રાજદરબારમાં એક મહાન સંત આવ્યા, રાજાને તેમણે કહ્યું કે, ‘હું આપની પાસેથી કશુંક માંગવા આવ્યો છું!’ રાજાએ કહ્યું: ‘આદેશ કરો, સંતવર્ય! સોનું-ચાંદી, હીરા-ઝવેરાત, જમીન, ગામડાં… તમારે જોઈએ તે આપું’ સંતવર્યએ કહ્યું, ‘મારે એવું કશું જ ન ખપે. મારે તો આપનાં રાજકુમારનો પ્રિય પોપટ જોઈએ છે!’
દાસી દૂધનો ગ્લાસ લઈને આવી, રાજકુમારે છણકો કરીને દૂધનો ગ્લાસ ફેંકી દીધો. તેની નજર ઘડાં પર પડી તો પાપનાં ઘડામાં થોડું પાણી આવી ગયું હતું, પૂણ્યનો ઘડો ખાલી હતો, રાજકુમારને પોતાની ભૂલ સમજાઈ ગઈ
- Advertisement -
જ્યારે તમે હૃદયપૂર્વક દાન કરો છો ત્યારે દિમાગમાં એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઝરે છે- જે તમને ગજબનાક થ્રિલ આપે છે, સંતોષ આપે છે અને તમારા ચિત્તને આનંદથી છલોછલ કરી નાંખે છે
રંગ છલકે
– કિન્નર આચાર્ય
હમણાં યુટ્યૂબ પર એક બાળવાર્તા જોઈ: એક રાજકુમાર હતો. વંઠેલા રાજકુમારમાં જે-જે અપલખ્ખણ હોય એ બધાં તેનામાં હતાં. કોઈ દિવસ ધનનું મહત્ત્વ સમજે નહીં, પાણીની જેમ ખર્ચ કરે. બોલવામાં તોછડો. રાજાનાં દરેક કર્મચારીનું અપમાન કરતો રહે. એક વખત એવું બન્યું કે, રાજદરબારમાં એક મહાન સંત આવ્યા, રાજાને તેમણે કહ્યું કે, ‘હું આપની પાસેથી કશુંક માંગવા આવ્યો છું!’ રાજાએ કહ્યું: ‘આદેશ કરો, સંતવર્ય! સોનું-ચાંદી, હીરા-ઝવેરાત, જમીન, ગામડાં… તમારે જોઈએ તે આપું’ સંતવર્યએ કહ્યું, ‘મારે એવું કશું જ ન ખપે. મારે તો આપનાં રાજકુમારનો પ્રિય પોપટ જોઈએ છે!’ રાજા પણ સંતની માંગણી સાંભળી આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા. રાજકુમારની એક જ નબળાઈ હતી: તેનો પાળીતો પોપટ. રાજાએ સંતને કશુંક બીજું માંગી લેવા અનેક વખત વિનંતી કરી. સંત માન્યા નહીં. રાજાએ રાજકુમારને બોલાવ્યો અને તેને બધી વાત કરી. જીદ્દી રાજકુમાર માંડ-માંડ માન્યો. સંતે પોપટ હાથમાં લીધો અને રાજકુમારને કહ્યું: ‘આજે તો હું પોપટ લઈ જઉં છું, પણ તારે જો પોપટ પરત જોઈતો હોય તો તને મળી જશે. હું તને બે ઘડાં આપું છું- એક પાપનો, એક પૂણ્યનો. તું જેમ વધારે પાપ કરીશ તેમ પાપનો ઘડો ભરાતો જશે-એ છલકાઈ જશે અને તારો પોપટ તને કદી નહીં મળે. પણ, જો તું પૂણ્ય કરતો રહેશે તો પૂણ્યનો ઘડો છલકાઈ જશે અને તારો પોપટ આપમેળે તારી પાસે આવી જશે!’
- Advertisement -
રાજકુમાર પોતાનાં રૂમમાં આવ્યો, દાસી દૂધનો ગ્લાસ લઈને આવી. રાજકુમારે છણકો કરીને દૂધનો ગ્લાસ ફેંકી દીધો. તેની નજર ઘડાં પર પડી તો પાપનાં ઘડામાં થોડું પાણી આવી ગયું હતું, પૂણ્યનો ઘડો ખાલી હતો. રાજકુમારને ભૂલ સમજાઈ. બીજા દિવસથી તેનું જીવન બદલાઈ ગયું. એ રોજ ધનની થેલી ભરીને વેપારીનાં વેશમાં નીકળતો, કોઈ ગરીબ-લાચારને એ જૂએ કે તરત તેની મદદ કરતો. તેની દિનચર્યા જ એ બની ગઈ. રાજાએ વધુ ધન લઈ જવાની ના કહી તો એ મજૂરીકામ કરીને પૈસા રળવા લાગ્યો અને જે કમાણી થાય તેમાંથી દાન કરવા લાગ્યો. દરેક વખતે એ ઘડાં સામે જોતો. પૂણ્યનાં ઘડાંનું પાણી વધી રહ્યું હતું. એક દિવસ એ એક બંધ દુકાનનાં ઓટલે આરામ કરી રહ્યો હતો. ત્યાંથી એક અત્યંત ગરીબ, વૃદ્ધ અને દુર્બળ ડોસીમાને તેણે માથે બેડું મૂકી પાણી લઈ જતાં જોયાં. તેઓ માંડ-માંડ ડગુંમગું ચાલી રહ્યાં હતાં. રાજકુમારથી આ દૃશ્ય જોવાયું નહીં. માડીના હાથમાંથી બેડું પોતાનાં માથે મૂક્યું. પોતાનાં ગજવામાંથી પૈસા કાઢીને તેણે માડીને આપ્યા. ઠેઠ માજીનાં રસોડાં સુધી બેડું મૂકીને એ બહાર નીકળતો હતો ત્યાં માડીએ કહ્યું: ‘બેટા! થાકી ગયો હોઈશ, એક ગ્લાસ પાણી તો પી લે!’ રાજકુમાર ખાટલાં પર બેઠો.
માડી પાણીનો લોટો ભરીને આવ્યા ત્યાં સુધીમાં એ ઘસઘસાટ ઊંઘી ગયો. આ વખતે તેને પોતાની પાસે રહેલાં પાપ-પૂણ્યનાં ઘડાં સામે જોવાનું પણ સ્મરણ ન રહ્યું. દાન અને સેવા હવે તેનાં સ્વભાવ સાથે વણાઈ ગયા હતાં. એને ઘડાંની કોઈ ફિકર ન હતી. બે-ચાર કલાક પછી એ જાગ્યો ત્યારે પોપટ તેની બાજુમાં બેઠો હતો. રાજકુમારની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા.
દાન, ધર્માદો, સત્કર્મ, સેવા. આ બધું જ એક પ્રકારની કિક આપે છે અને એ કિક કેફી પદાર્થનાં નશા કરતાં પણ વધુ આનંદદાયક છે. રાજકુમારે માડીનાં ઘેર બેડું ઉતાર્યું, નાણાં આપ્યા- એ પછી પણ પાપ-પૂણ્યનાં ઘડાં સામે શા માટે ન જોયું. એણે જાણી-જોઈને એવું નહોતું કર્યું પરંતુ હવે એ આવા બધાં સરવાળા-બાદબાકીમાંથી મુક્ત થઈ ગયો હતો. દાન-ચેરિટી એનાં સ્વભાવમાં વણાઈ ગયા હતાં. હવે તો વિજ્ઞાન પણ કહે છે કે, જ્યારે તમે હૃદયપૂર્વક દાન કરો છો ત્યારે દિમાગમાં એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઝરે છે- જે તમને ગજબનાક થ્રિલ આપે છે, સંતોષ આપે છે અને તમારા ચિત્તને આનંદથી છલોછલ કરી નાંખે છે. આપણે ત્યાં દાનનો મહિમા એટલે જ ગવાયો છે. મારા એસ્ટ્રો-વાસ્તુ ક્ધસલ્ટન્ટ મિત્ર રાજેશ ભટ્ટ તો દાનને ધનનું શુદ્ધિકરણ જ કહે છે.
વાત સાચી પણ છે. દાન જેવો કોઈ પરમાનંદ નથી. આપણે સાંભળીએ છીએ કે ફલાણા ઉદ્યોગપતિ રોજનું આટલા રૂપિયાનું દાન કરે છે અને ઢીંકણા ઉદ્યોગપતિ પાસેથી કોઈ યાચક ખાલી હાથે પરત ફરતો નથી. આવા દાતાઓને ચેરિટી થકી શું મળી જતું હશે? પબ્લિસિટી? ના. આવામાંથી નેવું ટકા લોકો તો ક્યારેય જાહેર પણ કરતા નથી કે, તેમણે કોને- કેટલું આપ્યું. તેમને એક પ્રકારની કિક મળે છે, દિમાગને- હૃદયને તરબતર કરી દેતો એક અજબગજબ અનુભવ.
સંસ્કૃતનાં અનેક સુભાષિતો પણ દાનનાં ગૂણગાનથી ભરપૂર છે. એક શ્ર્લોક કહે છે કે, ‘આપણાં કાનની શોભા આપણે પ્રાપ્ત કરેલાં જ્ઞાન થકી છે, મોટા કુંડળ થકી નથી. એવી જ રીતે હાથની શોભા જ્ઞાનથી છે- કોઈ કડા કે કંકણથી નહીં’ વધુ એક સુભાષિત: ‘દાન થકી સમસ્ત પ્રાણી વશમાં થાય છે, દાનથી વેર ખતમ થાય છે, દાન થકી શત્રુ પણ ભાઈ બની જાય છે અને દાન દ્વારા જ તમામ સંકટ દૂર થાય છે!’ આવા તો અનેક સુવાક્યો આપણાં સાહિત્યમાં ઉપલબ્ધ છે: ‘બે પ્રકારનાં લોકો મળવા મુશ્કેલ છે: એક, જે બીજાની પ્રાર્થના પૂર્ણ કરે છે. બીજા, જે કોઈની પાસે કશું જ માંગતા નથી!’ અને છેલ્લી વાત: દાનનાં પણ પ્રકાર હોય છે. તામસી દાન, રાજસી દાન અને સાત્ત્વિક દાન. જે દાન સત્કાર વગર તિરસ્કારપૂર્વક, અયોગ્ય દેશકાળમાં અને કૂપાત્રને આપવામાં આવે છે તે તામસી દાન છે. જે દાન ક્લેશથી, ફળની અપેક્ષાથી અપાય છે તે રાજસ દાન છે અને જે દાન એવી ભાવનાથી અપાય છે કે ‘દાન દેવું એ કર્તવ્ય છે’ અને દાન આપતી વખતે દેશ-કાળ અને યોગ્ય પાત્રને ફળની અપેક્ષા વગર અપાય તે સાત્ત્વિક દાન છે. છેલ્લે એક ક્લાસિક વાક્ય: ધનની ચાર ગતિ હોય છે: ઉપાર્જન, ખર્ચ, દાન અને બચત. જે આ ચાર ગતિ પારખતો નથી તેનું ધન પાંચમી ગતિએ જાય છે. અને પાંચમી ગતિ એટલે: ધનનો નાશ.