યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી હતી: છરી મારી ઇજા પહોંચાડી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં લુખ્ખાઓ બેફામ બન્યાં છે. જૂનાગઢમાં જાણે લુખ્ખાઓ પોલીસને પડકાર ફેકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.જૂનાગઢમાં લુખ્ખાઓનું વધુ એક પરાક્રમ પોલીસ ચોપડે નોંધાયું છે. જૂનાગઢમાં લુખ્ખાઓની ટોળકીએ બે યુવાન પાસેથી રૂપિયા 2.10 લાખની ખંડણી વસુલી લીધી છે. જેમાં એક યુવાનનું અપહરણ કરી તેની પાસેથી રૂપિયા 10 લાખ માંગ્યાં હતાં .પરંતુ અંતે બે લાખ પડાવી લઇ તેને જવા દીધો હતો. તેમજ યુવાને છરી મારી ઇજા પહોંચાડી હતી.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં જુલાઇવાડા વિસ્તારમાં રહેતા અને ચિતાખાના ચોકમાં મોબાઇલની દુકાન ધરાવતા અફરોજ અહમદભાઇ માલકાણી નામનો યુવાન રાત્રીનાં એકાદ વાગ્યે બુલેટ લઇને કાળવા ચોકમાં ઠંડુ પીવા ગયો હતો. કાળવા ચોકમાં પહોંચતા મોહસીન ઉર્ફે હોલેહોલેએ અવાજ કર્યો હતો. અફરોજએ હોલેહોલે સામે અગાઉ ખંડણીની ફરિયાદ કરી હોય બીક લાગતા ભાગ્યો હતો. ત્યારે મોહસીન ઉર્ફે હોલેહોેલે, સરફરાઝ ઉર્ફે ડાબરો, સોહેલ, શાહરુખ બાપુ અને એક અજાણ્યા શખ્સે બહાઉદીન કોલેજનાં ગેઇટ પાસે અરફોજને પકડી લીધો હતો.
બાદ છરી બતાવી બુલેટ ઉપર અપહરણ કરી ગયા હતાં. અપહરણ કરી સરદારબાગમાં આવેલી કેન્ટીન પાછળ અવાવરુ જગ્યાએ લઇ ગયા હતાં. અહી છ શખ્સોએ છરી કાઢી ધમકી આપી હતી. તેમજ માર માર્યો હતો. મોહસીને પથ્થર આંખ અને કાનમાં માર્યો હતો. આ શખ્સોએ અફરોજ પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. પૈસા આપવાની ના પાડતા થાપાનાં ભાગે છરીનો ઘા માર્યો હતો. બાદમાં અરફોજે જીવ બચાવવા બે લાખની વ્યવસ્થા કરવા કહ્યું હતું. બાદ તેના ભાઇ ઇમ્તિાયજને ફોન કરી ખોટું બોલી રૂપિયા મંગાવ્યાં હતાં. સરફરાઝ ઉર્ફે ડાબરો અને અનવ સોહિલ રૂપિયા લઇને આવ્યાં હતાં. અફરોજે દવાખાને લઇ જવાનું કહેતા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. અહીં એમએલસીનું કહેતા સિવીલમાં લઇ ગયા હતાં. હજુ 8 લાખ રૂપિયા નહી આપે તો સકકરબાગનાં પુલ પરથી નીચે નાખી દેવાની ધમકી આપી હતી. સવાર સુધીમાં 5 લાખ આપવાનું કહેતા ટોળકી તેનો ફોન લઇ જતી રહી હતી. સવારે ઘરે ચકકર આવતા પડી ગયો હતો અને રાત્રીનાં બનેલી ઘટના કહી હતી. બાદ અફરોજ અહમદભાઇ માલકાણીએ મોહસીન ઉર્ફે હોલેહોલે, સોહીલ,અકરમ પટેલ, સરફરાજ ઉર્ફે ડાબરો,શાહરૂખ બાપુ, એક અજાણ્યો શખ્સ સામે સી ડીવીઝનમાં ફરિયાદ નોધાવી હતી. તેમજ આ ટોળકીનાં અબ્દુલકાદરભાઇ હાસમભાઇ ભાટાને કામ હોવાનું કહી સરદારબાગ કેન્ટીન પાસે બોલાવ્યો હતો અને પાંચ લાખની માંગણી કરી હતી. છરી બતાવી હતી. બાદ અબ્દુલકાદરભાઇએ તેના ભાઇ પાસેથી 10 હજાર રૂપિયા લઇને આપ્યાં હતાં. આ અંગે પણ સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં લુખ્ખાઓ બેફામ : બે યુવાન પાસેથી 2.10 લાખની ખંડણી વસૂલી
