ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તરફ દારૂનો જથ્થો ઘુસાડવા આવી રહેલો શખ્સ કાર મુકીને નાસી ગયો; કારમાંથી 1.34 લાખનો જથ્થો જપ્ત કર્યો.ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાની કડક અમલવારી અર્થે પોલીસની જુદી જુદી ટીમો રાઉન્ડ ધ કલોક સતત પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન ગતરાત્રીના એલસીબીના રામદેવસિંહ જાડેજા અને નટુભા બસીયાને બાતમી મળેલ કે, તાલાલાનો બુટલેગર રામા નારણ રબારી એક નંબર વગરની સ્વિફટ કારમાં દારૂ ભરીને વેરાવળ તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબીના પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ વી.કે.ઝાલાએ સ્ટાફ સાથે રાત્રીના બારેક વાગ્યા આસપાસ તાલાલા રોડ ઉપર વોચમાં હતા. ત્યારે ઈણાજ ગામના પાટીયા નજીક દુરથી પોલીસ સ્ટાફને જોઈ જતા બુટલેગર રામો રબારી પાંજરાપોળ વાડીની બાજુના કાચા રસ્તા તરફ નાસી જતા પ્રયાસ કરી તે સમયે પોલીસ સ્ટાફએ પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ રસ્તો કાચો હોવાથી કાર ત્યાં ફસાઈ જતા બુટલેગર રામો કાર રેઢી મુકીને અંધારાનો લાભ લઇ વાડી વિસ્તાર તરફ નાસી ગયો હતો. બાદમાં કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 28 પેટી 336 નંગ બોટલો કિં.રૂ. 1,34,400 નો મુદ્દામાલ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. આ દારૂનો જથ્થો તથા નંબર વગરની સ્વીફ્ટ કાર જપ્ત કરી પ્રભાસપાટણ પોલીસમાં પ્રોબીશનનો ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો નાસી ગયેલ બુટલેગર રામા નારણ રબારીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.