મ્યાનમારમાં લશ્કરી શાસનને આજે 1 વર્ષ પૂર્ણ, જાણો શું છે દેશની પરિસ્થિતિ –
મ્યાનમારમાં લશ્કરી બળવાને આજે 1 વર્ષ વીતી ગયું છે. હાલમાં દેશની અર્થવ્યવસ્થા સંકટમાં છે. દરરોજ સૈનિકો સાથે અથડામણના અહેવાલો સામે આવતા રહે છે. આ દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સેનાએ લોકોની ચૂંટાયેલી સરકારને ઉથલાવીને દેશની સત્તા પોતાના હાથમાં લીધી હતી અને નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. જેઓને તાજેતરમાં જ કોર્ટ દ્વારા જુદા- જુદા કેસમાં ભારે સજા ફટકારવામાં આવી છે. લશ્કરી બળવા પછી સેનાએ 1 વર્ષની ઈમરજન્સી જાહેર કરી છે. જે બાદ ભારે રક્તપાત થયો હતો.
આજે તખ્તાપલટના 1 વર્ષ પછી પણ સૈન્ય સરકાર હજુ પણ લોકોના વિરોધનો સામનો કરી રહી છે. દેશના કોઈને કોઈ ભાગમાંથી દરરોજ અથડામણના અહેવાલો સામે આવે છે. સ્થાનિક પરિસ્થિતિ નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, પ્રજાના વિરોધના અવાજોને દબાવવા માટે સેનાએ અત્યાર સુધીમાં લગભગ 1500 લોકોની હત્યા કરી છે અને 11,000 થી વધુ લોકોની ધરપકડ કરી છે. માનવ અધિકાર જૂથોએ સૈનિકો પર સામાન્ય જનતાને ત્રાસ આપવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. મ્યાનમારમાં આજે દાયકાઓ પછી લોકશાહી પાછી આવી હતી, પરંતુ લશ્કરે લોકોનું શાંતિથી જીવવાનું સપનું હરામ કરી નાખ્યું છે.
- Advertisement -
જો કે, આ દેશ 50 વર્ષ સુધી સેનાના કબજામાં હતો. પરંતુ 2015 માં અંગ સૂ કીની સરકાર એનએલડી સત્તામાં પરત આવી હતી. જેના કારણે અહીં લોકશાહી પાછી આવી હતી. આ સરકારને લોકોનું ઘણું સમર્થન મળ્યું, જેના કારણે સેના પર ફરીથી કબજો મેળવવો ઘણો મુશ્કેલ બની ગયો. લશ્કરે તેમના હથિયારોના જોરે લોકો પર કબ્જો જમાવ્યો. જે બાદ મોટી સંખ્યામાં લોકો લોકશાહીની પુનઃસ્થાપનની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આજે પણ મ્યાનમારના કોઈ ને કોઈ વિસ્તારમાં દરરોજ દેખાવો થાય છે.
દેશમાં લાંબા સમય સુધી કટોકટીનો ભય :
રાજકીય નિષ્ણાંતો માને છે કે, મ્યાનમારમાં આ સંકટ લાંબા સમય સુધી સમાપ્ત થશે નહીં. સેના દ્વારા દેશ ચલાવવાના કારણે અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે. શાળાઓ અને હોસ્પિટલો ખાલી પડેલી છે. મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ બચાવીને પડોશી દેશો થાઈલેન્ડ અને ભારતમાં ભાગી ગયા છે. એક નાગરિકે જણાવેલું કે, “અમે હજી પણ અંધકારમય યુગમાં જીવી રહ્યા છીએ, આપણે હવે એ વિચારવું પડશે કે ભવિષ્યમાં આપણાં લક્ષ્યો, આપણાં સપનાં પૂરાં કરવાને બદલે આ લશ્કરી સરમુખત્યારશાહી હેઠળ આપણે આપણાં રોજિંદા જીવનની જરૂરિયાતો માટે કેવી રીતે લડીશું.”
લોકો હોર્ન વગાડતા ડરે છે :
લોકોએ વાહનોના હોર્ન અને વાસણો વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સેનાએ કહ્યું હતું કે, આવું કરનારાઓ પર દેશદ્રોહ અને આતંકવાદ હેઠળ કેસ ચલાવવામાં આવશે. આથી લોકો હવે ટ્રાફિકમાં વાહનોના હોર્ન વગાડતા ડરે છે. રાષ્ટ્રીય એકતા સરકાર સાથે જોડાયેલા પીપલ્સ ડિફેન્સ ફોર્સ સાથે સૈનિકોની અથડામણ થતી રહે છે. પીડીએફ પોતાને નાગરિકોનું રક્ષણ કરતા સંગઠન તરીકે વર્ણવે છે. તે જ સમયે સેનાએ એવા વિસ્તારો પર હવાઈ હુમલામાં સેંકડો લોકોને મારી નાખ્યા છે જ્યાં વિદ્રોહીઓ રહે છે. આ મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જ્યારે કેટલાક લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જો કે, સેનાએ 2023 માં નવી ચૂંટણીઓ યોજીને બહુપક્ષીય સરકારમાં લોકશાહીની પુનઃસ્થાપનાની જાહેરાત કરી છે.
- Advertisement -