સરકારી જમીન પરથી કલેકટર ઢોરવાડા દુર કરાવશે
બાઇકર્સ અને તોફાની વ્હોટ્સએપ્પ ગ્રુપ ચલાવનારા તત્વો સામે પોલીસ ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
મનપામાં ગઇકાલે કલેકટર, કોર્પોરેશન, પોલીસ, આરટીઓ, પશુ પાલન વિભાગના પ્રતિનિધિઓની મળેલી મીટીંગ બાદ આજે રાત્રેથી જ સઘન ઢોર પકકડ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવનાર છે. મનપામાં એએનસીડી વિભાગની ટીમો અને કાફલો વધારી દેવાયો છે તો પોલીસે પીએસઆઇ સહિતના સ્ટાફના ઓર્ડર કરી દેતા રખડતા ઢોર સામેનો નવો કાયદો કડકાઇથી લાગુ થઇ જશે તે નકકી બન્યું છે.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે સર્જાતી સમસ્યાઓના નિરાકરણ માટે આવા પશુઓ પકડવાની કામગીરી અસરકારક રીતે થાય તે માટે આજે વિવિધ સરકારી વિભાગોના અધિકારી દ્વારા જુદાજુદા મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં રખડતા પશુઓના મુદ્દા ઉપરાંત ટ્રાફિક, દબાણ અને સફાઈ કામગીરીની બાબતનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મનપા 38 હજાર જેટલા રખડતા પશુઓ પકડી ચુકી છે અને ત્યારબાદ જરૂરી ઔપચારિક કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલ છે.
શહેરના મુખ્ય માર્ગો અને ચોક ખાતે લગાવવામાં આવેલા 950થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી જાહેર માર્ગો પર બાજ નજર રાખી પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવશે. ટીમ રખડતા પશુઓ પકડવા નીકળે એ સાથે જ નંબર પ્લેટ વગરના બાઈક પર બેસી કેટલાક લોકો આ ટીમની ગતિવિધિઓ પર નજર રાખે છે.