કાર્તિક મહેતા
ખુદા જાને કે … મૈ ફિદા હું.. ખુદા જાને મૈ મીટ ગયા..
- Advertisement -
ધરખમ ગાયક સ્વ. ક્રિષ્ન કુમાર (કે કે) ના સ્વરમાં ગવાયેલું “બચના એ હસીનો” ફિલ્મનું ગીત આજે પણ અનેક લોકોના પ્લે લિસ્ટમાં અકબંધ હશે. ખુદા શબ્દ આવતો હોય એવા અનેક ગીતો અને ફિલ્મોના નામ આપણને મોઢે યાદ હોય એમ બને. ખુદા શબ્દને લોકો સાધારણ રીતે ઈસ્લામિક ધારી લે છે પણ નવાઈની વાત છે કે ખુદા શબ્દ ઈસ્લામિક નથી. તે એક ફારસી (પારસી) શબ્દ છે, ઈરાની શબ્દ છે. પારસીઓ ઈશ્વરને ’ખોદાયજી’ કહે છે. કેમકે પારસીઓ પણ ફારસ એટલે કે પર્શિયા કે ઈરાનથી આવેલા છે. તેઓ પોતાની મૂળ ઈરાની ભાષા તો લગભગ ભૂલી ગયા છે એમ છતાં અનેક શબ્દો અને નામ ઈરાની છે. ફારસી /ઈરાની ભાષા પણ ખરેખર સંસ્કૃત ભાષા સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલી છે. ઈરાની ભાષા પણ ઇંડો ઇરાનીયન ભાષા સમૂહની એક ભાષા ગણાય છે. ફારસી ભાષાના મોટાભાગના શબ્દોના મૂળ સંસ્કૃતથી મળી આવે છે. થોડા શબ્દો છે જે અરબી ભાષાથી આવેલા છે. જૂની ઈરાની ભાષાને અવેસ્તન ફારસી પણ કહેવાય છે. અવેસ્તા પારસી લોકોનો ધર્મગ્રંથ છે. બહુ ઓછાં લોકોને જાણ હશે કે આ પવિત્ર ગ્રંથમાં દેવ અહુર (અસુર) સંગ્રામની વાતો કરવામાં આવી છે. પરંતુ અવિસ્તામાં દેવનો અર્થ દુષ્ટ થાય છે અને અહુરનો અર્થ થાય છે :સજ્જન !! આપણા ધર્મગ્રંથોમાં અસુર એટલે દુષ્ટ એવો અર્થ નથી. સુર અને અસુર બેય એકબીજાના શત્રુઓ છે , જેમની વચ્ચે સ્વર્ગ પામવા માટે સતત યુદ્ધો થતા રહે છે. પરંતુ દેવ અસુર સંગ્રામના તમામ કથાનક મૂળ તો મેટફર એટલે કે પ્રતિક છે. ઈરાન મુસ્લિમ બન્યું તે બહુ ધીમે ધીમે થયેલી પ્રક્રિયા હતી. એક યહૂદી યાત્રિક નોંધે છે કે ઈરાનમાં લોકો મુસ્લિમ બનવા લાગ્યા છે એનું મુખ્ય કારણ છે કે ત્યાંના ધનિક લોકો અને સુંદર યુવતીઓ ઈસ્લામિક ધર્મ અપનાવે છે. ઈરાની લોકો ભલે પોતાને ઈસ્લામિક માને છે, પરંતુ પોતાના મૂળ ભૂલ્યા નથી. તેઓ પોતાના જરથોસ્તી મૂળને જાળવવા ખૂબ પ્રયત્નશીલ છે.
આજે પણ ત્યાં બહુ જ સૂક્ષ્મ કહી શકાય એટલી વસ્તીમાં પારસીઓ વસે છે ખરા. પાકિસ્તાન જેવું દુષ્ટ રાષ્ટ્ર જેને સતત મુસ્લિમોની ભાષા તરીકે પ્રમોટ કરતું રહ્યું છે તે ઉર્દૂ ખરેખર તો હિંદવી (હિન્દી) અને ફારસીનું મિશ્રણ છે. ઉર્દૂમાં સંજ્ઞાઓ (નામ/નાઉન) ફારસી છે અને વાક્યરચના હિંદવી છે. ફારસી પણ પોતે ઈંડો યુરોપિયન લેન્ગવેજ સમૂહની એક ભાષા હોવાને લીધે તે સંસ્કૃત સાથે જોડાયેલી છે. એટલે ઉર્દૂ કદી કોઈ ધર્મ સાથે જોડાયેલી ભાષા કહેવાઈ શકે નહિ. ઈસ્લામિક સ્થાપત્ય હોય કે ઈસ્લામિક સાહિત્ય હોય , એ બધું ઇરાનની દેન છે.શેર, શાયરી, ગઝલ વગેરે ઈસ્લામિક નહિ પણ ઈરાની સાહિત્ય પ્રકાર છે. ભારતમાં ઈરાનથી આવેલા મુસ્લિમ વિદ્વાનોનો પ્રભાવ કેટલો ઘેરો છે તે આજે પણ આપણને હિન્દી ગીતોમાં ખુદા શબ્દ સાંભળીને સમજાઈ શકે છે. પરંતુ ખુદા ઈસ્લામિક શબ્દ નથી એટલે ઘણા લોકો આજે ખુદા શબ્દને ત્યજી રહ્યા છે તે તાજેતરમાં બની રહેલી ધ્યાનાકર્ષક ઘટના છે. જેના ગુણગાન ગાતા ભારતીય ઇતિહાસકારો થાકતા નથી એવા મોગલો (મૂળ શબ્દ મોંગોલ) પણ અમુક અંશે ઈરાની વારસો ધરાવતા હતા. એટલે ઈરાની દરબારીઓ , સાહિત્યકારો અને કલાકારોને પોતાને ત્યાં આશ્રય આપતા. ઈરાન સાથે ભારત કેટલું જોડાયેલું છે તે એનો નકશો જોઈને સમજાઈ શકે એમ છે. ઇરાનનો નકશો જુઓ. તે કુહાડીના ફરસા જેવા આકારનો છે.
કુહાડીને કહેવાય પરશુ , ફરસી.. જેથી આ દેશનું નામ ફારસ પડ્યું કહેવાય છે. આપણા ઋષિ પરશુરામ પણ ઇરાનના હતા અને ત્યાં એમણ હૈહય વંશી ક્ષત્રિયોનો સંહાર કરીને પૃથ્વીને આબાદ કરી હતી એમ કહેવાય છે. ઇરાનનું નામ ઈરાન પણ “આર્યોના દેશ” તરીકે એની ઓળખને કારણે જ પડ્યું છે. કુર્દિશ લોકો તો મૂર્તિપૂજા કરે છે, સ્વસ્તિક રાખે છે, આરતી કરે છે, હોળી પણ ઉજવે છે!! આ ઈરાની ઓળખાણ ને લીધે યુરોપિયન ઇતિહાસકારો એ આર્ય એટલે ઊંચી, ગોરી, ખડતલ પ્રજા એવો અનર્થ કરી નાખ્યો. યુરોપિયન ઇતિહાસકારો નું આ કામ કરવા પાછળનું ગણિત બહુ મેલું હતું. એમને ભારતમાં જાતિઓને આધારે રાજનીતિ કરવી હતી એટલે એમણે આ પ્રકારનો ઇતિહાસ ઘડી કાઢ્યો. જેની અસર છેક જર્મનીમાં હિટલર સુધી પડી જે પોતાને આર્ય સમજતો હતો!! અનેક જર્મન યુવતીઓ આજે પણ લડાખ પ્રાંતમાં શુદ્ધ આર્ય રક્તથી સંતાન પ્રાપ્તિ માટે આવે છે. ભારતમાં મુસ્લિમ નામો પણ હમેશા ઈરાની નામોથી પ્રેરિત રહ્યા છે. શાહરૂખ, ફારુખ, જહાંગીર જેવા અનેક નામ ઈરાની છે.હવે અરબી નામો વધારે દેખાય છે પણ ફારસી નામોની સુંદરતા અને આભા સામે અરબી નામો જરા ફિક્કા દેખાય છે. આજે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ જેવા બે બળુકા દેશ ઇરાનની પાછળ પડ્યા છે ત્યારે ઈરાન વીરતાથી એનો સામનો કરી રહ્યું છે. કેમકે ઈરાન ઋષિ પરશુરામનો દેશ છે. રાજકીય રીતે ઈસ્લામિક રિપબલિક ઘોષિત થયેલ ઈરાન અંદરથી ખૂબ આધુનિક દેશ છે. અનેક ટેકનોલોજી ક્ષેત્રે ઈરાનીઓ મજબૂત કામ કરી રહ્યા છે. ઈરાનીઓમાં ધાર્મિક કટ્ટરતા ઘણી ઓછી હોય છે તે એમને અંગત રીતે મળવાથી અનુભવાય છે. અનેક ઈરાની યુવતીઓ ભારતીય હિંદુ યુવાનોને પરણે છે જે બતાવે છે કે એમની ધાર્મિક સમજણ કેટલી વિશાળ અને ઉદાર છે. આવો સુંદર દેશ , ધન ધાન્યથી ભરપૂર દેશ (બાબરને ઇરાનના ફળો અને સૂકામેવાની હમેશા ખોટ સાલતી એવું નોંધાયું છે) યુદ્ધથી ખેદાન મેદાન થાય નહિ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.ઈરાન મજબૂત લોકો , ફળદ્રુપ જમીન અને સમૃદ્ધ ઇતિહાસનો દેશ છે..ખુદા ખેર કરે !!