પોલીસે એક કલાકમાં માણાવદરના 5ાંચ શખ્સોને દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર ભનુભાઈ જમનાદાસ સીતાપરા (ઉં.વ.76) છએક માસ અગાઉ મુંબઈ ગયા ત્યારે રાજકોટના ચંદ્રેશ પટેલ સાથે ઓળખાણ અને સબંધ થયો હતો. ભનુભાઈ બરોડાના ગોત્રી વિસ્તારમાં મકાન લે-વેચનું કામકાજ કરતા હોવાથી તેની લેતીદેતી બાબતે ચંદ્રેશભાઈ સાથે વ્યવહાર થયો હતો. ગત તા.28ના ભનુભાઈ સીતાપરા તેના ઘરે એકલા હતા ત્યારે સવારે સાડા સાતેક વાગ્યે માણાવદર તાલુકાના કતકપરાનો આરીફ સેતા, ઈમરાન સેતા, માણાવદરનો કૈલાશ બાંટવીયા, ગોપાલ ડાંગર અને પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના આવ્યા હતા.
- Advertisement -
આ ચારેયે ઘરમાં ઘુસી દરવાજો બંધ કરી દીધો હતો અને ‘તારે અગાઉ રાજકોટના ચંદ્રેશ પટેલ સાથે લેતીદેતી થઈ છે તેને જે રૂપીયા આપવાના છે તેનો હવાલો મેં રાખ્યો છે’ તેમ કહી આરીફે પૈસા ન આપે તો મારી નાખવા ધમકી આપી હતી. ભનુભાઈએ પોતાના પત્ની કેન્સરના ચોથા સ્ટેજમાં છે હાલ મારી પાસે પૈસા નથી, તમે ચંદ્રેશભાઈને કહી દેજો એમ કહેતા આરીફ ઉશ્કેરાઈ ગયો હતો તેણે લાકડી વડે માર માર્યો હતો અને તું જો પૈસા નહી આપે તો મારી નાખશું અને ત્યાં સુધી અમો અહીંથી જવાના નથી એમ કહેતા ભનુભાઈએ તેના સબંધીને ફોન કરી પાંચ લાખ રૂપીયા મંગાવ્યા હતા. ત્યારબાદ આરીફ સેતાએ સવા કરોડના બે અને એક કરોડનો એક મળી કુલ ત્રણ ચેક લખાવી સહી કરાવી લીધી હતી. દરમ્યાન આ શખ્સોએ વધુ બે લાખ રૂપીયાની માંગણી કરી હતી. જો પૈસા ન આપે તો ગામમાં ગમે ત્યાંથી શોધી મારી નાખશું એવી ધમકી આપી હતી. ભનુભાઈએ પોતાના કબાટમાં પડેલી બે લાખની રોકડ આ શખ્સોને આપી દીધી હતી. આમ, કુલ સાત લાખ રોકડા અને સાડા ત્રણ કરોડના ત્રણ ચેક લઈ ગયા હતા.
ભનુભાઈએ ચંદ્રેશભાઈના આપવાના રૂપીયાનો હવાલો આરીફ સેતાએ લીધો હોવાથી અગાઉ તેને 1.20 કરોડ તેમજ ભનુભાઈના મેતાજીએ 25 લાખ ચુકવ્યા હતા. તમામ વહિવટ પૂર્ણ કરી નાખ્યો હોવા છતાં આરીફ સેતા, કૈલાશ બાંટવીયા, ગોપાલ ડાંગર, પ્રકાશ ઉર્ફે પકોડી તન્ના અને ઈમરાન સેતા વૃધ્ધ બિલ્ડરને ધમકી આપી પૈસા ખંખેર્યા હતા. આ શખ્સોની ધમકીથી ડરી જઈ વૃધ્ધ બિલ્ડર ભનુભાઈએ ફરિયાદ કરી નહતી. તેઓએ પોતાના એડવોકેટને સમગ્ર બાબત અંગેની વાત કરતા તેઓએ ફરિયાદ કરવા કહ્યું હતું જેથી ભનુભાઈ સીતાપરાએ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે માણાવદરની આ લુખ્ખા ટોળકી સામે ગુનો દાખલ કર્યો છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ બી.ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલ વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે કતકપરાના આરીફ તૈયબ સેતા, ઈમરાન સુલેમાન સેતા, માણાવદરના કૈલાશલલીત બાંટવીયા, ગોપાલ વાઘા ડાંગર અને પ્રકાશ ઉર્ફે પકોડી કનૈયાલાલ તન્નાની બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


