સુવર્ણ ઈતિહાસ રચી મનુ ભાકર સામાન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
ભારતની મહિલા શૂટર મનુ ભાકરએ પેરિસ ઓલિમ્પિક-2024માં 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટ અને મિક્સડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે ત્યારે મનુની ચર્ચા આજે સૌ કરી રહ્યા છે. ‘મનુ ભાકર’ એક એવું નામ જેને ભારત જ નહીં પણ વિશ્ર્વમાં બધાનું આકર્ષણ અને પ્રેમનું કેન્દ્ર બની રહ્યું છે. એક એવી પ્રતિભાશાળી મહિલા કે જેની ઉંમર માત્ર 22 વર્ષ છે, જેને પોતાની મહેનત અને આત્મબળથી ઇતિહાસમાં પોતાનું સ્થાન સુવર્ણ અક્ષરથી લખાવ્યું અને શૂટિંગ રમતમાં ભારતની પહેલી મહિલા ઓલિમ્પિક પદક વિજેતા નિશાનેબાઝ બની. પેરિસ ઓલિમ્પિક-2024 તારીખ 28 જુલાઈ, 2024 રવિવારના રોજ બપોરના સમય 3-00 વાગ્યે અને 58 મિનિટે (ભારતના સમય પ્રમાણે) 10 મીટર એર પિસ્તોલ મહિલાઓની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી સમગ્ર ભારતના દિલમાં જગ્યા મેળવી. આપણા દેશને વિશ્ર્વફલકે એ ગૌરવનું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે, એટલું જ નહીં પણ તારીખ 30 જુલાઈ, એટલે કે માત્ર 2 દિવસ બાદ, સરબજ્યોત સિંઘ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઇવેન્ટમાં પણ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતી ભારતની પહેલી રમતવીર પણ બની છે, જેને એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. આ સિદ્ધિ એક એવો સુવર્ણ ઇતિહાસ રચાઈ ગયો છે જે હંમેશાં ભારતની મહિલા શૂટરો માટે નહીં પણ વિશ્ર્વની હરએક સામાન્ય મહિલાઓ માટે પણ ખાસ એક અલગ પ્રેરણારૂપ બની રહેશે. સમયને જાણે વર્ષ 2004ના એથેન્સ ઓલિમ્પિકના ફ્લેશબેકમાં પહોંચાડી દીધો. જયારે ભારતીય સેનાના કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ (તે સમયે તેઓની ઉંમર 34 વર્ષ હતી) એ શોટગન ડબલ ટ્રેપ પુરુષની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ભારતના પહેલા નિશાનેબાઝ બની ઇતિહાસ રચ્યો હતો. 20 વર્ષ પહેલા એ સમાચાર માત્ર રેડિયો પ્રસારણ દ્વારા લાઈવ અને ટેલિવિઝન સમાચાર અને સમાચાર પત્રિકા મારફતે લોકોને જયારે ખબર પડી ત્યારે એક અલગ જ ઉમંગ જોવા મળ્યો હતો અને જાણે કોઈ સપનું સાકાર થયું હોય તેવી પળ હંમેશાં માટે યાદગાર રહેશે. આજે મનુ ભાકરનો ઓલિમ્પિક ફાઇનલનો મેચ અને જીતની ક્ષણનો આપણે લાઈવ પ્રસારણ આપણા મોબાઈલમાં જોઈ શકીએ છીએ, ટેક્નોલોજીના આ યુગમાં બધું ખૂબ ઝડપી બની રહ્યું છે, પણ એક પળ હજુ એ જ જોવા મળે છે, એ છે આપણા દેશના પદક વિજેતા ખેલાડી જયારે ભારતનો રાષ્ટ્રધ્વજ પોતાના બંને હાથમાં લઇને ઊંચો કરે છે એ રાષ્ટ્રપ્રેમની ભાવનાની ક્ષણ બહુમૂલ્ય છે.
- Advertisement -
ખાસ અગત્યની વાત એ છે કે મનુ ભાકર એ ગત ઓલિમ્પિક એટલે કે બેઈજિંગ 2020માં પણ ભાગ લીધો હતો ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી અને તેમની પિસ્તોલ મેચમાં બગડતા તેઓ ધાર્યું પરિણામ લાવી ન શક્યા હતા. વિશ્ર્વ સ્તર ઉપર જયારે હજારોની સંખ્યામાં વિશ્ર્વભરના રમતવીર પોતાનું કૌશલ્ય દેખાડવા આવતા હોઈ અને ઓલિમ્પિક જેવી મોટી સ્પર્ધા જે 4 વર્ષે યોજાતી હોય તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના દેશ માટે મેડલ જીતવું એ બધાનું લક્ષ્ય હોય છે. પણ જો દિવસ-રાત મહેનત કર્યા પછી પણ એક નાની એવી ખામી પોતાની ગનમાં ચાલુ મેચમાં થવાના લીધે પર્ફોર્મન્સ ન થાય તો કોઈ પણ રમતવીરનું મનોબળ તૂટી જાય, પણ મનુ ભાકરે હાર ન માની અને શ્રી જસપાલ રાણા જેવા દિગ્ગજ પિસ્તોલ કોચને પોતાના વ્યક્તિગત કોચ બનાવીને પેરિસ ઓલિમ્પિકની તૈયારી ચાલુ રાખી હતી. મનુ ભાકરના હાલના અચિવમેન્ટનો ખૂબ મોટો શ્રેય જસપાલ રાણાને પણ જાય છે, કારણ કે તેમણે મનુને ખૂબ કડક ટ્રેનિંગ કરાવી અને કોઈ પણ સંજોગોમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપી જીત મેળવવા માટે તૈયાર કરી. એક સારા ગુરુ, પોતાની પાસે રહેલા અનુભવ અને જ્ઞાનથી એક સારા શિષ્યને વિજયી થવા માટે પ્રોત્સાહિત કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે
ગુરુ જસપાલ રાણા અને શિષ્ય મનુ ભાકર.
પરિવાર, ગુરુ, મિત્રો, અને શુભચિંતકો તથા કરોડો ભારતના નાગરિકોની પ્રાર્થના, પ્રેમ અને લાગણી હંમેશા ‘મનુ’ ઉપર અપરંપાર વરસતી રહેશે. મનુ એ ભારતમાં રહેલ હરેક મહિલા એવી બેન, દીકરી, માતા, પત્નીની અભિલાષા છે, અવાજ છે, એક દ્રઢ સ્ત્રીના વ્યક્તિત્વનો જે વિશ્ર્વ સ્તર ઉપર પોતાના બળથી પોતાની ઓળખ ઉભી કરવા પ્રયાસ કરે છે. મનુ એ હંમેશાં ‘વિજય’નો પર્યાય બની એક પ્રેરણાનું સિંચન કરતી રહેશે.
નવા અનેક શૂટરને ગાઈડ કરતાં શોટગન શૂટર નીલરાજ રાણા
તમને જણાવી દઈએ કે નીલરાજ રાણા પણ એક નેશનલ લેવલ શોટગન શૂર્ટર છે અને ગઈંજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ સર્ટીફાઈડ કોચ પણ છે. શૂટિંગ એ તેમનું પેશન છે અને અન્ય નવા શૂટરને ગાઈડ કરવા અને સાચી માહિતી આપતાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે મનુ ભાકરના ગુરુ, કોચ એવા જસપાલ રાણા સરનો ફોટો જે વર્ષ 2023માં દિલ્હી ખાતે, ડો. કરનીસિંહ શૂટિંગ રેન્જ ઉપર લીધો હતો જયારે હું પોતે ત્યાં મારો શૂટિંગ કોચના પ્રોગ્રામ ટ્રેનિંગ માટે ગયો હતો. અને ઉલ્લેખનિય છે કે ત્યારે મનુ ભાકરનો નેશનલ સિલેકશન ટ્રાયલ કોમ્પિટિશન ચાલુ હતી અને મને એ વ્યક્તિગત જોવાનો મોકો પણ મળ્યો હતો, જેમાં તે ગોલ્ડમેડલ વિજેતા બની હતી અને જસપાલ રાણા સાથે વાર્તાલાપ કરવાની પણ મને તક મળેલ હતી જે મારા માટે જરૂર એક યાદગાર પળ હંમેશાં રહેશે.