ડાયાબિટિક વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્ર સરકારના મહત્વનો નિર્ણય: સ્કૂલ-પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી
ખાસ-ખબર સંવાદદાતા
યુવાવર્ગને ભરડો લઈ રહેલી બિમારી વચ્ચે મહારાષ્ટ્રમાં રાજય સરકારે ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં નાસ્તો-દવાઓ સાથે રાખવાની છુટ્ટ આપતો મહત્વનો નિર્ણય લીધો છે. સ્કુલોમાં પણ આવતા વિદ્યાર્થીઓને નાસ્તાનો બ્રેક આપવા સુચના આપવામાં આવી છે. રાજય સરકારના નિર્ણય પ્રમાણે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓનો નાસ્તો, ફ્રુટ, ડ્રાઈફ્રુટ શિક્ષકોએ રાખવા પડશે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં લેવા જરૂર વખતે વિદ્યાર્થીને આપવા પડશે. વિદ્યાર્થી ડાયાબીટીસની દવા, ગ્લુકોમીટર તથા ગ્લુકોઝ ટેસ્ટ સ્ટ્રીપ પોતાની પાસે રાખી શકશે. ધો.1થી12 તમામ પરીક્ષામાં આ નિયમ લાગુ પડશે. ગ્લુકોઝ મોનીટરી તથા ઈન્ફયુલીન પંપ રાખવાની પણ છુટ્ટ રહેશે. ડાયાબીટીસનું મોનીટરીંગ સ્માર્ટફોન મારફત કરવામાં આવતું હોય તો સ્માર્ટફોન રાખવાની પણ છુટ્ટ રહેશે. જો કે, સ્માર્ટફોન પરીક્ષાખંડમાં શિક્ષક પાસે રાખવાનો રહેશે. આ પ્રકારના વિદ્યાર્થીઓને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ કહેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોના કહેવા પ્રમાણે અત્યાર સુધી કોઈ નિશ્ચિત નિયમો કે માર્ગદર્શિકા ન હતી એટલે શાળાએ જરૂર પ્રમાણે સગવડ કરી દેતી હતી. હવે સ્કુલ ઉપરાંત પરીક્ષા વખતે પણ નિયમો લાગુ થશે. બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીને ‘સ્નેક બ્રેક’ આપવા કહેવામાં આવ્યું છે. શિક્ષણવિદોએ સરકારના નિર્ણયને આચાર્યો છે અને વિદ્યાર્થીઓ પર તણાવ ઘટાડી શકવાનો દાવો કર્યો છે.