શહેરના ચોવીસ કલાક ધમધમતાં રાજમાર્ગો અને CCTV રૂટ સહિતના માર્ગો પર શરૂ કરાશે દબાણ હટાવ ઝુંબેશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમા રાજમાર્ગો અને મુખ્ય માર્ગો પર ખડકવામા આવેલા ગેરકાયદે દબાણો સામે તા. 15 ઓગસ્ટ પછી મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે વાતચિતમાં કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે હાલ ચોમાસાના કારણે વનવીક વનરોડ ઝુંબેશ બંધ છે. પણ શહેરના રાજમાર્ગો અલગ અલગ વોર્ડ વિસ્તારોના મુખ્ય માર્ગો, સહિતના તમામ માર્ગો પર મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો ખડકી દેવાયાનું ધ્યાને આવ્યું છે. આથી તા. 15મી ઓગસ્ટ બાદ આવા તમામ માર્ગો પરથી દબાણો દુર કરવા મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, અલગ અલગ વિસ્તારોમાં ચાલતા કારમેળાના સંચાલકો દ્વારા જાહેર માર્ગો કે ફૂટપાથ પર વેેંચાણ માટે કાર રાખીને ફૂટપાથો અને માર્ગો દબાવવામાં આવ્યા છે. આ સિવાય નાના મોટા ધંધાર્થીઓ દ્વારા પણ માર્ગો પર દબાણો કરી દેવાયા છે.
- Advertisement -
વન વીક વન રોડ ઝુંબેશ ચોમાસાના કારણે બંધ થતાં અનેક દુુકાનદારો દ્વારા માર્જીનમાં ફરીથી માર્જીનમાં દબાણો કરી દેવાયા છે. મહાનગરપાલિકાના પ્લોટ કે જમીન પર પણ ગેરકાયદે બાંધકામો કરીને દબાણો ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ સામે તા. 15 ઓગસ્ટ પછી મહાઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે. કમિશનર આનંદ પટેલે ઉમેર્યું હતુ કે, શહેરના બીઆરટીએસ રૂટ પર વાહનચાલકો દ્વારા વાહનોના ખડકલાં કરી ફૂટપાથનું અસ્તિત્વ રહેવા દીધું નથી. અનેક દૂકાનદારો દ્વારા ફૂટપાથ પર આડચ મુકી દઇ પોતાના વ્યવસાય માટે જાહેર ફૂટપાથનો અંગત ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સાયકલ ટ્રેક અને રાહદારીઓને ચાલવા માટે ઉપયોગી ફૂટપાથો ઉપરથી આવા દબાણો હટાવાશે.
જ્યાં વાહનચાલકો દ્વારા ગેરકાયદે રીતે વાહનપાર્ક કરીને રસ્તા કે ફૂટપાથો દબાવવામાં આવી હશે તે તમામ દુર કરાશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે નાના મોટા ધંધાર્થીઓ માટે મહાનગરપાલિકાએ હોકર્સ ઝોન બનાવ્યા છે. પણ અનેક ધંધાર્થીઓ હોકર્સઝોનની જગ્યા લઇને તેનો ઉપયોગ કરતાં નથીે. અને રોડ રસ્તા પર ઉભા રહીને નાના મોટા વ્યવસાય કરી રહ્યા હોય ગ્રાહકો પણ જાહેર માર્ગ પર વાહનોના ખડકલાં કરીને દબાણ વધારે છે. આવા સ્થળોએથી પણ દબાણો દુર કરવા મહાનગર પાલિકાના તમામ વિભાગોને કામે લગાડાશે. અને જ્યાં જરૂર પડશે તેવા સ્થળોએ વાહનો ડીટેન કરવા સહિતની કામગીરી માટે પોલીસની મદદ લેવાશે.