અમરેલીના ધારીમાં હીમખીમડીપરામાં ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું
દેશના ઘણા રાજ્યોમાં, ગેરકાયદેસર મદરેસા, મસ્જિદો અને ધર્મસ્થાનો સામે કાર્યવાહી ચાલી રહી છે અને દરરોજ આ બધા મદરેસા, મસ્જિદો અને ધર્મસ્થાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ગુજરાતથી અમરેલીના ધારીમાં હીમખીમડીપરામાં એક ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. એક મૌલાનાના ‘પાકિસ્તાની લિંક’ સામે આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
અમરેલીના ડીએસપી પીઆર રાઠોડે જણાવ્યું હતું કે, “એસડીએમની તપાસમાં જાણવા મળ્યું કે મદરેસામાં દસ્તાવેજો નહોતા. સંચાલકો એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા કે મદરેસાની જમીન તેમની છે અને બાંધકામ કાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસને કોઈ પ્રતિકારનો સામનો કરવો પડ્યો ન હતો.”
ગરીબ લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો
ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગએ તપાસ શરુ કરી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતાં આ મકાન 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું તે બહાર આવ્યું છે. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું, જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે ગેરકાયદે થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પર થયેલું બાંધકામ પણ તોડવામાં આવ્યું છે.
- Advertisement -
શંકાસ્પદ વૉટ્સએપ ગ્રુપ મળ્યા; પાક, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સાથે કનેક્શન
પોલીસના જણાવ્યા અનુસાર, મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ એક મદરેસા ચલાવતા હતા. પહેલગામ હુમલા બાદ, ગુજરાત પોલીસે અમરેલીથી શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખના મોબાઈલમાંથી 7 શંકાસ્પદ પાકિસ્તાની અને અફઘાની વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ પછી પોલીસે આરોપી મૌલાના વિરુદ્ધ કેસ નોંધ્યો. વોટ્સએપ ગ્રુપના દરેક સભ્યો બાંગ્લાદેશ, પાકિસ્તાનના હોવાનું જણાયું છે. જેમાં મોટાભાગે અરબી ભાષામાં મેસેજ જોવા મળ્યા છે. હાલ પોલીસ તેનું ભાષાંતર કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ મૂળ અમદાવાદના જુહાપુરાનો છે અને અમરેલીમાં એક મદરેસા ચલાવતા અને ગેરકાયદે વસવાટ કરતા હતા. મૌલાનાના પાકિસ્તાની કનેક્શન ધરાવતા અનેક વોટ્સએપ ગ્રુપ્સ મળ્યા બાદ, પોલીસે બુલડોઝર વડે આરોપી મૌલાનાના મદરેસા તોડી પાડ્યા. દરમિયાન, ગુજરાત પોલીસ મૌલાનાની પૂછપરછ માટે તેને અમદાવાદ લાવી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પાકિસ્તાનમાં તે કયા લોકોના સંપર્કમાં હતો અને તેનો હેતુ શું હતો?