દરેક યુવાનોએ અંતરાત્માને સાંભળી કરિયરના નિર્ણય લેવા જોઈએ: GAS ડો.સંદિપકુમાર વર્મા
સંદિપકુમાર આર્યુર્વેદિક ડોક્ટર છે, તેઓએ અમદાવાદની ગવર્નમેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજમાંથી બીએએમએસનો અભ્યાસ કર્યો છે
- Advertisement -
પ્રાંત અધિકારી વર્માએ ઇઅખજ બાદ GPSCની તૈયારી શરૂ કરી: 4 વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ હિંમત ન હારી, વર્ષ 2017માં GPSC પાસ કરી ડેપ્યુટી કલેક્ટર થયા
ડો.સંદિપકુમાર વર્માના પરિવારની જો વાત કરીએ તો તેઓના દાદા મૂળ ઉત્તર પ્રદેશના મઉં જિલ્લાના વતની છે. તેઓના પિતા અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ મેઘાણીનગરમાં એક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ તેઓએ ધો.12 સાયન્સનો બાયોલોજી વિષય સાથે અભ્યાસ કર્યો. નાનપણથી જ ડોક્ટર બનવાનું સ્વપ્ન હોવાથી અમદાવાદની ગવર્નમેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજમાંથી બીએએમએસનો અભ્યાસ કર્યો. વર્ષ 2006માં ડોક્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો જે વર્ષ 2011માં પૂર્ણ કર્યો. ત્યારબાદ એક વર્ષ ગવર્નમેન્ટ કોલેજમાં ઈન્ટર્નશિપ કરી આ દરમિયાન જ તેઓએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. યુપીએસસીની તૈયારી તેઓએ અમદાવાદની સરદાર પટેલ સેવા સમાજમાં શરૂ કરી. વર્ષ 2013થી સ્પીપા અમદાવાદમાં એડમિશન લઈ યુપીએસસી પ્રિલિમ્સની તૈયારી શરૂ કરી. ત્યારથી સતત વર્ષ 2018 સુધી યુપીએસસીની પરીક્ષા આપતા રહ્યા તે દરમિયાન વર્ષ 2014માં જીપીએસસીની પરીક્ષા આવી તે પણ આપી. યુપીએસસીમાં ચાર વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. વર્ષ 2017માં જીપીએસસીની પરીક્ષાનું રિઝલ્ટ આવતા તેઓ પાસ થયા અને ડેપ્યુટી કલેક્ટર બન્યા.
ડો.સંદિપકુમાર વર્માએ પ્રોબેશન તરીકે સુરેન્દ્રનગર, મોરબી અને ખેડામાં સેવા આપી ત્યારપછી વર્ષ 2019માં પાલીતાણામાં પ્રાંત અધિકારી તરીકે નિમાયા. જ્યારે રાજકોટમાં 8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રાંત અધિકારી-2નો ચાર્જ સંભાળ્યો.
- Advertisement -
વિંગ્સ ઓફ ફાયર અને ડિફિકલ્ટી ઓફ બિંગ ગુડ ગમતા પુસ્તકો
તેઓએ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો.કલામની બાયોગ્રાફી વિંગ્સ ઓફ ફાયર તથા મહાભારત પર આધારીત ગુરૂચરણ દાસની ડિફિકલ્ટી ઓફ બિંગ ગુડએ ગમતા પુસ્તકો છે જે વાંચવાથી પ્રેરણા મળે છે.
એરપોર્ટ, એઈમ્સ હાઈ-વે સહિતના અટકેલાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા
રાજકોટમાં એઈમ્સ, હીરાસર એરપોર્ટ, સિક્સલેન હાઈવે સહિતના કરોડોના પ્રોજેક્ટો પાસ થયા છે. આ તમામની જમીન સંપાદનની કામગીરી ખૂબ જ ગૂંચવણભરી હોય છે પ્રાંત અધિકારી તરીકે ડો.સંદિપકુમાર વર્માએ અટકેલા તમામ પ્રશ્ર્નોનું કાયદાકીય રીતે નીવેડો લાવી વિકાસકાર્યોની કામગીરી ઝડપી બનાવી.
ડો.સંદિપકુમાર વર્માને મૂવી જોવાનો શોખ
ખાસ-ખબરને વાતો કરતા જણાવ્યું હતું કે, તેઓને મૂવી જોવા ખૂબ જ ગમે છે પોતાની નવરાશ પળોમાં તેઓ ફિલ્મો જોવે છે. તેઓને હિન્દી, ગુજરાતી, બંગાળી, જર્મન, કોરીયન અને ફ્રેન્ચ ફિલ્મો જોવાનો શોખ છે. ગુરૂ દત્તની ક્લાસિક મૂવી પ્યાસા તો અનેક વખત જોઈ છે. જ્યારે હોલિવૂડની ધ સ્કીનર લિસ્ટ, બંગાળીની પાથેર પાંચાલી ખૂબ જ ગમે છે. આ સિવાય તેઓ વેબ સિરીઝ પણ જોવે છે.