લેખક:પરેશ રાજગોર
ગુજરાતીના વિખ્યાત લેખક સૌરભ શાહની નોવેલ ‘મહારાજ’ પરથી બનેલી ફિલ્મ ‘મહારાજ’ નેટફ્લિક્સ પર શુક્રવારે રીલીઝ થઇ રહી છે, ત્યારે આ પુસ્તક પર વિશેષ લેખ
- Advertisement -
એક કુદરત છે, જે સૂરજને ઉગાડે છે, ફૂલને ખીલવે છે, રાત્રે અંધારું કરી આપણને સુવડાવે અને સવારે આંખો ઉઘાડી એક નવી જિંદગી બક્ષે છે, આટલું પૂરતું નથી. એને ઓળખ આપો ઈશ્ર્વર, અલ્લા, જિસસ… ના.. ના, હજુ કંઈક ખૂટે છે. ક્યાં છે ઈશ્ર્વર, અલ્લા જિસસ વગેરે. કંઈક પ્રત્યક્ષ જોઈએ એવી મનુષ્યની તીવ્ર ઈચ્છાના પરિણામે અસ્તિત્વમાં આવ્યા ઈશ્ર્વર સ્વરૂપ, સાક્ષાત્ સ્વયંભૂ ઈશ્ર્વરના પ્રતિનિધિ ગણાવાથી શરૂ કરી ખુદને જ ઈશ્ર્વર તરીકે સ્થાપી દેનાર ધર્મપુરુષો, મહાત્માઓ, સંતો, ફકીરોનો સિલસિલો શરૂ થયો. હવે એ ભગવાનોને ખુશ રાખવા ધન-સંપત્તિ, પૂજા-અર્ચના, લાલન-પાલન આટલું ઓછું હોય તેમ પોતાની કુમળી-માસુમ દીકરીઓને પણ ધરી દ્યો, પછી વાડ ચીભડાં ગળે તેવો હોશ આવતાં જ કંઈક આશારામોના એશઆરામોના પર્દાફાશ થાય, બેહિસાબ ધનદૌલતની આડમાં થયેલા પાપો પ્રકાશાય.. હો હા… અખબારમાં લેખોથી માંડી ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મો બની જાય છતાં પણ કાલે ઉઠીને કોઈ નવા ભગવાન ભારતની પ્રજાને ઘેલી બનાવે એ આ દેશમાં જરાય અશક્ય નથી.
કાગડા અત્યારે જ કાળા છે એવું નથી, એ હંમેશાં કાળા જ રહ્યાં છે. સત્તા રાજની હોય કે ધર્મની, માણસ તેનો દુરુપયોગ કરતો જ રહ્યો છે. ચિત્રગુપ્તના ચોપડે લખાયેલાં કર્મો તો મૃત્યુ પછી એકલા જીવના ભાગે જાણવામાં આવે છે, પરંતુ પત્રકારો જીવતા મનુષ્યના કર્મોના પર્દાફાશ કરનારા સદેહ ચિત્રગુપ્તો છે. (પ્લીઝ તેજપાલ ‘તહેલકા ફેમ’ને કે એના જેવાઓને બાકાત રાખજો, ગામ હોય ત્યાં બે-ચાર ઉકરડાં પણ હોય) આવા જ એક જાંબાઝ પત્રકાર કરસનદાસ મૂળજી… જેણે માત્ર 28 વર્ષની કુમળી વયે વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવ ધર્માચાર્યોના કુકર્મ કૌટુંબિક કે ભૌતિક સુખની પરવા કર્યા વિના ખુલ્લાં પાડ્યાં એ પણ આજથી દોઢસો વર્ષ પહેલાંના તદ્દન ધર્મચુસ્ત સમાજ સામે! તેમાંય લાજવાને બદલે મહારાજ ગાજ્યા અને આજના પાંચ કરોડ રૂપિયા થાય તેવી તે સમયની પચાસ હજાર રૂપિયાની રકમનો બદનક્ષીનો દાવો માંડી દીધો કરસનદાસ પર.
આ કેસ ઈતિહાસમાં ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે નોંધાયો. એક અદના પત્રકાર પર એક સત્તા અને શક્તિશાળી ધર્માચાર્યે માંડેલો જંગી રકમનો દાવો. જેના પર આધારિત નવલકથા પૂરા ઐતિહાસિક સત્યો સાથે તાજેતરમાં ‘મહારાજ’ નામે શ્રી સૌરભ શાહની કલમે લખાય છે. જે આર. આર. શેઠ કંપની, અમદાવાદે તાજેતરમાં પ્રગટ કરી છે. આશારામો અને નારાયણોના રોજિંદા બનાવો જોતાં આ ‘કેસ’ ભારતની ધર્મઘેલી પ્રજા માટે આજેય એટલો જ પ્રસ્તુત છે, માર્ગદર્શક છે. લેખક ખુદ વૈષ્ણવધર્મી છે. પોતાના જ ધર્મની કલંકકથાને લોકહિત માટે ફરી ઉખેડવાની તેમની હિંમત અને પુણ્યકર્મ કરસનદાસથી સહેજ પણ કમ નથી.
ઈ.સ. 1860-62 દરમિયાનના વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ પર આધારિત ‘મહારાજ’ નવલકથામાં વૈષ્ણવ મહારાજોના કૃત્યો વિશે એ જ વાતો છે, જે આ કોર્ટ કેસની કાર્યવાહીમાં ઉલ્લેખ પામેલી છે. નવલકથામાં મહારાજોનું એક પણ કૃત્ય એવું વાંચવા નહીં મળે જેનો સંદર્ભ અદાલતી કાર્યવાહીના રેકર્ડેડ અહેવાલમાં તમને ન મળે.
આ ઉપરાંત જે સંદર્ભ પુસ્તકોનો લેખકે આશરો લીધો છે તે છે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ મહિપતરામ નીલકંઠના પિતા મહિપતરામે પોતાના જ સમકાલીન એવા કરસનદાસ વિશેનું પુસ્તક ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’ અને કરસનદાસજીની જન્મ શતાબ્દી નિમિત્તે કૃષ્ણકાન્ત ઝવેરીએ અંગ્રેજીમાં લખેલ ગ્રંથ, લેખકે કેસ સાથે સંકળાયેલ નામો કે બનાવોમાં સહેજ પણ ચેડાં કર્યા વિના મૂળ સ્વરૂપે જ આલેખ્યા છે. લેખક સ્વીકારે છે કે વૈષ્ણવ હોવાનું મને ગર્વ છે અને આ નવલકથા કોઈની ધાર્મિક લાગણી દુભાવવાના હેતુથી લખાય નથી. પરંતુ, આજે ય જો ધર્મમાં ક્યાંય આવી બદીઓ જોવા મળે તો તે બાબતે સજાગ બનાવવા લખી છે જેથી ધર્મમાં પેસેલા લેભાગુઓ અને વિકૃત મનુષ્યોને ખુલ્લા પાડી લાખો લોકોની શ્રદ્ધાને જાળવી શકાય.
- Advertisement -
પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે. પ્રકરણ પહેલાંમાં જ ‘કેસ’ના ચુકાદા વિશે ‘અવઢવ’ અનુભવતાં દોઢ વર્ષમાં જીવેલી તાણભરી જિંદગીને કારણે અકાળે વૃદ્ધ થઈ ગયેલ માત્ર 28 વર્ષના જ યુવાન કરસનદાસ મનમાં મચેલા તુમુલને રોજનિશીમાં શબ્દોરૂપે આલેખે છે કે ‘દોઢ વર્ષ અગાઉ 1860ની 21મી ઓકટોબરે મારા ચોપાનિયા ‘સત્યપ્રકાશ’માં મેં જદુનાથ વ્રજરત્ન નામના વલ્લભપંથી વૈષ્ણવ મહારાજના પાખંડ ઉઘાડાં પાડ્યાં. એ વાંચીને મહારાજ છ મહીના ચૂપ રહ્યા. વકીલ મારફત નોટિસ મોકલી માફી માગવાનું જણાવ્યું… અમને તેમાં કંઈ માફી માગવા જેવું જણાતું નથી… આવી જદુનાથ મહારાજે મુંબઈની સુપ્રિમ કોર્ટમાં બદનામની વળતરરૂપે પચાસ હજારની નુકસાની માંગી. હકીકતે તો જદુનાથની આબરૂની કિંમત પચાસ હજાર રૂપિયા તો શું પચાસ કાંકરા જેટલી પણ નથી તે સૌ કોઈ જાણે છે અને જેઓ નથી જાણતાં એમને હું જણાવીશ…’
કરસનદાસના આ રણટંકારમાં ‘સત્ય’નું બળ હતું, પત્ની અને મિત્રોનો સાથ હતો છતાં એક ભયંકર હતાશા હતી કે જો ચુકાદો પોતાની વિરુદ્ધ આવશે તો ગમે તેવા સત્યનો સાથ હોવા છતાં નામોશી ઉપરાંત કુટુંબ માટે ખાવાના પણ સાંસા પડશે પરંતુ બાળપણમાં સગી આંખે ખુદની જ વાગ્દત્તા એવી સાવ નાની ઉંમરની કિશોરીને મહારાજ સાથે સગી આંખે હોળીના ગુલાલની આડમાં પછી બપોરના એકાંતમાં મહારાજના ખંડની બહાર ઉભેલા ભીતરિયાંની હાથમાં સેવાની રકમ મૂકી મહારાજ સાથે પોતાની જ સગીમાસીની હાજરીમાં કુકર્મ કરતાં જોઈ અને ભાવિ પતિ સહજ ક્રોધથી પૂછયું ત્યારે કિશોરીનું એ મંતવ્ય છે કે તેઓ તો સ્વયં કૃષ્ણભગવાન છે. એમને તન, મન, ધન… સઘળું અર્પણ કરી દેવાની આપણી ફરજ છે. કળિયુગમાં ભગવાને જ પોતાની જવાબદારી મહારાજશ્રીને સોંપી છે. તેની અવગણના કરીએ તો મર્યા પછી કાગડા કે કૂતરાનો અવતાર લેવો પડે! કેવી અજ્ઞાનતા અને આ અજ્ઞાનતા ભોળી પ્રજાના કાનમાં રેડનાર હતાં ખુદ મહારાજો! જે સમજાવતાં કે ભગવદ્સેવા ત્રણ પ્રકારની છે: માનસી સેવા, તનુજા સેવા, વિત્તજા સેવા. એ અબોધની આંખો ત્યારે ખુલ્લી જ્યારે પોતાની સાવ કુમળી બેનને સગીઆંખે મહારાજની તનુજા સેવા કરતાં જોઈ! ઘર છોડી ભાગી ગઈ અને કમોતે મરી ગઈ તેવા આઘાતજનક સમાચારની સાથે જ પિતા તરફથી તેની જ નાનીબેન સાથે ફરી સગપણ થયાના સમાચાર સાંભળ્યા અને વધુ એક જીવ આત્મહત્યાના માર્ગે ન જાય તે માટે ઉદારતાથી લગ્ન કર્યા. તેને લખતાં વાંચતાં શીખવ્યું. તેની પ્રેરણાથી અને ગોકળદાસ તેજપાળ જેવા ધનપતિની મદદથી ‘સત્યપ્રકાશ’ નામે નવું ચોપાનિયું શરૂ કર્યું. પરંતુ બદનસીબે એની જ પ્રથમ પ્રત પત્નીને બતાવતાં ઉત્સાહમાં સામે દોડી આવતા નિસરણીથી પડી જનાર સગર્ભા પત્નીને ગુમાવી.
સત્યપ્રકાશ મારફતે પોતાના નાલાયક ગુરુઓને ઉઘાડાં પાડતાં પાડતાં જ સાથે-સાથે હાઈસ્કૂલના આચાર્યની જવાબદારી પણ નિભાવી વધતી જતી પ્રતિષ્ઠા વચ્ચે એકલા… અજંપ મનને શાંતિ મળે માટે મુંબઈ છોડી ડીસા વસ્યા. તેમની પાછળ તેમના જ શિષ્ય સમાન મહિપતરામે મહારાજોથી વૈષ્ણવસમાજની બેન-દીકરીઓને બચાવવાની લડત ચાલુ રાખી પરિણામે મુંબઈના ભાટિયા મહાજને દિવસ દરમિયાન નક્કી કરેલસમય સિવાય સ્ત્રીઓને મંદિર જતી અટકાવવાનો ઠરાવ કર્યો જેની પ્રતિક્રિયા મહારાજે કંઈક આવી દર્શાવી પોતાની એક ખવાસ સામે કે, ‘આ પામર લોકો શું જાણે કે અમે કઇ અકળલીલા રમીએ છીએ? અમે તો કૃષ્ણના અવતાર છીએ અને ઈશ્ર્વર તો જારભાવનો ભૂખ્યો છે! અમે જે કંઈ કરીએ છીએ તેમાં સહેજે પાપ નથી ઉલટાનું એવું કરવાથી તો લોહી સાફ થાય છે અને તાકાત વધે છે!!
જદુનાથના પાપોને નજરોનજર જોનાર બીજા હતાં મુંબઈમાં નાની ઉંમરે શ્રીમંત મિલમાલિક બની જનાર શેઠ લખમીદાસ. જેઓ ખૂબ શ્રદ્ધાળુ વૈષ્ણવ હોવા છતાં આ બદીઓ દૂર કરવા કરસનદાસની સતત સંગાથે રહ્યા. દરમિયાન કરસનદાસ ફરી પરણી મુંબઈમાં પાછા આવે છે. ફરી એ જ મહારાજના કાવતરાઓ અને કુકર્મો વિરુદ્ધની લડાઈ. જેની સામે મહારાજે પણ મંદિર બંધ કરી દેવાની ધમકી આપી વૈષ્ણવોનું નાક દબાવવા સુધારાવાળાઓ વિરુદ્ધ થવા દરેક વૈષ્ણવનું એક કબૂલાતનામુ સહી કરાવવાનું શરૂ કર્યું. પણ કરસનદાસે પોતાના સત્યપ્રકાશમાં એ કબુલાતનામાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો અને સાથે-સાથે હેન્ડબિલો છપાવી ઘેર-ઘેર પહોંચાડી વૈષ્ણવોને જાગૃત કર્યા. વચ્ચે કવિ નર્મદના જદુનાથ મહારાજ સાથેના વિવાદના પ્રકરણોમાંથી જદુનાથ મહારાજની પોકળતા છતી થતી જોવા મળે છે.
દરમિયાન કરસનદાસ પોતાની નવજાત દીકરીનું મોં જોવા જવાનું વિચારતા હતાં ત્યાં જ જદુનાથ મહારાજના વકીલની બદનક્ષીના દાવાની નોટીસ મળે છે. પછી પ્રકરણો કોર્ટમાં બંને પક્ષના સાક્ષીઓની જુબાનીઓ અને તેમાં છતી થતી ધર્મના નામે વર્ષો સુધી ચાલેલી બદીઓ, પ્રજાની અજ્ઞાનતાને સાથે-સાથે લાચારી, મહારાજોના જુગુપ્સાપ્રેરક કુકર્મોના વર્ણનોના છે. આ મહારાજો ખુદની એક સમાંતર સરકાર ચલાવી પ્રજા સાથે ધર્મના નામે કર વસુલતાં! આ કેસનો ચુકાદો 1862ની 1લી એપ્રિલે ચીફ જસ્ટિસ સર મેથ્યુ સોઝે આપ્યો. પોતાની હારને પણ ન સમજનાર મૂર્ખ મહારાજને તેના જ વકીલે વધુ ઉઘાડાં પડવું હોય તો ફરી અદાલતમાં જજો તેવું સૂચન કર્યું. કેસ પછીની કથા અને કરસનદાસની જિંદગીમાં પ્રકરણો છે. જેમાં પુષ્ટિમાર્ગે ભાગવતના કરેલા ખોટા અર્થોના સાચા અર્થ સમજાવતું પુસ્તક રચ્યું. ઈંગ્લેન્ડના પ્રવાસો કર્યા. રાજકોટના રાજાની ‘દિવાન’ જેવી હોદ્દો ધરાવતી નોકરી કરી. સાથે વિજ્ઞાનવિલાસ નામનું માસિક શરૂ કર્યું. લીંબડી ટ્રાન્સફર થયા બાદ તેઓએ લીંબડી સુધી તાર (ટેલિગ્રામ) મંજૂર કરાવ્યો અને વિદેશ જનારને જ્ઞાતિ બહાર નહીં મુકવાનો રાજકોટના મહાજનો પાસે ઠરાવ કરાવ્યો. સમાજની ખફગી વ્હોરીને પણ વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા ‘ધનકોર’ નામની વિધવાનું ક્ધયાદાન પણ કર્યું. 1891માં માત્ર 39 વર્ષની વયે મૃત્યુ પામ્યા ત્યારે આખું લીંબડી બંધ રહ્યું અને સ્મશાન યાત્રામાં ત્રણ હજાર માણસો ઉમટ્યા. તેમના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેના સમાજે તેની પત્ની અને બાળકોને ગૌમુત્ર અને છાણની ગોળીઓ ખવડાવી ન્યાતમાં પાછા લીધાં!!
આ નવલકથા પરથી રચાયેલું આ જ નામનું નાટક હાલ મુંબઈમાં ભજવાઈ રહ્યું છે.
‘જદુનાથ મહારાજને સિફિલિસનો રોગ થયો હતો જેને ગુજરાતીમાં ચાંદીનો રોગ કહે છે, આ જાતિયરોગ છે જેમાં ગુપ્તાંગ પર ચાંદા પડે છે’
– ડો. રામકૃષ્ણ લાડ
‘જોઈ મેં મહારાજોની ઠગાઈ રે,
હવે કોઈ મંદિર ન જાશો બાઈ
કાચી ઉંમરની કામિની બોલાવી,
આપે પ્રસાદ મીઠાઈ;
પૈસા દેખતાં પ્રેમે બોલાવે,
નહીં તો કરે અદેખાઈ,
ધન-જોબન પરનારીનું લૂંટે,
જુઓ ગુરૂની ભલાઈ રે…
– કરસનદાસ મૂળજી
પુસ્તકમાં શ્રીજીબાવાના મંગળાદર્શનથી લઈ શયન સુધીના દર્શન પુસ્તકમાંના અરેરાટી જન્માવે તેવા બનાવોથી કલૂષિત થઈ જતાં મનને ફરી ‘સ્વસ્થ’ બનાવે છે
પુસ્તકનું નામ: મહારાજ
લેખક: સૌરભ શાહ
રાજકોટમાં પ્રાપ્તિસ્થળ: રાજેશ બુક સ્ટોર, લોધાવાડ ચોક, રાજકોટ.