રાજકોટમાં ચિત્રનગરીનાં કલાકારો દ્વારા રામાયણ પર આધારિત ચિત્રો બનાવાયા
રાજકોટનાં કાલાવડ રોડ પરનાં કે.કે.વી. ચોક ખાતે ડબલ ડેકર ઓરવબ્રિજ બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં આ બ્રીજનું ‘શ્રીરામ બ્રીજ’ નામકરણ કરવામાં આવ્યું હતું ત્યારે ચિત્રનગરીના કલાકારોએ આ નામને સાર્થક કરવાનું બીડું ઝડપી લીધું છે.
- Advertisement -
મહાનગરપાલિકાનાં સહયોગથી આ બ્રિજના પીલોરમાં ભગવાન રામનાં જીવન ઉપર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેમાં 35 કલાકારોએ કેસરી ઝભ્ભો પહેરી 12 કલાકની મહેનતથી 22 અદ્ભૂત ચિત્રો તૈયાર કરી ભગવાન રામનું જીવન ચરિત્ર સજીવન કર્યું છે.
- Advertisement -
35 કલાકારોએ 12 કલાક મહેનત કરી 22 પેઈન્ટિંગ તૈયાર કર્યા
22 જાન્યુઆરીએ આશરે 550 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ- ચિત્રનગરીના સહયોગથી કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી.ચોક મલ્ટીલેવલ ઓવરબ્રિજના પિલર પર રામ ચરિત્ર ઉભું કરવાનું આયોજન કર્યું હતું.
જેમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા ભગવાન શ્રી રામના મંદિર, રામાયણના પાત્રો તથા પ્રસંગોને આવરી લેતા હોય તેવા અદ્ભૂત ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. દરમિયાન સાંજે 5થી 7 પૂજા હોબી સેન્ટરના ભૂલકાઓ દ્વારા રામાયણનાં પાત્રોના પહેરવેશ પહેરીને આખું વાતાવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું હતું.