આપણને ગમે કે ના ગમે, મહાત્મા ગાંધી અને મોહમ્મદઅલી ઝિણાની સરખામણી દુનિયા આખીએ કરી છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
બન્ને ગુજરાતી. બન્નેના વતન કાઠિયાવાડમાં. માત્ર ત્રીસ-પાંત્રીસ કિલોમીટરનું (પોરબંદર અને મોટી પાનેલી) વચ્ચેનું અંતર. બન્નેના બાળ વિવાહ થયા હતા. બન્ને કાયદાનું ભણીને વકીલ બન્યાં. એ માટે બન્ને લંડન ગયા. બન્ને કોંગે્રસ સાથે સંકળાયેલાં અને બન્ને ઉદારવાદી આગેવાન ગોપાલકૃષ્ણ ગોખલેથી પ્રભાવિત. ગાંધીજીએ પછી ભારતની ગુલામ પ્રજાને કોંગે્રસ નામનો સધિયારો આપ્યો તો ઝિણાએ મુસલમાનો માટેનો જનાધાર મુસ્લિમ લીગ થકી ઉભો કરી આપ્યો. બન્ને જિદ્દી લાગે તેવા મક્કમ મનોબળના. પાતળીયા બાંધાના અને બન્નેને એક-એક રાષ્ટ્રના રાષ્ટ્રપિતા તરીકેનો માન, મોભો અને આદર મળ્યાં. હા, ઉડીને આંખે વળગે એવો વિરોધાભાસ એ કે ગાંધીજી સાદગીમાં માનતા પણ ઝિણા આજીવન રૂવાબદાર જિંદગી જ જીવ્યાં. ગાંધીજી લોકનેતા બનીને રહ્યાં પણ અભ્યાસુઓ કહે છે કે કાયદે આઝમ હંમેશ પોતાના સ્ટેટસ અને ટેસ્ટ પ્રમાણેના લોકો સાથે જ રહેતાં. ગાંધીજી જેવી રમુજવૃત્તિનો ઝિણામાં અભાવ હતો. ઝિણા બહુ ખૂલતા નહીં એટલે ક્યારેય ગાંધીજી જેવા પ્રેમાળ કે સમ-સંવેદનશીલ લાગ્યા નથી. ઝિણામાં આત્મીયતાનો અભાવ હતો. મરજી વિરુધ્ધ લગ્ન કરનારી પુત્રી દીનાને પત્રમાં ઝિણા મિસિસ વાડિયા નું સંબોધન કરતાં હતા. પત્ની રતિ (રતનબાઈ પેટિટ) ના અવસાન પછી ઝિણા સંવેદનાની બાબતે સુકાં ભઠ્ઠ બનતાં જતાં હતા. ઝિણા પોતાની અવિવાહિત નાની બહેન ફાતિમા સાથે અંતિમ શ્ર્વાસ સુધી રહ્યાં. તેમના વિષેની થોડી અસામાન્ય વાતો જાણવા જેવી છે :
ગાંધીજીને મહાત્માનું વિશેષણ મળી ગયું એટલે ઝિણાના પ્રશંસકોએ ઈચ્છયું કે કાયદે આઝમને પણ બિરૂદ મળે. તેમણે મૌલાના મોહમ્મદ અલી ઝિણા જિંદાબાદના નારા લગાવ્યા ત્યારે નારાજગી સાથે ઝિણાએ તેમને રોક્યા અને કહ્યું : મૌલાના એક ધાર્મિક ખિતાબ છે. હું તમારો મઝહબી નહીં, સિયાસી રહનુમા છું
ઝિણા ગુજરાતી બોલી શક્તા હતા. ઉર્દુ પણ થોડુંઘણું જાણતા હતાં. મરાઠીના થોડાં શબ્દો તેમને આવડતા હતા. ગાંધીજી સતત એવું ઈચ્છતાં કે ઝિણા ગુજરાતી, હિન્દીમાં બોલે. એ માટે તેઓ મિસિસ ઝિણાને લખેલા પત્રમાં પણ તાકિદ કરતાં પરંતુ ઝિણા મોટાભાગે (અભણ મુસ્લિમ અવામ સામે ય) અંગે્રજીમાં જ ભાષણ આપતા હતા. 1917માં ગોધરામાં રાજનીતિક સંમેલનમાં અંગે્રજીમાં બોલતાં પહેલાં આવા શબ્દો ઉચ્ચારીને ઝિણાએ શ્રોતાઓને હસાવ્યાં હતા : સજ્જનો, ગાંધીજીના હુકમ મુજબ આજે હું ગુજરાતીમાં બોલી રહ્યો છું. હવે હું મારા ભાષણનો પ્રથમ હિસ્સો ગુજરાતીમાં બોલ્યા પછી, મારું બાકીનું ભાષણ અંગે્રજીમાં આપીશ.
- Advertisement -
એ પણ હકીક્ત છે કે તમામ કોંગે્રસીઓ મહાત્મા ગાંધીજી માટે બાપુનું સંબોધન કરતા હતા ત્યારે પણ ઝિણા તેમના માટે મિસ્ટર ગાંધી યા ગાંધીજી જ બોલતાં. 1940 પછી ગાંધીજી પ્રત્યેનો ઝિણાનો આદર સતત ઓછો થતો જતો હતો ત્યારે તેઓ બ્રિટિશરો કે અન્ય સામે ગાંધીજીનો ઉલ્લેખ બુઢા ગાંધી તરીકે પણ કરતા હતા.
ઝિણાની જિંદગીમાં તારીખોના સંયોગો અનેક જોવા મળે છે. તેમને કરાંચીની સિંધ મદરેસા તુલ ઈસ્લામમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની જન્મ તારીખ ર0 ઓકટોબર, 187પ લખાવવામાં આવેલી. કરાંચીની ક્રિશ્ર્ચિયન મિશન સ્કૂલમાં તારીખ હતી : રપ ડિસેમ્બર, 1876. ઈસા મસીહના જન્મની આ તારીખ જ પછી જો કે બધે ઝિણાની જન્મ તારીખ તરીકે માન્ય ગણવામાં આવે છે. પત્નિ મરિયમ (રતનબાઈ) અને પુત્રી દીનામાં પણ તારીખોનો સંયોગ અનોખો છે. ર0 ફેબ્રુઆરી, 1900 ના દિવસે જન્મેલાં રતનબાઈ પેટિટ (નિકાહ પછી મરિયમ) નું અવસાન થયું એ દિવસ હતો : ર0 ફેબ્રુઆરી, 19ર9.
ઝિણા-રતિના એકમાત્ર સંતાનનો જન્મ 1919ની 14મી ઓગસ્ટે રાતે થયો હતો. ર8 વરસ પછી એ જ દિવસે પાકિસ્તાનનો જન્મ થયો હતો. જો કે પિતાને નારાજ કરીને પરણનારી પુત્રી દીનાએ પાકિસ્તાનની બદલે હિન્દુસ્તાનમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. તેની માતાની મજાર પણ મુંબઈમાં જ છે
- Advertisement -
ઝિણા પત્નિ સાથે જયાં રહ્યાં એ મુંબઈના મલબાર હિલ પરનો હવેલીનુમા બંગલો ર01પમાં જ બહુ જંગી રકમથી વેચાયો છે તો મુંબઈના જ વલ્લભભાઈ પટેલ માર્ગ પર 1919માં બનેલો ધ પિપલ્સ ઝિણા હોલ આવેલો છે. આંધ્રપ્રદેશના ગુન્ટુરમાં ઝિણા ટાવર બનેલો છે. અલબત્ત, એ મહાત્મા ગાંધી રોડ પર ઉભો છે
ઝિણાને શાયર ઈકબાલ (સારે જહાં સે અચ્છા) સાથે અંગત સંબંધ હતા. ઝિણાના પૂર્વજો જેમ ઠક્કર અને લોહાણા હતા તેમ ઈકબાલના પૂર્વજો કાશ્મીરના સપ્રુ બ્રાહ્મણ હતા. બન્નેના જીવનમાં ઘણા સામ્ય હતા, વિચારોમાં પણ.
ગાંધીજી સાદગીમાં માનતા પણ ઝિણા આજીવન રૂવાબદાર જિંદગી જ જીવ્યાં, ગાંધીજી લોકનેતા બનીને રહ્યાં…