‘અલ્લાહુ અકબર’નાં નારા લગાવ્યા પછી ઈન્દ્રનીલ વિધાનસભા-68નાં મતદારોની નજરમાંથી સાવ ઉતરી ગયા
વિધાનસભા-68માં આમ પણ ઉદય કાનગડ આગળ ચાલતાં હતા, હવે તેમનો ઘોડો જોજનો આગળ નીકળી ગયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શનિવાર, 27 નવેમ્બરના રોજ રાજકોટ પૂર્વ બેઠકના જંગલેશ્વર વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુની એક રેલી અનેજનસભા યોજાઈ હતી. નોંધનીય છે કે આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અને આ વિસ્તારમાં પ્રવેશતા જ કોંગ્રેસ ઉમેદવારે પોતાના તમામ ચોલા ઉતારી દીધા અને પોતાના મૂળ રંગમાં આવેલા જણાયા હતા. અહીંની ઇન્દ્રનીલ રાજગુરુની જનસભાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો, જેમાં તેઓ પોતાની વોટબેન્કની રાજનીતિ કરવામાં હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ દુભાવતા અને ભગવાન મહાદેવનું અપમાન કરતા જોવા મળી રહ્યા હતા. આ સભામાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા હતા કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં મહાદેવ બેઠા છે અને સોમનાથમાં અલ્લાહ બેઠા છે. આગળ તેઓ બંને હાથ ઊંચા કરીને જોર જોરથી ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. જે બાદ શિવભક્તો અને હિંદુઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો હતો. હવે આ બાબતે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ પણ નોંધાવી છે. ભાજપે ચૂંટણીપંચને ફરિયાદમાં પુરાવાઓ આપ્યા છે અને અરજ કરી છે કે ઇન્દ્રનીલ રાજગુરુ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.
આ મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પ્રહાર કરતા ગુજરાતના ગૃહમંત્રી અને ભાજપ નેતા હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે, ચૂંટણી નજીક આવતા ઇન્દ્રનીલ રાજગુરુ જેવાઓના મૂળ ચહેરાઓ બહાર આવી રહ્યા છે. હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સોમનાથ મંદિર વિષે આવું નિવેદન અયોગ્ય છે. મહમુદ ગઝની તો ચાલ્યો ગયો પણ તેની પાછળ ઇન્દ્રનીલ રાજગુરુ જેવા કેટલાયને મૂકી ગયો છે જેમને ઓળખવા જરૂરી છે.
ગુજરાત વિધાનસભા માટે પહેલા તબક્કાના મતદાન માટે હવે જ્યાં માત્ર 3 દિવસ બાકી છે ત્યાં રાજકોટનું રાજકીય વાતાવરણ સતત ગરમાઈ રહ્યું છે. રાજકોટ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુના ‘..સોમનાથમાં અલ્લાહ છે’ વાળા નિવેદન પર વાંધો દર્શાવતા ભારતીય જનતા પાર્ટીએ તેમના વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ પર તૃષ્ટિકરણ અને વોટબેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે તેમના પર ધર્મના નામે રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ફરિયાદ માટે ઑપઇન્ડિયાના એક અહેવાલનો આધાર લેવાયો હતો. ઑપઇન્ડિયાએ ગઈકાલે જ આ વિષયમાં વાઇરલ વિડીયોને ટાંકીને એક વિશેષ અહેવાલ આપ્યો હતો.