પ્રદ્યુમનકુમાર મહાનંદિયા અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા હોવા છતાં પોતાની પ્રતિભાના જોરે દિલ્હીની વિખ્યાત ’કોલેજ ઓફ આર્ટસ’ ના વિદ્યાર્થી બન્યા હતા. એમના પેઇન્ટિંગ એટલા સારા થતાં કે બધાને એવું થતું અમારું પેઇન્ટિંગ પ્રદ્યુમનકુમાર બનાવે તો કેવું સારું.
સ્વીડનની વતની એક છોકરી ચાર્લોટ વોન શેડવિન ભારતની મુલાકાતે આવી ત્યારે એ પણ પ્રદ્યુમનકુમારના પેઇન્ટિંગના પ્રેમમાં પડી અને પછી તો બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. ચાર્લોટને સ્વીડન પરત ફરવાનું હતું એટલે એણે પ્રદ્યુમનકુમારને સ્વીડન આવી જવા કહ્યું. પ્રદ્યુમનકુમારને પણ સ્વીડન જવું હતું પરંતુ તેની પાસે ટીકીટ ભાડાના પૈસા નહોતા. ચાર્લોટ એની ટીકીટ લેવા અને બધો જ ખર્ચો ઉઠાવવા તૈયાર હતી પરંતુ સ્વમાની પ્રદ્યુમનકુમાર એ માટે તૈયાર નહોતા. પ્રદ્યુમનકુમારે ચાર્લોટ વચન આપ્યું કે હું મારી કમાણીમાંથી ટીકીટ ખરીદી તારી પાસે આવી જઈશ.
- Advertisement -
એક વર્ષ વીતવા છતાં પ્રદ્યુમનકુમાર ટીકીટ ખરીદી શકે એટલી રકમ ભેગી ના કરી શક્યા. ટીકીટના પૈસા નહોતા પરંતુ પ્રિયતમાને આપેલું વચન પૂરું કરવાનું હતું એટલે પોતાનો માલસામાન વેંચી મળેલી રકમમાંથી એક સાયકલ ખરીદી અને સાયકલ લઈને જ ચાર્લોટને મળવા નીકળી પડ્યા. ભારતથી નીકળી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી, બલ્ગેરિયા, યુગોસ્લાવિયા, જર્મની, ઑસ્ટ્રિયા અને ડેન્માર્ક થઈને 6000 કિલોમીટરની સાયકલયાત્રા કરીને પ્રદ્યુમનકુમાર સ્વીડન પહોંચ્યા.
પત્રકારે જ્યારે સાયકલયાત્રા વિશે પ્રદ્યુમનકુમારને પૂછ્યું ત્યારે એમણે કહ્યું, ’ હું મારા પ્રેમ માટે જે કરી શકતો હતો તે મે કર્યું છે. મને સાયકલિંગ નહોતું ગમતું પણ મારી ગમતી વ્યક્તિને પામવા મે સાયકલિંગને ગમતું કર્યું.’ પ્રદ્યુમન અને ચાર્લોટના લગ્ન થયા અને આજે આ દંપતી તેના બે સંતાનો સાથે સુખમય જીવન વિતાવે છે.
મિત્રો, માત્ર સારા સારા મેસેજ મોકલવાથી કે ગીફ્ટો આપવાથી જ પ્રેમ વ્યક્ત થઈ શકે એવું બિલકુલ નથી. પ્રિયતમ માટે સર્વસ્વ સમર્પિત કરવાની ભાવના જાગે ત્યારે જ પ્રેમ સાર્થક થાય.