રાજકારણથી હંમેશા દૂર રહેતાં મૌલેશ પટેલે અચાનક નરેશ પટેલ સાથે શા માટે બેઠક કરી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે બે પાટિદાર મહારથિની બંધબારણે થયેલી મીટિંગનાં કારણે જબરદસ્ત ચર્ચા જાગી છે. કડવા પાટિદાર અગ્રણી અને ભામાશા તરીકે ઓળખાતા રાજકોટનાં નગરશેઠ, બાન લેબ્સનાં મૌલેશ પટેલ અને ખોડલધામનાં સર્વેસર્વા ગણાતા નરેશ પટેલ વચ્ચે ગઈકાલે કદાચ પ્રથમ વખત બંધબારણે બેઠક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મૌલેશ પટેલ કડવા પાટિદારોની વગદાર અને પવિત્ર સંસ્થા સિદસર ઉમિયા મંદિરનાં ચેરમેન છે. સામાન્ય રીતે તેઓ આવી બેઠકોમાં ભાગ્યે જ ભાગ લેતાં હોય છે. ત્યારે નરેશ પટેલ સાથેની તેમની બેઠકનાં સંકેત શું હોઈ શકે, તે વિશે અનેક તર્ક-વિતર્ક વહેતાં થયાં છે.
- Advertisement -
શું વધુ પ્રતિનિધિત્વિ માટે સિદસર-કાગવડનું મિલન થઈ રહ્યું છે?
સરદાર ધામ ખાતે યોજાયેલી મીટિંગ પછી સર્જાયા અનેક તર્કવિતર્ક: જ્ઞાતિ અને રાજકીય વર્તુળોમાં જબરી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, સરદાર ધામ ખાતે યોજાયેલી આ ગુપ્ત બેઠકમાં ખોડલધામનાં ત્રણ અને સિદસર ઉમિયા ધામનાં ચાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પરંતુ આ બેઠક પાછળનું પ્રયોજન કોઈ જાણી શક્યું નથી. અધિકૃત રીતે એવું જણાવવામાં આવ્યું હતું કે, આ બેઠકમાં માત્ર પાટિદારોનાં પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ચૂંટણીનાં માહોલ મધ્યે આ કહેવાતું કારણ પચાવવું અઘરૂં છે. ખોડલધામનાં નરેશ પટેલની રાજકારણ માટેની ખણ કોઈનાંથી છાની નથી. એમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ખૂબ ઊંચી છે એ પણ બધાંને ખ્યાલ છે. બીજી તરફ મૌલેશ પટેલ પોલિટિક્સથી સતત અંતર જાળવતાં રહ્યાં છે. ભૂતકાળમાં તેમને અનેક વખત ટિકિટની ઑફર થયાની ચર્ચા છે અને દરેક વખતે તેમણે ચૂંટણી લડવાની સવિનય ના જ કહી છે. આમ, સામસામા છેડાનાં બે વ્યક્તિત્વની આ બેઠકનાં કારણે બેઉ જ્ઞાતિમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
- Advertisement -
શું પાટિદારોને વિધાનસભા ચૂંટણીમાં વધારે ટિકિટ અપાવવા બેઠક?
મૌલેશ પટેલ અને નરેશ પટેલની બેઠક પાછળનાં કારણ અંગે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, કડવા-લેઉવા પટેલને એક કરીને વધુ ને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ઘણાં અગ્રણીઓ છેલ્લાં ખાસ્સા સમયથી પ્રયત્નશીલ છે. વિધાનસભા ચૂંટણી હવે વેંત એક જ છેટી છે ત્યારે બેઠકમાં કદાચ આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું પણ શક્ય છે.
‘સમાજનાં પડતર પ્રશ્ર્નો અંગે ચર્ચા થઈ’
સિદસર ઉમિયા ધામ અને કાગવડ ખોડલધામનાં આગેવાનો વચ્ચેની આ બેઠકમાં ઉપસ્થિત રહેલાં એક અગ્રણી સાથે ‘ખાસ-ખબર’એ વાત કરી હતી. તેમનાં કહેવા મુજબ આ બેઠકમાં સમાજનાં પડતર પ્રશ્ર્નોની, શિક્ષણ અંગેનાં મુદ્દાઓની તથા અન્ય અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ વાત માન્યામાં આવે તેવી નથી.



