13થી પણ વધુ સિક્વન્સમાં મોડેલને પણ શરમાવે તેવો જુસ્સો દેખાડ્યો
પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પોતાની આવડતથી ફેશન જગતમાં અજવાશ પાથર્યા
- Advertisement -
15 દિવસ સુધી ટ્રેનરોએ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને આપી ખાસ તાલીમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રવિવારે પ્રથમવાર નેત્રહિન યુવતીઓનો ફેશન શો યોજાયો હતો. જેમાં શહેરની વી.ડી. પારેખ અંધ વિકાસ ગૃહની 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ મનની આંખે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું અને ‘ફેશન કા જલવા’ પાથરીને સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. દ્રષ્ટિવિહિન આંખોથી જેમને વિશ્વને જોવાની ઇચ્છા છે તેવી આ નેત્રહિન યુવતીઓ 15 દિવસમાં રેમ્પ બોકની તાલીમ પ્રાપ્ત કરીને ફેશનની દુનિયામાં તેમની પાંખો ફેલાવી હતી.
- Advertisement -
આ ફેશન શોને ડિજિટલ વાઇબ્રન્સ’ 22 ફેશન શો નામ આપવામાં આવ્યું છે. જેમાં આઇએફજેડી દ્વારા લેકમે ફેશન વીકના આઠ સેલિબ્રિટી મોડેલ સાથે ફેશન શો યોજાયો હતો. જેમાં 13થી પણ વધારે સિક્વન્સમાં ડિજિટલ પ્રિન્ટસના સથવારે રોયલ લુક અને ટચ આપવામાં આવ્યો છે અને દરેક સિક્વન્સના કોમ્યુમને દેશની ટોચની મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ અંગે રેમ્પ વોક કરનાર પ્રજ્ઞાચક્ષુ વૈશાલીબેને મીડિયાને જણાવ્યું હતું કે, આ અનોખી જ પહેલનો શ્રેય ફેશન ડિઝાઇનર બોસ્કી નથવાણીને મળે છે. દર વર્ષે તેમના દ્વારા યોજાતા ફેશન શોમાં અલગ અલગ થીમ રાખવામાં આવે છે.
જેમાં આ વખતે તેમને ઓલવાયેલા અંધારાને ચમકતા સિતારાની જેમ ચમકાવવા નિશ્ચય કર્યો અને અમને 15 દિવસની ટ્રેનિંગ આપીને ફેશન શો માટે સજ્જ કર્યા હતા. મેં અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પણ ફેશન શોમાં ભાગ લેવાનો લ્હાવો અલગ જ છે.
આ અંગે આયોજક બોસ્કી નથવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમને વિચાર આવ્યો કે બ્લાઇન્ડ ગર્લનો ફેશન શો કરીએ. આથી અમે તેમને મળ્યા તો ખબર પડી કે આ યુવતીઓના સપના આપણા કરતા પણ મોટા છે. પરંતુ તેમને સપના પૂરા કરવાની તક મળતી નથી. આથી અમને થયું કે શા માટે આપણે જ તેમને તક ન આપીએ. આ વાત કરતા જ યુવતીઓમાં ઉત્સાહ બમણો થઈ ગયો હતો.
બોસ્કી નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એક રાઉન્ડમાં 8 ગર્લ હતી. શરૂઆતમાં અમને લાગ્યું કે સરળ છે અને 40 સ્ટેપ છે તે ચાલી દ્યો. પણ બાદમાં ખબર પડી કે આ તો સરળ નથી. યુવતીઓ ચાલે ત્યારે 10 સ્ટેપ પછી તેમની લાઈન છૂટી જતી હતી. પહેલા સીધા ચાલવાની પ્રેક્ટિસ આપવી પડી, પછી પોઝ અને ડ્રેસ કેરી કરવાની પ્રેક્ટિસ આપી. કોમેન્ટ્રી સતત ચાલુ રાખવી પડી હતી.