નિવૃત્તિ પછી ફાઈલો ઘેર શા માટે લાવવામાં આવી? શું જૂની તારીખ દર્શાવી સહીઓ થતી હતી?
આવાસ અને PPP યોજના સહિત અલ્પના મિત્રા કેવી ભક્તિ ચલાવતાં હતાં-તેની તપાસ જરૂરી
- Advertisement -
અલ્પના મિત્રાના ઘરે થયેલી રેઈડમાં 150થી 200 ફાઈલો ઝડપાઈ પણ દર્શાવાઈ માત્ર 40 જ: ચોમેર ચર્ચા
લેસ્ટર ટ્વિન સિટી કરારના બૅન્ક ખાતા તપાસવા જરૂરી
મહાપાલિકાના એક અધિકારીએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે રાજકોટના ઉપલા કાંઠા વિસ્તાર માટે બ્રિટનનાં લેસ્ટર સાથે થયેલા ટ્વિન સિટી કરારમાં પણ મિત્રાની ભૂમિકા શંકાસ્પદ છે. તેમનાં જણાવ્યા મુજબ કરાર મુજબ લેસ્ટરથી આવતાં નાણાં મેડમના પર્સનલ ખાતામાં જમા થતાં હતાં. બે સરકારી બોડી વચ્ચેના કરારના પૈસા કોઈના અંગત ખાતામાં કેવી રીતે જમા થઈ શકે, તેવો પ્રશ્ર્ન આ અધિકારીએ ઉઠાવ્યો હતો.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી અને ટીપીઓ સાગઠિયા કાંડ પછી અનેક કૌભાંડો અને ગેરરીતિ બહાર આવી રહી છે. ગઈકાલે- તારીખ 5 ઓગસ્ટની સાંજે રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાને ત્યાં વિજિલન્સ રેઈડ દરમિયાન 40 ફાઈલો અને રજિસ્ટર તથા મેઝરમેન્ટ બૂક્સ વગેરે સામગ્રીઓ મળી આવી હતી. સવાલ એ છે કે, નિવૃત્ત થઈ ગયા બાદ તેઓ આ ફાઈલો સાથે શું ચેડાં કરી રહ્યાં હતાં? શું તેમને આવી રીતે ફાઈલો ચકાસવાનો અધિકાર છે? ના. બિલકુલ નથી. સૂત્રોનું માનીએ તો તેઓ આ તમામ ફાઈલોમાં જૂની તારીખ દર્શાવીને સહી કરી રહ્યાં હતાં. આ વાત સત્ય હોય તો ખરેખર શરમજનક છે અને રાજકોટ મહાપાલિકામાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે- તેનો રેકોર્ડેડ પુરાવો છે. અલ્પના મિત્રાના બંગલામાં સોમવારે બપોરે 3-30 કલાક આસપાસ મનપાની વોટર વર્કસ શાખાની જીપમાં 9થી વધુ અધિકારી અને કર્મચારી ફાઈલો ભરેલા પોટલાં લઈને ગયા છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે કરેલા આદેશના અનુસંધાને વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને તમામ ફાઈલ જપ્ત કરી તેનું સ્થળ પર જ પંચરોજકામ કરવામાં આવ્યું હતું.
આ ફાઈલો મિત્રાને ત્યાં કોણ મૂકી આવ્યું, તેનો ઉદ્દેશ્ય શું હતો તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે, આ અત્યંત ગંભીર બાબત છે અને આ કાંડમાં જે કોઇની સંડોવણી હશે તેઓની સામે કાનૂની રાહે પગલાં લેવામાં આવશે. કોટેચા ચોક પાસે રહેતા અલ્પના મિત્રાનું સ્વૈચ્છિક રાજીનામું પાંચ દિવસ પહેલા જ સ્વીકારી લેવામાં આવ્યું હતું. જોકે રાજીનામું આપ્યા બાદની તેમની સક્રિયતા મોટા કૌભાંડો તરફ ઈશારો કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર રહી ચૂકેલા અલ્પના મિત્રા જાણે વિવાદનો પર્યાય છે. પી.પી.પી. યોજનામાં તેમણે ભરપૂર ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સતત થતાં રહ્યાં છે. મહાપાલિકાના સૂત્રોનું માનીએ તો, જ્યાં બિલ્ડર નક્કી કરે ત્યાં પી.પી.પી. યોજનાઓ આપીને તેમણે અનેક બિલ્ડરોને ખટવ્યા છે.
કાલાવડ રોડ પરના બિશપ હાઉસ નજીક આવેલી 50 હજાર વાર કરતાં વધુ કિંમતી જમીન પર માત્ર બાર-તેર દબાણો હોવા છતાં તેમણે બિલ્ડરોના લાભ માટે જ આવી યોજના આપી હતી. સૂત્રો કહે છે કે, સીત્તેર ટકા જમીન પર તો માત્ર એક શખસનો જ કબ્જો હતો. બાકીની ત્રીસ ટકા જમીન પર દસેક લોકોનો કબ્જો હતો- કોર્પોરેશને ધાર્યું હોત તો આ જમીન આસાનીથી ખાલી કરાવી શકાય તેમ હતું. છતાં કોઈ રહસ્યમય કારણથી એવું ન થયું.
અમિત અરોરા સિવાયના બધાં જ કમિશનરને મિત્રાએ સાધી લીધાં પૂર્વ સિટી ઍન્જિનિયર અલ્પના મિત્રામાં ગજબનાક આવડત છે, વાક્છટા છે. તેમનાં કાર્યકાળ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા ઓલમોસ્ટ તમામને તેમણે સાધી લીધાં હતાં. મિત્રા વિરુદ્ધ અનેક ફરિયાદો હોવા છતાં કોઈ એમને એક શબ્દ પણ કહેતું નહીં. માત્ર કમિશનર અમિત અરોરા જ તેમને કદ પ્રમાણે વેંતરી શક્યા હતાં. તેમણે મેડમ પાસેથી મહત્ત્વપૂર્ણ જવાબદારી લઈ લીધી હતી.
નિષ્પક્ષ તપાસ થશે તો અનેક બિલ્ડરોનો, અધિકારીઓનો અને રાજકારણીઓનો ભાંડો ફૂટશે
પત્રકાર ઈમરાન હોથીએ પહેલ ન કરી હોત તો કૌભાંડ ધરબાયેલું રહેવાનું હતું
અલ્પના મિત્રા વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકામાં, સરકારમાં, એન્ટી કરપ્શન બ્યૂરોમાં અનેક વખત ફરિયાદો થઈ છે. પરંતુ ઊચ્ચ કક્ષાએ ગજબનાક છેડાં ધરાવતા અલ્પના મિત્રાનું કોઈ કશું બગાડી શક્યું નથી. કોઈએ કદી કલ્પના પણ નહીં કરી હોય કે અલ્પના મિત્ર વિરુદ્ધ આવા પગલાં લેવાશે. ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકાર ઈમરાન હોથીએ જો સ્ટિંગ ન કર્યું હોત અને કમિશનરને જાણ ન કરી હોત તો અલ્પનાબેનના કોઠાં-કબાડાં પુરાવા સહિત ક્યારેય બહાર આવ્યા ન હોત.
શું આ પોટલાંઓમાં માત્ર 40 ફાઈલ છે?