સોલડી ટોલનાકાના CCTV ફૂટેજમાં ડ્રાઇવર હાથમાં હથિયાર સાથે જોવા મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
કચ્છ અમદાવાદ હાઇવે પર ગઈ કાલે 11 જૂનના રોજ સવારના સમયે ટ્રક ચાલકને માર મારવાના મામલે અન્ય ટ્રક ચાલકો દ્વારા હાઈવે પર ચક્કાજામ કર્યું હતું જેમાં આશરે દશેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ બનાવમાં બુધવારે ટ્રક ચાલક સાથે ધ્રાંગધ્રા નજીક સોલડી ટોલટેક્ષ પાસે કેટલાક ઈસમો દ્વારા રૂપિયા ઉઘરાવવા બાબતે માથાકુટ થઈ હતી જેમાં ટ્રક ચાલકને આ ઈસમો દ્વારા માર માર્યો હોવાથી અન્ય ટ્રક ચાલકો ટોલટેક્ષ નજીક હાઇવે પર પોતાના ટ્રક ઊભા રાખી ટ્રાફિક જામ કર્યો હતો.
- Advertisement -
ટ્રક ચાલકને રૂપિયાનું ઉઘરાણું કરતા ઈસમો જો પોલીસ હોય તો તેઓને સસ્પેન્ડ કરવા અને જો ખાનગી લોકો હોય તો તેના પર કડક કાર્યવાહીની માંગ કરી હતી જેને લઇ ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકોને સમજાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા આ તરફ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકની ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરી સોલડી ટોલટેક્ષના સીસીટીવી ફૂટેજ તપાસતા ઘટનામાં નવો વણાંક આવ્યો હતો જેમાં સીસીટીવી ફૂટેજમાં ટ્રક ચાલક પોતાના હાથમાં લોખડની પાઇપ જેવું હથિયાર લઈ બેથી ત્રણ ઈસમો પાછળ દોડતો હોવાનું નજરે પડતું હતું જેને લઈ ટ્રક ચાલકે પણ માથાકુટ સર્જી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ હાલ ટ્રક ચાલક વિરુધ પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા બદલ ગુન્હો નોંધાય તેવી શક્યતા સેવાઈ રહી છે.