સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના 72 વિદ્યાર્થીઓને સરવે

71% પુરુષોનું માનવું છે કે મત આપવો એ ફરજ અને હક

45% યુવાનો ઓનલાઈન વોટિંગ પધ્ધતિ હોવી જોઈએ એવું માને છે

ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીને માત્ર ત્રણ દિવસનો સમય બાકી રહ્યો છે મતદાન પ્રત્યે લોકોના વિચારો જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ એમ.એ. સેમ-2/4 અને ઙૠઉઈઈ ડિપ્લોમા અને પીએચ.ડી.ના 72 જેટલા વિદ્યાર્થીઓએ રાજકોટના અલગ અલગ સ્થળો પર જઈને મતદાન વિશે સરવે કર્યો હતો. વિદ્યાર્થીઓની ટીમે 4000થી 4600 જેટલા લોકોને મળીને મતદાન અંગે વાતચીત કરીને લોકોને જાગૃત કર્યા હતા. જેમાં 27 ટકા બહેનોનું એવું માનવું છે કે મત તો ઘરમાં વ્યક્તિઓ કહે છે એટલે આપીએ છીએ પણ મત દીધે કોનું સારું થવાનું છે. જ્યારે 71 ટકા પુરૂષોનું માનવું છે કે મત આપવો એ આપણી ફરજ અને હક બંને છે અને 45 ટકા યુવાનો અને નોકરીયાત -વ્યવસાયી પ્રૌઢનું માનવું છે કે ઓનલાઇન વોટીંગ અત્યારના સમયની તાતી જરૂરીયાત છે. મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાનમાં સામે આવ્યું કે રાજકોટના ઝુપડપટ્ટી અને સ્લમ એરિયામાં 70થી 72 ટકા લોકોમાં મતદાન વિશેની જાગૃતિ છે. જ્યારે પોશ અને મધ્યમ વિસ્તારમાં મતદાન વિશે ઉદાસિનતા દેખાય છે. આ અભિયાનમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ઓળખાણ આપવામાં આવી અને પછી લોકોને મતદાન કરે છે કે નહિ તે વિશેની પ્રાથમિક પુછતાછ કરવા આવી. જો કોઈ વિસ્તારના લોકો મતદાન ન કરતા હોય તો વિદ્યાર્થીઓ દ્વારા તેમને મતદાન કરવા અંગે સમજાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ પ્રદ્યુમન પાર્ક, રેસકોર્સ, બહુમાળી ભવન, વિમલનગર ચોક, પુષ્કરધામ, ક્રિસ્ટલ મોલ, રૈયા ગામ, રેલવે જંકશન, આજીડેમ, લોહાણા મહિલા કોલેજ, રિલાયન્સ મોલ, ધરમનગર, ગંગોત્રી પાર્ક, રૈયાધાર, સરિતા વિહાર, ઉમા સદન રોડ, સમરસ હોસ્ટેલની સામેની સાઈડ વિસ્તાર, કીડની હોસ્પીટલ, ભગવતીપરા, સ્વામિનારાયણ મંદિર, નવું મુંજકા, નાનામૌવા, ભક્તિનગર રેલવે સ્ટેશન, મવડી ચોક, પ્રેમ મંદીર જેવા અનેક સ્થળોએ જઈ લોકોને મતદાન કરવા બાબતે જાગૃત કર્યા હતા.