આટકોટ પાસેથી મુંબઈ કતલખાને લઈ જવાતા 211 ઘેટાં – બકરા ક્ધટેનર ઝડપાયું હતું, જે પશુઓને રાજકોટની મહાજનશ્રીની પાંજરાપોળમાં આશ્રય અપાયો હતો
ઘેટાં – બકરા પોતાના હોવાનો દાવો કરી સાબિર નામના વ્યક્તિએ જસદણ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજુર થતા મહાજનશ્રીની પાંજરાપોળએ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરી હુકમ સ્ટે કરાવ્યો
- Advertisement -
ટોળું પાંજરાપોળ ખાતે આવેલ અને પશુઓ છોડી મુકવા દબાણ કરેલ, પોલીસ દોડી આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ મથકની હદમાં જીવદયા પ્રેમીઓ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કતલખાને ધકેલાતા સેંકડો અબોલ જીવોને ઉગારી લેવામાં સફળતા મળી છે. આ કેસમાં કાનૂની વળાંક આવતા હવે રાજકોટની સેશન્સ અદાલતે એક અત્યંત મહત્વનો હુકમ કરીને પશુઓનો કબજો આરોપીને સોંપવાના નીચલી અદાલતના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. આ કાનૂની જીતને કારણે 211 જેટલા ઘેટાં-બકરાં ફરી ક્રૂરતાના મોઢામાં જતા બચી ગયા છે.
બનાવની વિગત અનુસાર, આટકોટ પાસે આવેલી ગોંડલ ચોકડી પાસેથી એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહ્યો હતો. જીવદયા પ્રેમીઓને ચોક્કસ બાતમી મળી હતી કે આ ટ્રકમાં પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે આટકોટ પોલીસની મદદ લઈને ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ટ્રકની અંદર તપાસ કરી ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી હતી. ટ્રકમાં પશુઓને રાખવા માટે લોખંડના એંગલો મારીને ડબલ ડેકર (બે માળ) જેવું પાર્ટિશન ઊભું કરવામાં આવ્યું હતું. આ સાંકડી જગ્યામાં 211 જેટલા ઘેટાં-બકરાઓને કોઈ પણ જાતની દયા વગર ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા.
પશુઓને લાવવા માટે નિયત કરાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન અહીં જોવા મળ્યું હતું. પશુઓ માટે પૂરતી હવા ઉજાસ, ઘાસચારો કે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા ટ્રકમાં નહોતી. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે આ પશુઓને મુંબઈની પ્રખ્યાત દેવનાર મંડી ખાતે કતલ કરવાના હેતુથી લઈ જવામાં આવી રહ્યા હતા. આટકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સાબીર કારવા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પશુઓની સુરક્ષા અને સારવારને પ્રાથમિકતા આપીને તમામ 211 પશુઓને રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા હતા.
જોકે, આ મામલે કાનૂની લડત ત્યારે શરૂ થઈ જ્યારે પશુઓના માલિક હોવાનો દાવો કરીને મુખ્ય આરોપી સાબીર નામના શખ્સે જસદણની કોર્ટમાં પશુઓનો કબજો પરત મેળવવા માટે અરજી કરી હતી. જસદણ કોર્ટે હકીકતોને ધ્યાને લઈને પશુઓનો કબજો મૂળ માલિકને સોંપવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી જીવદયા પ્રેમીઓ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે જો પશુઓ ફરીથી એ જ વ્યક્તિ પાસે જાય તો તેમનું કતલખાને જવું નિશ્ચિત હતું.
આ પરિસ્થિતિમાં રાજકોટ મહાજન પાંજરાપોળ દ્વારા એડવોકેટ કમલેશભાઈ શાહ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલતમાં પાંજરાપોળ વતી ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, જસદણ કોર્ટે પાંજરાપોળનો પક્ષ સાંભળ્યા વિના જ એકતરફી નિર્ણય જેવો હુકમ કર્યો છે. વળી, પશુઓને જે રીતે ખીચોખીચ ભરીને લઈ જવામાં આવતા હતા તે તેમની કતલ થવાની હોવાના સ્પષ્ટ પુરાવા છે. પશુઓના નિભાવ માટે પાંજરાપોળ દ્વારા થતા રોજના મોટા ખર્ચ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને જસદણ કોર્ટના પશુ સોંપવાના હુકમ પર વચગાળાની રોક (સ્ટે) લગાવી દીધી હતી.
હાલમાં આ તમામ 211 પશુઓ રાજકોટ પાંજરાપોળના સુરક્ષિત વાતાવરણમાં છે. પાંજરાપોળના ટ્રસ્ટીઓ મુકેશભાઈ બાટવિયા, કરણભાઈ શાહ અને તેમની આખી ટીમ આ અબોલ જીવોની દિવસ-રાત સેવા કરી રહી છે. ખાસ કરીને ટ્રકમાં મુસાફરી દરમિયાન ઘાયલ થયેલા અને ગર્ભવતી માદા પશુઓ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત પશુ ચિકિત્સકો દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને શક્તિવર્ધક દવાઓ તેમજ વિશિષ્ટ આહાર આપવામાં આવી રહ્યો છે. કોર્ટના આ નિર્ણયથી જીવદયાના કાર્યમાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં રાજકોટના સિનિયર એડવોકેટ કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ અને તેમની ટીમના સુરેશભાઈ દોશી, ભરતભાઈ સંઘવી, જીગર સંઘવી, જતીન પંડ્યા, નાસીરભાઇ હાલા, ખુશીબેન અમલાણી, આસિસ્ટન્ટ કિશન જાદવ તેમજ જસદણ ખાતેથી એડવોકેટ કૌશિકભાઈ આચાર્ય અને નિરવભાઈ ગઢવીએ કાનૂની સેવામાં મદદ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના ટ્રસ્ટી કરણભાઈ શાહ, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવિયા, શ્રેયસભાઈ વીરાણી અને સુમનભાઈ કામદારની સુપરવિઝન હેઠળ કાર્યવાહી થઈ હતી. આ ઉપરાંત પાંજરાપોળના મેનેજર ભાવેશભાઈ જલુ તથા પરેશભાઈ સહિતના સ્ટાફ પરિવાર એક એક જીવની સતત ચિંતા કરતા રહ્યા અને વહીવટી પ્રક્રિયા માટે દોડતા રહ્યા.
- Advertisement -
પોલીસની સરાહનીય કામગીરી : જીવદયા અને સત્ય પ્રત્યે પડખે રહ્યા
રાજકોટ : જ્યારે 6 તારીખે સાંજે જેતપુર થી 30-40 લોકોના ટોળા 211 જીવને પરત લઈ જવા રાજકોટ પાંજરાપોળ પહોંચ્યા ત્યારે સાંજે 6 વાગ્યા બાદ કોઈ પણ જીવ માટે કાર્યવાહી થતી ન હોય (કોઈ પણ પશુને સાંભળી શકાય છે જે 24 કલાક થતું હોય) પરંતુ એના સિવાય કોઈ પણ વ્યક્તિ દાવો કરે તો તેને લીગલ ટીમ પાસે ચકાસણી, ટ્રસ્ટીઓની બેઠક બાદ નિર્ણય લેવાતો હોય છે. અને આ કિસ્સામાં કોર્ટનો ઓર્ડર હોય તેવો દાવો કર્યો પરંતુ એક પણ વખત દેખાડવામાં આવ્યો ન હતો અને મોટી માથાકૂટ થઈ શકે તેમ હતી ત્યારે જ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ તથા બી ડિવિઝન પીઆઇ રાણે દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને ટોળાને વિખેરવામાં આવ્યા.



