જેતપુરના બે ભાઈઓએ 40 લાખના 96.55 લાખ વસુલયા: કેશોદના વ્યાજખોરોએ 30 લાખના 60 લાખ લીધાં પછી કરોડોની જમીન વેંચી નાખવાની ધમકી આપી
જેતપુર તાલુકા પોલીસે સાત શખ્સો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જેતલસરના વેપારીએ 70 લાખના 1.57 કરોડ ચૂકવ્યાં છતાં વ્યાજખોરોએ જમીન પચાવી પાડવા ધમકી આપતાં જેતપુર તાલુકા પોલીસે સાત શખ્સો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેતપુરના ટીલાળા બંધુએ 40 લાખના 96.55 લાખ પડાવી લીધાં, બાદ કેશોદના વ્યાજખોરોએ 30 લાખના ડબલ રૂપીયા લીધાં બાદ પણ કરોડોની જમીન વેંચી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે અમદાવાદમાં આવેલ આંબાવડી વિસ્તારમાં રહેતાં મૂળ જેતપુરના જેતલસર ગામના વતની વિકેશભાઈ પરસોતમભાઈ ભુવા ઉ.48એ જેતપુરના રૂપાવટી ગામના મગન ચોવટીયા, જેતપુરના નિલેશ દામજી ટીલાળા, ભાવેશ દામજી ટીલાળા, કેશોદના રામ લખમણ કેશવાલા, મશરી દેવશી બારીયા, મહેશ જોશી, યશ મશરી બારીયા સામે જેતપુર તાલુકા પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દિતી એન્જીનીયરીંગ નામની કંપની ચલાવે છે. તેઓ છેલ્લા 32 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને માતા-પિતા જેતલસર ગામે રહે છે. તેમના પિતા પરસોતમભાઈ ભુવાના નામે જેતલસર ગામે ત્રણેક એકર જમીન આવેલ છે 2015માં ધંધા માટે ચાલીસ લાખની જરૂરીયાત ઉભી થયેલ, જેથી જમીનની લે-વેચની દલાલી કરતા મગન ચોવટીયાને તેઓની જમીન વેચાણની વાત કરેલ હતી.
મગન ચોવટીયાએ કહેલ કે, તમારી જમીનની પાસે બાયપાસ રોડ નીકળે છે, જેથી તેના ભાવ વધશે, તમને હું શરાફી વ્યાજે રૂપીયા અપાવી દઇશ, પરંતુ તમારે તમારી જમીનનો જામીનગીરી પેટે દસ્તાવેજ કરી આપવો પડશે, તમે જે રૂપીયા લો તેનું વ્યાજ તમારે દર મહીને ભરવાનું રહેશે, તમારી જમીનનો દસ્તાવેજ થઇ ગયા બાદ પણ જમીનનો કબ્જો તમારી પાસે રહેશે અને ખેતી કરી શકશો, મુળ રકમ તથા વ્યાજ પરત કરશો એટલે પરત દસ્તાવેજ કરી આપશે તેમ વાત કરેલ હતી તે બાદ મગન ચોવટીયા તથા ભાવેશ ટીલાળા જેતલસર તેઓના ઘરે આવેલ અને તેને જમીન બતાવેલ હતી. તે બાદ નીલેશ ટીલાળા તથા ભાવેશ ટીલાળા પાસેથી રૂ. 40 લાખ માસીક 3 ટકા વ્યાજે મગન ચોવટીયાએ અપાવેલ અને રૂપીયાની જામીનગીરી પેટે જમીનનો દસ્તાવેજ પિતાએ ગઈ તા.21/01/2015 ના જેતપુર સબ રજીસ્ટ્રારની ઓફીસે કરી આપેલ હતો. તેઓને વ્યાજ દર માસે રૂ.1.20 લાખ આપવાના હતા જેમાં પ્રથમ ચાર મહિનાનું અલગ અલગ આંગડીયા મારફતે દર માસે કુલ રૂ. 4.80 લાખ વ્યાજ ભાવેશ ટીલાળાને મોકલેલ હતા. તે બાદ ધંધામાં મંદી આવતા પાંચેક મહીના સુધી વ્યાજ મોકલેલ નહી, જેથી આરોપીઓ જેતલસર તેમના ઘરે ગયેલ અને પિતા પરસોતમભાઇ ભુવા પાસે વ્યાજની ઉઘરાણી કરી ગાળો દીધેલ અને કહેલ કે, જો તું કે તારો દીકરો વ્યાજ નહી આપો તો બંનેને ખોઈ નાખવા પડશે તેમજ જમીનનો કબજો લઇ લેવાની ધમકી આપેલ હતી તે વખતે કૌટુંબીક ભાઈ હરસુખભાઈ ભુવાએ ભાવેશ ટીલાળાને કહેલ કે, તમે અહીંયા માથાકુટ ન કરો અહીંયાથી જતા રહો તમારી પૈસા બાબતની મેટર છે તે તમે તેનો દીકરો આવે ત્યારે મળી લેજો તેમ કહી તેને રવાના કરી દીધેલ. તે બાદ તેઓને ભાવેશ ટીલાળાએ તેની જેતપુરની ઓફીસે બોલાવેલ, તે વખતે હાજર અન્ય આરોપીએ કહેલ કે, તમે વ્યાજ સમયસર આપતા નથી એટલે વ્યાજ તથા પેનલ્ટી રૂ.15 લાખ, મુળ રકમ રૂ.40 લાખ મળી કુલ રૂ.55 લાખ થાય છે તેનું વ્યાજ તમારે હવે 3 ટકાને બદલે હવે 5 ટકા લેખે આપવાનું રહેશે અને જો વ્યાજ નહી આપો તો જમીન બીજાને વેચી નાખીશું અમારૂ કોઈ કાંઇ બગાડી નહી લે તમે વહેમમાં ન રહેતા તેમ કહી માનસિક ત્રાસ આપી ગાળો આપેલ હતી.
વ્યાજખોરના ડરથી અને જમીન બીજાને વેચી નાખશે તેમ ડર લાગતા રૂ. 2.75 લાખની વ્યવસ્થા કરી ઓકટોબર 2015 માં આંગડીયા મારફતે ભાવેશ ટીલાળાને મોકલેલ હતા. ત્યારબાદ આરોપીઓ અવાર નવાર ફોન કરી વ્યાજની માંગણી કરતા હતા. તેઓનો જમીનની કિંમત બે કરોડ જેવી થતી હોય, તે જમીન અડધી કિમંતમાં વેચી નાખવાની ધમકી આપતા હતા. તેમણે રૂ.40 લાખના વ્યાજ, પેનલ્ટી તથા મુળ રકમ સહિત રૂ.,90 લાખની માંગણી કરી કહેલ કે, રૂ.90 લાખ આપશો તો તમને તમારી જમીનનો દસ્તાવેજ કરી આપશું તે બાદ જમીન દલાલ ભુપતભાઈ ભુવાનો ફોન આવેલ અને તેમણે મને કહેલ કે, તમારી જમીન ભાવેશભાઇ ટીલાળાને ત્યાં ગીરવે પડેલ છે તો તમારે તે જમીન વેચી દેવાની છે તેમ વાત કરતા તેને તમામ વાત કરેલ હતી. બાદમાં આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર જેતપુરના નાથાભાઈ માવાણીને ની ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજથી વેચી નાખેલ હતી. જે જમીન રૂ.67 લાખમાં વેચાણ કરેલ હતી. જે બાદ પણ ભાવેશ ટીલાળાએ વ્યાજના રૂ.22 લાખ આપવાની વાત કરેલ હતી. તે બાદ વ્યાજના રૂપીયા આપવા તેઓએ કેશોદ રહેતાં મિત્ર વિઠલભાઇ પીપળીયાનો સંપર્ક કરતાં તેમણે હું બીજાને જમીન જોવા માટે ત્યા લઈને આવું છું, જે બાદ તે રામ કેશવાલા, મશરી બારીયા અને મહેશ જોષી જમીન જોવા આવેલ હતા. તે બાદ રૂ.30 લાખ વ્યાજે આપવાનો વાત થયા બાદ તેની મુલાકાત ભાવેશ ટીલાળા સહિતના આરોપી સાથે કરાવેલ હતી. ત્યારબાદ ત્રણેય દસ-દસ લાખ કરી રૂ.30 લાખ રોકડા માસીક 3 ટકા વ્યાજે આપેલ હતા. જે બાદ જમીનનો દસ્તાવેજ કેશોદના ત્રણેય શખ્સોના નામનો ગઇ તા.06/04/2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો રૂ. 30 લાખમાંથી ભાવેશ ટીલાળાએ તેના વ્યાજના રૂ. 22 લાખ લીધેલ અને રૂ. 8 લાખ તેઓને આપેલ હતા. જમીનનો કબ્જો ફરીયાદી પાસે છે. રૂા.30 લાખનું માસિક વ્યાજમાં રામ કેશવાલાલાને 14 મહીનાનું વ્યાજના રૂા.4.20 લાખ રોકડા, રૂ.10 લાખ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુળ રકમ પણ આપી દીધેલ હતી. તેમ છતા હજું પણ રૂ.3 લાખની માંગણી કરેલ છે. તેમજ મશરી બારીયાને કુલ રૂ.28.60 લાખ વ્યાજ ચુકવેલ છે. તેમજ મહેશ જોષીને કુલ રૂ.17.55 લાખ ચુકવેલ છે તે બાદ પણ મશરી બારીયા તથા તેનો દીકરો યશ સહિત ચારેય લ અવાર નવાર ફોનમાં તથા રૂબરૂ કહેતા કે વ્યાજ તથા રૂપીયા આપી દો નહી તો તમારી જમીન બીજાને વેચી નાખશું અને તેના રૂપીયા જે આવશે તેમાંથી તને કાંઈ આપશું નહી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.