– પ્રિયંકા પરમાર
પ્રથમ નવલિકાને જ ગુજરાતી સાહિત્ય અકાદમીમાં બેસ્ટ નવલિકાનું સન્માન
- Advertisement -
આંખ બંધ કરીને શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે, જીવનમાં અજાણતાં હાથ ધરેલા કાર્યોમાંથી આપણે વિશેષ સિદ્ધી હાંસલ અને સફળતા પ્રાપ્ત કરતાં હોઈએ છીએ. આ અજાણું કાર્ય જ્યારે જાણીતું થઈને મુખ્ય લક્ષ્ય બની જાય ત્યારે પ્રાપ્ત સફળતાને કેમ વધુ નિખારી શકાય તેનો પણ ખ્યાલ આવતો જાય છે. આવા જ અજાણતાં હાથ ધરેલા કાર્યમાંથી પ્રેરણા લઈને લેખક થી ફાઉન્ડર સુધીની સફળ સફર ખેડી છે મનીષા ગાલાએ.
નવનીત ન્યુઝ એન્ડ પબ્લીકેશનમાં લેખિકા તરીકે શરૂઆત કરનાર મનીષાબેન ગાલાએ પોતાના લેખન ક્ષેત્ર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 2004માં નવનીત ન્યુઝ એન્ડ પબ્લીકેશન હાઉસના નેજા હેઠળ ચાલતું ચિલ્ડ્રન વીકલી ન્યુઝનું સંચાલન સંભાળ્યું હતું. તેથી કહી શકાય કે 2004થી ઓફિશિયલી હું લેખિકા તરીકે પ્રસ્થાપિત થઈ છું. આમ જોઈએ તો મારા પિતા તરફથી પણ મને લેખન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી છે. હાલ પણ તેઓ મારા પ્રેરણાસ્ત્રોત છે.
2012માં જોબ મુકી ત્યારે વિચાર આવ્યો કે લેખન ક્ષેત્રમાં વધુ ખેડાણ કરવું જોઈએ અને નવલકથા લખવી જોઈએ. બસ આ વિચારને અમલી કરીને નવલકથા લખવાનું શરૂ કર્યું. હર્ષ પ્રકાશન હેઠળ 20 નવેમ્બર 2016માં મારી પ્રથમ નવલકથા ફેસબુકમાંના ચહેરા પ્રકાશિત થઈ હતી. જેને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દ્વિતીય ક્રમાંક પર બેસ્ટ નવલિકાનું સન્માન પ્રાપ્ત કર્યું હતું તેમ મનીષાબેન ગાલાએ જણાવ્યું હતું.
- Advertisement -
મનીષાબેને ફેસબુકમાંના ચહેરા સિવાય અન્ય પુસ્તકો પણ લખ્યા છે. જેમાં વારસદાર, મની ગેમ, જૈનીઝમ : લાઈફ સાયન્સનો સમાવેશ થાય છે. મની ગેમ પુસ્તક ફાઈનાન્સિયલ થ્રીલર થીમ પર આધારિત છે. મની ગેમ અને જૈનીઝમ લાઈફ સાયન્સની ઈ – એડીશન એમેઝોન કીંડલે પર પણ ઉપલબ્ધ છે.કારકીર્દિની શરૂઆત કરી ત્યારથી જ પરિવારના બિઝનેશને જોયો છે અને તેમાં કામ પણ કર્યું છે. તેથી લેખિકા તરીકે સફળતાનો ગ્રાફ પૂર્ણ ન કરતાં Truth and Tales નામનું પબ્લીકેશન શરૂ કર્યું. મારા પબ્લીકેશન હેઠળ જ મારું એક પુસ્તક પ્રકાશિત થઈ ચુક્યું છે. ટૂંક સમયમાં જૈનધર્મ પર આધારિત બીજું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવશે.
મનીષા ગાલાએ પોતાના શોખ વિશે રસપ્રદ વાતો કરતાં કહ્યું હતું કે, નેશનલ સેન્ટર ફોર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, યુ.કે.માંથી કોમ્પયુટર પ્રોગ્રામરનો કોર્સ કર્યો છે. 1990 થી કોમ્પ્યુટર સાથે સંકળાયેલી હોવાથી મને ડિજીટલ પ્લેટફોર્મ માટે ખાસ્સો લગાવ છે. હું લેખન કળા માટે દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરું છું. ફેસબુક અને યુ-ટયુબ પર Manisha Gala – Author Truth and Tales, ઈન્સટાગ્રામ પર @truthandtalesofficial અને ક્વોરા સ્પેસ પર Soul to Soul ના નામે બ્લોગ અને વિડીયો મુકું છું. આ ઉપરાંત મને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પણ આવડે છે. મુંબઈમાં અભ્યાસ કર્યો હોવાથી મરાઠી ભાષાથી પણ થોડી ઘણી પરિચિત છું.
લેખનની સાથે વાંચનમાં બહોળો રસ ધરાવતાં મનીષાબેન વિવિધ ઝોનરના પુસ્તકો વાંચવા બહુ ગમે છે. હરકિશન મહેતાની ભેદભરમ મેં 4 વાર વાંચી લીધી છે જો હજુ વાંચવા મળે તો ફરી એકવાર વાંચી કાઢું એટલું મારું પ્રિય પુસ્તક છે. આ ઉપરાંત અશ્વીની ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય મારા પસંદીદા લેખક છે. તેમજ યુવાપેઢીમાં દ્યૈવત ત્રિવેદી, મયૂર પટેલ પણ સારું લખે છે. અંગ્રેજી લેખક ટોની રોબીન્સના પુસ્તકો પણ હું વાંચુ છું. આ ઉપરાંત વિવિધ દેશો – ક્ષેત્રોની ભાષાના ફિલ્મો પણ જોવા ગમે છે. સાથોસાથ ડાન્સ, મ્યુઝિક અને ગેમ્સ રમવાનો શોખ ધરાવું છું તેમ મનીષાબેને કહ્યું હતું.
યુવાઓ વિશે વાત કરતાં મનીષાબેને જણાવ્યું હતું કે, યુવાઓ પુસ્તકો સાથે સંકળાયેલા નથી એ કહેવું યોગ્ય નથી. સમયના અભાવમાં અને સમય બીજી પ્રવૃતિઓમાં વેંચાઈ જવાથી પુસ્તક વાંચનમાં યુવાઓ ઓછો સમય કાઢે છે. પરંતુ સાંપ્રત સમયને સાંકળીને લખાતાં પુસ્તકોને યુવાઓ અવશ્ય વાંચે છે. નવોદિત લેખકો પણ સારું લેખન સાહિત્ય પીરસી રહ્યા છે. ડિજીટલ પ્લેટફોર્મ પર પણ વાચક વર્ગ સારા એવા પ્રમાણમાં સક્રિય છે.જીવંત વ્યક્તિત્વ ધરાવતાં મનીષા ગાલાની રાઈટર થી પબ્લીશર બનવા સુધીની સફર વિવિધ ક્ષેત્રમાં પોતાનું મક્ક્મ સ્થાન બનાવવા ઈચ્છતી દરેક મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. તો ચાલો લેખની શરૂઆતમાં કહ્યું એ રીતે તમે પણ આંખ બંધ કરીને વિચારી જુઓ કે મનીષા ગાલાની જેમ તમે પણ એવું ક્યું કાર્ય અજાણતા કર્યું હતું અને તેમાં સફળ થયા હતા. જો વિચારીને ચહેરા પર હાસ્ય અને સંતોષ આવે તો મારી પણ મહેનત સફળ….