માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં અને કમાણી ફાઉન્ડેશનના સહયોગથી આયોજન; આગામી કેમ્પ 1 નવેમ્બરથી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર રહેતી સરગમ ક્લબ દ્વારા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ’જયપુર ફૂટ કેમ્પ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સરગમ ક્લબ અને માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં તથા કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ તા. 01/10/2025 થી 03/10/2025 દરમિયાન યોજાયો હતો.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ (જયપુર ફૂટ) બેસાડવામાં આવે છે. ત્રણ દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 54 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં: કેલિપર્સ (પગના)ના દર્દીઓ: 15, કૃત્રિમ પગ બેસાડાયા: 29, રિપેરિંગ કામગીરી કરાવી: 10
કેમ્પમાં રાજસ્થાનના ડોક્ટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરેએ સેવા આપી હતી. આવનારા તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ કેમ્પના મુખ્ય સહયોગી માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે, અનવરભાઈ ઢેબા, કનૈયાલાલ ગજેરા તેમજ અલકાબેન કામદાર, કૈલાશબા વાળા સહિત સરગમ ક્લબના કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
આગામી કેમ્પની તારીખ: સરગમ ક્લબ દ્વારા હવે પછીનો જયપુર ફૂટ કેમ્પ આગામી તા. 01/11/2025ના રોજ ત્રણ દિવસ માટે યોજાશે



