કરોડોની કરચોરી ખુલવાની શંકા : આવકવેરા અધિકારીઓને રાત્રે રાજકોટમાં એકઠા કરાયા બાદ વ્હેલીસવારે અમદાવાદ લઇ જવાયા
ગુજરાતમાં ફરી એક વખત ઇન્કમટેક્સ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે અમદાવાદની ખાનગી યુનિવર્સિટીમાં સવારથી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
અમદાવાદના ગોતા વિસ્તારમાં એસજી રોડ પર આવેલ ખાનગી યુનિવર્સિટી સિલ્વર ઓકના કેમ્પસ ઉપરાંત તેના સંચાલકોના નિવાસે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી શરુ કરતા પૂર્વે વિદ્યાર્થીઓને રજા આપીને કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. ક્ધસલ્ટન્ટ સુનિલ નામની વ્યક્તિના ડેટા એન્ટ્રી વ્યવહારોના આધારે યુનિવર્સિટી પણ નિશાને ચડ્યાનું બહાર આવ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે 100થી વધુ આવકવેરા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો.
આ અધિકારીઓને ગઇસાંજે રાજકોટ એકત્રિત કરવામાં આવ્યા હતા અને વ્હેલીસવારે અમદાવાદ દરોડા સ્થળે લઇ જવાયા હતા.અમદાવાદ ઉપરાંત તેના કનેકશનમાં ચોટીલામાં પણ ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે સિલ્વર ઓકે ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પૂર્વે અન્ય યુનિવર્સિટી સાથે કોલેજ તરીકે જોડાયેલી હતી.
2009માં કોલેજ શરુ થયા બાદ તબક્કાવાર વિસ્તરણ કરીને તાજેતરમાં ખાનગી યુનિવર્સિટી તરીકેની માન્યતા મેળવી હતી. ખાનગી યુનિવર્સિટી બન્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જુદા-જુદા અભ્યાસક્રમોના ડીપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, વર્ગોમાં અંદાજીત 15000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. આવકવેરા વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં જ મોટીમાત્રામાં નાણાકીય વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. કરોડો રુપિયાની કરચોરી ખુલવાની આશંકા છે.