આપણી ધાર્મિક વિધિઓમાં ગોત્રનું બહુ મહત્વ છે. ઘણાં લોકો આજે એવા મળી આવે છે જેને ગોત્રની જાણ હોતી નથી. આથી ગોત્રનુ નામ બોલવાનું આવે ત્યારે આ લોકોને વિધિ કરાવનાર બ્રાહ્મણ કાશ્યપ ગોત્ર એવું બોલાવે છે. કેમકે દરેક ભારતીય કશ્યપ ઋષિની સંતાન છે એવું માનવામાં આવે છે. આથી ગોત્રની જાણ હોય કે ના હોય, સહુ મહર્ષિ કશ્યપના સંતાન છે એવું કહેવાય છે. રશિયામાં આવેલું કસ્પિયન સરોવર જે એક સમુદ્ર જેવડું મોટું છે તેનું નામ આ કશ્યપ ઋષિના નામ પરથી છે. હમણાં ખૂબ ચર્ચામાં છે તે કાશ્મીર પણ કશ્યપના નામથી ઓળખાયું છે. આમ, બની બેઠેલા ઇતિહાસકારો ભલે ભારતીયોને મધ્ય એશિયા કે રશિયા કે ઉત્તર ધ્રુવથી આવેલા કહે, માનવ સભ્યતાની શરૂઆત , ભારતીય સંસ્કૃતિની શરૂઆત કાશ્મીરથી થઈ હશે તે માનવા માટે આ એક નહિ પણ અનેક કારણો છે. શહેરોને હમેશા સમુદ્ર કરતા ઊંચા લેવલે વસાવવામાં આવતા આથી એને નગર કહેવાતા. નગ એટલે પર્વત, નગ પર વસેલ સ્થળ એટલે નગર અને નગરમાં વસવા વાળો એટલે નાગર.કાશ્મીર વિશે એક વધુ મહત્વની વાત એ છે કે છેક બારમી સદીમાં કાશ્મીરનો ઇતિહાસ સુગ્રથિત રીતે લખવામાં આવ્યો છે. કલ્હાણ નામક પંડિતે કાશ્મીરનો ચાર હજાર વર્ષનો ઇતિહાસ લખ્યો છે. આ લખાણની ખૂબી એ છે કે એમાં દરેક વાત માટે સંદર્ભ અને અભ્યાસનો આધાર લેવાયો છે. એમાં કોઈની પ્રશસ્તિ કે નિંદા કરવાને બદલે એકદમ નિર્ભેળ સત્ય ચિત્રિત કરવામાં આવ્યું છે. ભારતીય લોકો દસ્તાવેજીકરણ અને શહેર આયોજન બે બાબતે બહુ નબળા છે તેવું મહેણું કાશ્મીરનો ઇતિહાસ વાંચીને ભાંગી જાય એમ છે. કદાચ વિશ્વના કોઈપણ પ્રદેશના ઇતિહાસ અને વર્તમાનનું આટલું સચોટ અને સુંદર દસ્તાવેજીકરણ નહિ થયું હોય જેટલું રાજતરંગીણીમાં થયું છે. આજની તારીખે કાશ્મીરના નગરો અત્યંત સુંદર છે. આજની તારીખે એ નગરોના નામ હિંદુ નામો છે. શ્રીનગર , વરાહમૂળ (બારામુલ્લા) કે અનંતનાગ જેવા નગરો એના નામ જેવા જ સુંદર છે. ભારતના બીજા નગરો અને એના આયોજનમાં જે કાઇ થોડી ઘણી ખૂબસૂરતી છે તે અંગ્રેજોને આભારી છે (ભલે અંગ્રેજોએ આ શહેરો પોતાના વ્યાપારી હિત્તો ખાતર વસાવેલા હતા) જ્યારે કાશ્મીરના નગરોના આયોજન એકદમ ભારતીય છે.ત્યાંની સુંદર જીલો (તળાવો) ના નામ પણ નાગ પ્રજાના નામ પરથી વેરીનાગ, કુક્કુટ નાગ ઈત્યાદિ છે. .ત્યાં પ્રકૃતિ સાથે ખિલવાડ નથી પણ સાથે તાદાત્મ્ય છે. આટલી સુંદરતા હોવાને લીધે તો લોકો ત્રાસવાદને અવગણીને પણ કાશ્મીર ફરવા જાય છે. કલ્હાણ રચિત રાજતરંગીણી કાશ્મીરની આ નગર રચનાની વાત છે.. ત્યાંનું રાજકારણ, ત્યાંનું સમાજકારણ બધું જ ચર્ચે છે. દસમી સદીમાં કાશ્મીરમાં દિદા નામની હિંદુ રાણી થઈ છે. દીદા રાણી ને આજની તારીખે તમામ કાશ્મીરીઓ માને છે. એક સ્ત્રીને ત્યાં શાસન કરવાનો અધિકાર હતો તે દર્શાવે છે કે સંસ્કૃતિ કઈ ઊંચાઈએ પહોંચી હશે. દીદા એટલી મહાત્વાકાંક્ષી રાણી હતા કે એમણે પોતાના પ્રતિસ્પર્ધીઓ (જેમાં એના પૌત્ર પણ શામેલ હતા) ને સામ દાન દંડ ભેદ થી મહાત કરેલા છે. કાશ્મીરનો ઇતિહાસ રાજકારણથી ભરપુર છે. કાશ્મીરનો એક પ્રાંત ગીલગીટ છે જે આજે નાપાક પાકિસ્તાનના કબ્જામાં છે. આ વિસ્તાર સૌંદર્યથી ભરપૂર તો છે જ પણ સાથે ત્યાંની પ્રજા પણ એટલી વખણાય છે. ગીલગીટ બાલ્ટિસ્તાન અને હૂંજા વિસ્તારની પ્રજા ભૂતકાળમાં હિંદુ અને બૌદ્ધ હતી પણ આજે તેઓ મુસ્લિમ છે. પણ મુસ્લિમ હોવા છતાં તેઓ માંસાહાર કરતા નથી. એમનો ખોરાક શુદ્ધ શાકાહાર છે. અને આ શાકાહારી ખોરાક થકી તેઓ સરેરાશ સો વર્ષનું આયુષ્ય ભોગવવા માટે જાણીતા છે. આ વિસ્તારમાં પાકિસ્તાને પોતાની હલકી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે પણ એમ છતાં આજે પણ આ વિસ્તાર (જે ાજ્ઞસ તરીકે ઓળખાય છે) સહુથી સ્વસ્થ અને સહુથી સુખી વિસ્તાર તરીકે પંકાયેલો છે. આ પ્રજાએ કદી પુલિસ કે સૈન્ય જોયા નથી. કેમકે આ પ્રજા પ્રાકૃતિક રીતે ખૂબ જ સમજણ વાળી છે. જાણીતા બુદ્ધિસ્ટ એવા રોબર્ટ થર્મન એમના એક પુસ્તકમાં એક કિસ્સો લખે છે જેમાં એક અંગ્રેજ અધિકારી કાશ્મીરના ગીલગિટની મુલાકાતે જઇને ત્યાંની પ્રજાની સુખ શાંતિ જોઈને ખૂબ અચંબિત થઈ જાય છે. તે સ્થાનિક માણસને પૂછે છે કે અહીંયાના લોકો કેમ આટલા સુખી અને દીર્ઘાયુ છે?! કેમ અહીંયા કોઈ પુલિસ નથી, કેમ કોઈ ચોરી કે હત્યા થતી નથી??? ” . એને સ્થાનિક માણસ જવાબ આપે છે કે અમે અહીંયા ખુબ સુખી એટલે છીએ કે અમારે ત્યાં કોઈ શ્રીમંત બનતું નથી. ત્યારે અંગ્રેજ ઓફિસર એને પૂછે છે કે ધારોકે કોઈ શ્રીમંત બની જાય તો તમે શું કરો?? ત્યારે એ સ્થાનિક કાશ્મીરી એને જવાબ આપે છે કે : તો અમે એનું ગળું કાપી નાખીએ ! ! આવી મૂળથી સમાજવાદી એવી ભારતીય સભ્યતાના મૂળ કાશ્મીરમાં છે.રાજતરંગીણીમાં કલ્હાણ પ્રજાએ રાજા અને અધિકારી સામે કરેલા બળવા /વિદ્રોહને નોંધે છે. કાશ્મીર ને પતિત કરવાના તમામ પ્રયાસો સદીઓથી થઈ રહ્યા છે કેમકે તે પ્રાચીન ભારતીય સભ્યતાનું એકમાત્ર જીવિત તીર્થસ્થાન છે. સમય થઈ ગયો છે કે ફરી કાશ્મીર પૂર્ણ રીતે ભારતમાં સમાવિષ્ટ થઈ જાય !!
કાશ્મીર: ભારતીય સભ્યતાનું જન્મસ્થાન

Follow US
Find US on Social Medias