ્યા તો તેણે મને મારી ઉપર કરેલા ખર્ચા ગણાવવા લાગ્યો. મને આપેલી ગિફ્ટ અને ફરવા લઇ ગયો હોય તે હોટલના ખર્ચા, મને ક્યારેક ગાડીમાં લેવા મૂકવા આવે કે ફરવા લઇ જાય તો પેટ્રોલના ખર્ચા આ બધુ તેણે મને ગણાવી દીધુ. મગજ વિચારો કરી શકે તેવી હાલતમાં જ રહ્યું નહોતું. ફરીથી સંપર્કમાં આવ્યા બાદના ફક્ત ત્રણ મહિનાના આ સંબંધમાં અમારી વચ્ચે પાંચ વાર શારીરિક સંબંધ બંધાયો, જેમાં તેણે બર્થ કન્ટ્રોલ પિલ્સ પાંચવાર આપી હતી. તેના લીધે મારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ ગયા હતા. આ બધુ બન્યું તે દરમિયાન એક રાત્રે 12 વાગ્યે હું દિપકના ઘરે તેને મળવા નીકળી ગઇ હતી. મારા ઘરે જૂઠ્ઠુ બોલીને તેને ફક્ત એક જ સવાલ પૂછવો હતો કે, શા માટે મારો આટલો ખરાબ ઉપયોગ કર્યો. તેને ફોનમાં કહ્યું તો તે ડરી ગયો અને અડધે રસ્તે મને મળ્યો. હું માનસિક અને શારીરિક રીતે એટલી હદે ખલાસ થઇ ગઇ હતી કે ના રડી શકતી હતી કે ના કશુંય બોલી શકતી હતી.
આ સમયે મારી નજીકની એક મહિલા મિત્રને મારી આ વાત કરી. તેણે મને આમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો. મારી માનસિક સ્થિતી એ હદે ખરાબ હતી કે મારે સાયકોલિજિસ્ટને પણ મળવા જવું પડ્યું હતુ અને ત્રણ સેશન લેવા પડ્યા હતા. દિપકે મને પણ ગૂમાવી અને નિશાને પણ ગૂમાવી હતી. જે બે મહિલાઓને તેણે એકસાથે ફસાવી હતી, તે બંને એકસાથે તેના જીવનમાંથી નીકળી ગઇ હતી. તેણે મને મનાવવાનો અને પોતાના સાચા પ્રેમનો સ્વીકાર કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ હું મારા મનને ફરી તેની તરફ વાળી શકી જ નહોતી. હવે હું ફક્ત મારા પરિવાર અને દિકરા તરફ જ ધ્યાન આપું છું. ઘરમાં પરિસ્થિતી અને જવાબદારી પ્રમાણે પ્રેમ બદલાતો રહે છે, તે હું સમજી છું. સાથે જ સહારો તો હંમેશા પતિ જ આપે છે તે પણ સમજાયું. જીવનના ત્રણ મહિના કાળા ધબ્બા જેવા રહ્યા. હું તેને ભૂલી તો શકીશ નહીં પણ હવે મેં મારી જાતને ખૂબ મજબૂત બનાવી લીધી છે.
સમજવા જેવું –
આજે કોમલની વાત સાંભળી, જાણી, તેની તકલીફોને આપણે પણ ક્યાંયને ક્યાંક અનુભવી. સોશિયલ મીડિયામાં તમે લોકોના સંપર્કમાં આવો તે સારી બાબત છે પણ તેમાંથી કેટલા લોકો તમારા પોતાના છે.? કેટલા લોકો તમને તમારા જીવનમાં ઉપયોગી થવાના છે.? તે જરૂરથી વિચારજો. તમે પોતાના ફોટોઝ કે સ્ટેટસ મૂકીને વધારે લાઇક્સ કે કોમેન્ટ મળવાથી સૌથી સુંદર વ્યક્તિ હોવાનો ફાંકો રાખો છો પણ સાથે જ તમને ટારગેટ કરીને કેટકેટલાય લોકો તમારો ઉપયોગ કરવા તૈયાર બેઠા છે તેની તમને ખબર હોતી નથી. આ વાત ફક્ત યુવતી સાથે કે મહિલા સાથે બને તે જરૂરી નથી. યુવકોને પણ ટારગેટ કરનારી યુવતીઓની સંખ્યા ઓછી નથી. કુટુંબ અને પરિવાર સાથે રહેતી મહિલાઓને આવા સંબંધોથી ખાસ ચેતવા જેવું છે. તમે તમારી તકલીફ કોઇને કહી પણ શકશો નહીં. લગ્ન ન કરેલ યુવતીઓનો જ્યારે આ રીતે ફક્ત શરીરસંબંધ માટે ઉપયોગ થતો હોય છે અને આવા યુવકો પોતે આનંદ માણવા પ્રોટેક્શનનો ઉપયોગ કરતા નથી, ત્યારે યુવતીઓને પીલ્સ લેવાથી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે, તે પોતે પણ જાણતી નથી. ઘણીવાર તો તેઓ માતા બનવાનું સૌભાગ્ય પણ આવા કારણોસર ગૂમાવી દે છે. જેની તેમને પરીસ્થિતી હાથમાંથી નીકળી ગયા પછી ખબર પડે છે. તો મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત માહિતી મેળવવા કરો, તમારી તમામ માહિતી કોઇને પૂરી પાડવા માટે ન કરો.