શૈલવાણી
– શૈલેષ સગપરિયા
લોકો પૈસા પાછા નહિ આપે તો હું મારી મિલકત વેંચી નાખીશ અને ઉછીના લીધેલાં બધા નાણાં પાછા આપીશ પણ આવી વિકટ સ્થિતિમાં પૈસાના વાંકે કોઈને કેવી રીતે મરવા દેવાય?
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવતા પી.પી.સ્વામીને કોરોનાની સારવાર માટે સુરતની એક હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા ભરતભાઇ માંગુકિયા સવાર-સાંજ પૂજ્ય સ્વામીજી માટે ટિફિન લઈને જતા હતા. એક દિવસ ભરતભાઇ ટિફિન આપવા માટે ગયા ત્યારે હોસ્પિટલના મેડિકલ સ્ટોર પાસે એક ભાઈને વિહવળ થઈને આંટા મારતા જોયા. એ ભાઈને જોઈને જ ભરતભાઇ સમજી ગયા કે આ ભાઈ કોઈ મુશ્કેલીમાં છે. એ સમયે કોરોનાની બીજી લહેર એની ચરમ સીમાએ હતી એટલે કોઈને કોઈ સામે જોવાની પણ ફુરસદ નહોતી.
- Advertisement -
ભરતભાઈએ એ ભાઈને પૂછ્યું કે ‘કોઈ તકલીફ છે ?’ એ ભાઈએ કહ્યું, ’ભાઈ, મારા ઘરવાળાને દાખલ કર્યા છે. હું હીરા ઘસવાનું કામ કરૂં છું. ઉછી-ઉધારા કરીને સારવાર કરાવું છું. અત્યારે ખિસ્સામાં ખાલી 120 રૂપિયા છે અને ત્રણ હજારની દવા લેવાની છે. હવે કોઈ પાસે માંગી શકું એમ નથી એટલે શું કરવું એ સમજાતું નથી.’ એ માણસની લાચારી જોઈને ભરતભાઈની આંખો ભીની થઇ ગઇ. પોતાના પાકીટમાથી 3000 કાઢીને દવા લેવા માટે આપ્યા અને સામેવાળાનું આત્મસન્માન જળવાઈ રહે એટલે કહ્યું, ‘આ હું તમને ઉછીના આપું છું તમારે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે મને પહોંચાડી દેજો.’ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને ભરતભાઇ ત્યાંથી જતા રહ્યા.
ઘરે ગયા પછી ઊંઘ આવતી નહોતી. માંડમાંડ કરીને ઘર ચલાવતા આવા તો અનેક લોકો અત્યારે મુશ્કેલીમાં હશે જે મદદના વાંકે મુંજાતા અને મુરઝાતા હશે. આવા લોકોને મારાથી જે મદદ થઈ શકે એ મદદ કરીને એના દુ:ખમાં સહભાગી થવું છે એવો ભરતભાઈએ સંકલ્પ કર્યો. બીજા દિવસથી જુદા જુદા મેડિકલ સ્ટોર પાસે ઉભા રહીને દવા લેવા આવતા લોકોને થોડા દૂરથી જોવે. ચહેરા પરની વેદના વાંચી લે અને કોઈ દવા ખરીદ્યા વગર પાછા જાય તો એની પાછળ જઈને એની સાથે વાત કરે. કોઈને ખબર ન પડે એવી રીતે 5,10 કે 15 હજારની મદદ કરે. સામેવાળો પૈસા કેમ પાછા આપવા એમ પૂછે એટલે પોતાનું કાર્ડ આપે અને વ્યવસ્થા થાય ત્યારે આપજો એમ કહે. જેને મદદ કરી હોય એનો ફોટો ન પાડે કે એના નંબર પણ ન લખે કારણકે ભરતભાઇ એવું માને છે કે આ લોકોની મૂડી તેનું આત્મસન્માન છે જેને કોઈ રીતે ઠેસ ન પહોંચવી જોઈએ. ભરતભાઇની આ સેવાની લોકોને ખબર પડતી ગઈ એમ મદદ માટે વધુ લોકો સંપર્ક કરવા લાગ્યા. લોકોને મદદ કરવામાં પોતાની અંગત બચત ખૂટી ગઈ. હવે શું કરવું ?
સામાન્ય પરિવારના લોકોને દવા અને સારવાર માટે માત્ર 10000 કે 20000ની જ જરૂર હોય છે એટલી નાની રકમથી કોઈનો જીવ બચી જતો હોય તો ગમે તેમ કરીને મદદ કરવી જ જોઈએ. ભરતભાઈએ સુરતના થોડા સમાજશ્રેષ્ઠીઓનો સંપર્ક કરીને એમની પાસેથી રકમ ઉછીની લીધી. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે ભરતભાઈએ 37 લાખ જેવી માતબર રકમ ઉછીની લઈને લોકોને મદદ કરી. રકમ ઉછીની આપનાર એક ઉદ્યોગપતિએ પોતાની પાસે રકમ નહોતી તો બીજેથી મેળવીને આપી અને પૂછ્યું કે ‘તમે બધાને મદદ કરો છો એની કોઈ નોંધ પણ નથી રાખતા. આ કોઈ પૈસા પાછા આપવા નહિ આવે ત્યારે શું કરશો ?’
- Advertisement -
ભરતભાઈએ કહ્યું, ‘લોકો પૈસા પાછા નહિ આપે તો હું મારી મિલકત વેંચી નાખીશ અને ઉછીના લીધેલા બધા નાણા પાછા આપીશ પણ આવી વિકટ સ્થિતિમાં પૈસાના વાંકે કોઈને કેવી રીતે મરવા દેવાય. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લોકોને હૂંફ આપવાનો આ સમય ચૂકી જશું તો આપણી મિલકતોને શુ ધોઈ પીવી છે. અને હું પૈસા આપું છું એની કોઈ નોંધ રાખતો નથી કારણકે ઉપરવાળો મોટી નોંધ રાખવાવાળો બેઠો જ છે એના હિસાબમાં કોઈ દિવસ ગડબડ ન થાય એટલે બધું એના પર છોડ્યું છે.’ ભરતભાઇએ પોતાની અંગત બચત અને ઉછીના લીધેલા 37 લાખ ખર્ચીને કેટલાય પરિવારોની મૂંઝવણ દૂર કરી અને કેટલાય જીવ બચાવવામાં પરોક્ષ રીતે ભાગીદાર બન્યા.
ભરતભાઇ સુરતમાં આશીર્વાદ માનવ મંદિર નામની સંસ્થા પણ ચલાવે છે જ્યાં 350થી વધારે મનોદિવ્યાંગ લોકોને સાચવે છે અને તેની સારવાર કરાવે છે. છેલ્લા 7 વર્ષમાં સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોના 2000થી પણ વધુ મનોદિવ્યાંગ લોકોને સાચવીને સાજા કર્યા છે અને એના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. ભરતભાઇ, આપના જેવા લોકો અંધારી રાતના ચમકતા સિતારાઓ જેવા હોય છે જે ઘણાના જીવનમાં પ્રકાશ પાથરી જાય છે.