મ્યુનિસિપલ કમિશનરને ફરી એક વખત આવેદનપત્ર સાથે અલ્ટીમેટમ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય
ખાસ-ખબર સંવાદદાતા
ગણપતિ મહોત્સવ દરમિયાન યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં જે દુર્ઘટના બની હતી તેના જવાબદારો સામે હજુ સુધી પગલાં લેવામાં નહીં આવતા મહાપાલિકાના તંત્રની નિયત સામે ઊભી થાય છે તેમ જણાવી કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું છે કે આ મુદ્દે અમે ચૂપ બેસવાના નથી અને બાહેધરી પ્રમાણે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરવામાં આવશે.
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ અને અન્ય કોંગ્રેસી આગેવાનોએ આજે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને ફરી એક વખત આવેદનપત્ર પાઠવીને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે આ બાબતે ગત 13 ઓક્ટોબરના રોજ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવી બાયધરી આપવામાં આવી હતી. આ ખાતરી અપાયાને ઘણા દિવસો પસાર થઈ ગયા છે આમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી મહાનગરપાલિકા ની નિયત સામે શંકા ઉભી થાય છે.
સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને 40 જેટલા લોકોને ઈજા થઈ હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ પ્રકારના પગલા નહીં લઈને મહાપાલિકાના તંત્રએ જવાબદારોને છાવરવાનું કામ કર્યું છે. આવી માનવ સર્જિત દુર્ઘટનામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં બીજો કોઈ ભ્રષ્ટાચારી આવું નબળું કામ કરે નહીં અને આવી દુર્ઘટનાઓ પણ ન થાય.