ખેતશ્રમિકોનાં આત્યંતિક શોષણની શરમકથા (ભાગ-1)
દર વર્ષે અહીંની સેંકડો સ્ત્રી બહુ નાની ઉંમરે યુટ્સ રિમુવલ સર્જરી કરાવી નાંખે છે. બીડ જિલ્લાનાં અનેક ગામડાઓ ‘કુખ વગરની સ્ત્રીઓનાં ગામ’ તરીકે ઓળખાય છે
- Advertisement -
ઉત્તર કર્ણાટક, મહારાષ્ટ્રનાં સાંગલી, સતારા તેમજ મરાઠવાડા રિજનના બીડનાં અમુક વિસ્તારમાં મોટા પાયે શેરડીની ખેતી થાય છે. મરાઠવાડા એટલે દુષ્કાળનો દેશ. કારમી ગરીબીમાં જીવતાં અહીંના લોકો માટે અહીં શેરડીની ખેતી સીવાય અન્ય પાકની ખેતી કે અન્ય વ્યવસાય પણ ઉપલબ્ધ નથી. ભારતના ‘સુગર બાઉલ’ તરીકે ઓળખાતા આ પ્રદેશમાં આવેલી અનેક સુગર ફેક્ટરીસ તેમજ મોટા મોટા જમીનદારો પોતાની અથવા જમીન લિઝ પર લઈને મોટાપાયે શેરડીનું ઉત્પાદન કરે છે. આ જમીનદારો તેમજ સુગર ફેકટરી માટે કામ કરતા કોન્ટ્રાકટરો દર વર્ષે નવેમ્બરથી એપ્રિલ સુધી બીડ પટ્ટાના સસ્તા શ્રમિકોને કામ પર રાખે છે. તેઓએ શેરડી કાપવા, ગાંસડીઓ બાંધવી, ઉપાડવા અને પ્રોસેસિંગ માટે ફેક્ટરીઓમાં લઈ જવા માટે ટ્રકમાં લોડ કરવાનું કામ કરવાનું હોય છે. આમ, મરાઠવાડાનાં અતિગરીબ જિલ્લા બીડમાં શેરડીના ખેતરોમાં કામ માટે આવેલા પ્રવાસી શ્રમિક અને નાના સીમાંત ખેડૂતો જિલ્લાના નિવાસી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જિલ્લાના કેટલા ગામડાઓમાં અનેક સ્ત્રીઓ એવી છે કે જેમને ગર્ભાશય જ નથી! દર વર્ષે અહીંની સેંકડો સ્ત્રી બહુ નાની ઉંમરે યુટ્ર્સ રિમુવલ સર્જરી કરાવી નાંખે છે. બીડ જિલ્લાનાં અનેક ગામડાઓ ‘કુખ વગરની સ્ત્રીઓનાં ગામ’ તરીકે ઓળખાય છે. ધ હિન્દુનાં અહેવાલ જણાવ્યું છે કે શેરડી કાપવાના ઉદ્યોગમાં કામ કરવા માટે દર વર્ષે 5-6 લાખથી વધુ લોકો સ્થળાંતર કરીને અહીં આવે છે. ખેતરોમાં જ રહેતા આ કામદારો કોન્ટ્રાક્ટરોની દયા પર નિર્ભર હોય છે! આ વિસ્તારમાં રહેવાની અને કામ કરવાની પરિસ્થિતિઓ ન્યૂનતમ મૂળભૂત સુવિધાઓથી પણ ઘણી દૂર છે! રાત્રે પણ લણણી ચાલુ રહે છે.
કોન્ટ્રેક્ટરો પોતાના અધમ સ્વાર્થ જેવા કે, ગર્ભાશય ન હોય તો માસિકના સમય દરમ્યાન મહિલાઓ રજા ન માંગે, પ્રસુતિની રજાઓની અથવા ગર્ભાવસ્થામાં કામ ન કરી શકવાની ચિંતા નહીં! અને શારીરિક શોષણ પછીનાં સંભવિત પરિણામોની ચિંતા નહિ માટે મોકળો માર્ગ!
સ્ત્રીઓની સ્થિતિ સૌથી વધુ દયનિય છે બાર બાર કલાકની મજૂરી, શેરડીની ભારે વજનદાર ગાંસડીઓ ઉપાડવાની અને તેઓને માસિક ચક્ર અને ગર્ભાવસ્થાને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની ફરજ પાડવામાં આવે છે
- Advertisement -
મહિલાઓ અને બાળકો દુર્વ્યવહાર, કામ પર અકસ્માતો અને પોષણના અભાવથી પીડાય છે! કોન્ટ્રાકટર દ્વારા શારીરિક છેડછાડ, વારંવાર બળાત્કાર અહીં સામાન્ય છે, આ મહિલા શ્રમિકો નામ ન લખવાની શરતે મને કહે છે. જો આ વિશે ફરિયાદ કરે તો ઉલ્ટું મહિલા તેમજ તેના પતિ પર ચોરીના, કામ ન કરવાના ખોટા આળ ચડાવે છે. મજૂરીમાંથી કાઢી નાંખે છે અને આવું થયા બાદ બીજો કોઈ કોન્ટ્રાકટર પણ કામ પર નથી રાખતો, પેટનો સવાલ છે મજબૂરી છે એટલે ચુપ રહેવું પડે છે.
અહીં સ્ત્રીઓની સ્થિતિ સૌથી વધુ દયનિય છે બાર બાર કલાકની મજૂરી, શેરડીની ભારે વજનદાર ગાંસડીઓ ઉપાડવાની અને તેઓને માસિક ચક્ર અને ગર્ભાવસ્થાને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.
સ્ત્રીઓ નબળા પોષણ, માસિક સ્રાવ દરમિયાન આરોગ્યપ્રદ સંભાળ અને સ્વચ્છતા મેળવવામાં અસમર્થતા, ભારે વજન ઉપાડવું અને ડિલિવરી પછીની અપૂરતી સંભાળને કારણે વારંવાર પેટ અને પીઠના તીવ્ર દુખાવાની ફરિયાદ રહે છે. જિલ્લાના સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવે છે કે મહિલા શ્રમિકો તેમની ગર્ભાવસ્થા દરમિયાન પણ કામ કરે છે અને ઘણીવાર ખેતરમાં જ બાળકને જન્મ આપે છે.
વર્ષમાં છ મહિના શેરડીના ખેતરમાં મજૂરી અને છ મહિના પોતાના ઘરે વિતાવતા આ શ્રમિકોમાં મહિલા શ્રમિકોને પોતાના ઘેર પણ આરામ નથી હોતો! ગરીબી અને જટિલ ગ્રામ્યજીવનના ઘરના કામકાજ તેમજ પાણીની કાયમી અછતને કારણે મહિલાઓને ઘરકામ પણ થકવી દેનારું બની રહે છે. આ પ્રદેશમાં સગર્ભાવસ્થા અને માસિક સ્રાવની જટિલતાઓને ટાળવા માટે, મહિલાઓને પરિવાર, કોન્ટ્રાક્ટરો અને ડોક્ટરો દ્વારા હિસ્ટેરેક્ટોમી કરાવવાની ફરજ પાડવામાં આવે છે. યુટ્ર્સ ન હોય તેવી સ્ત્રીને જ પ્રેફ્રન્સ આપીને કોન્ટ્રેક્ટરો મહિલા શ્રમિકોને યુટ્ર્સ રિમુવલ માટે વિવશ કરી મૂકે છે. આ કોન્ટ્રેક્ટરો પોતાના અધમ સ્વાર્થ જેવા કે, ગર્ભાશય ન હોય તો માસિકના સમય દરમ્યાન મહિલાઓ રજા ન માંગે, પ્રસુતિની રજાઓની અથવા ગર્ભાવસ્થામાં કામ ન કરી શકવાની ચિંતા નહીં! અને શારીરિક શોષણ પછીનાં સંભવિત પરિણામોની ચિંતા નહિ માટે મોકળો માર્ગ!
‘એ રોઇટર્સ’નો રિપોર્ટ જણાવે છે કે અહીંના કોન્ટ્રાક્ટરો, કર્મચારીઓ અને સ્થાનિક સ્થાપિત હિતો દ્વારા મહિલાઓ અને બાળકો સાથે દુર્વ્યવહાર આચરવામાં આવે છે. ગઋઇંજ (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ)ના આંકડા અનુસાર યુટ્ર્સ રિમુવલ બેતાલીસ વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં 3.2% છે. જ્યારે બીડ માટે સમાન સર્વેમાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ દ્વારા 2018ના સર્વેક્ષણમાં આનો દર 36%થી વધુ આંકડા દર્શાવે છે!
હિસ્ટેરેક્ટોમી કરાવવા માટે, તેમાંના ઘણા કોન્ટ્રાક્ટર પાસેથી પચાસેક હજારની લોન લે છે, જે તેની છ મહિનાની મજૂરીની રકમમાંથી કપાતી જાય છે. આવી શસ્ત્રક્રિયા ઘણીવાર ઊંટવૈદો દ્વારા કરવામાં આવે છે, તેના કારણે છે કે વધુ ગંભીર આરોગ્ય જોખમો જેમ કે પેટમાં દુખાવો, યોનિમાર્ગમાં ચેપ, ગર્ભાશયના કેન્સરનાં દરવાજા ખુલ્લી જાય છે!
ઉપર કહ્યું તેમ, બીડના શેરડીના ખેતરોમાં મહિલા કે બાળકનું જીવન મુશ્કેલ બની જાય છે. આરોગ્ય માટે જોખમો, પોષણની ઉણપ, કોન્ટ્રાકટરો દ્વારા સ્ત્રીઓનું શારીરિક શોષણ, દુવ્ર્યવહાર અને શોષણ તો ચોક્કસ છે. બાળકો ભાગ્યે જ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે અને હિસ્ટેરેક્ટોમીના ચલણને કારણે બાળ લગ્નની શક્યતાઓ વધારે છે.
બીડમાં તાજેતરમાં થોડા જ સમયગાળામાં 13881 મહિલા શ્રમિકોની યુટ્સ રિમુવલ સર્જરી કરાઇ અને ત્યારબાદ તેમાની 45% મહિલાઓના શારીરિક – માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ
જ્યાં સુધી છોકરીઓ લગભગ 12-13 વર્ષની ન થાય ત્યાં સુધી તેનુ આ વિચરણ પરિવાર સાથે ચાલુ રહે છે. શાળા શિક્ષણ પહોંચ બહારનું હોવાને કારણે તેનો બાકીનો સમય શેરડીના ખેતરોમાં રમવામાં પસાર થાય છે. બાર- તેર વર્ષની ઉંમરે, છોકરીઓના લગ્ન થઈ જાય છે અને યુવાન દંપતી આગલી સીઝનથી સાથે ખેતરોમાં જાય છે. કારણ કે અહીં શેરડી એકમાત્ર રોજગાર છે અને આ ક્ષેત્રમાં ફક્ત યુગલોને જ રોજગાર મળે છે. આમ બંધુઆ મજૂરીનું ચક્ર આગામી પેઢી સુધી ચાલુ રહે છે!
મહિલા શ્રમિકોનાં શોષણનો મુદ્દો ઘણા સોશ્યલ વર્કર્સે મહિલા કિસાન અધિકાર મંચ, અકાલ મહિલા સંગઠન, જન આરોગ્ય અભિયાન, ભારતીય મહિલા મહાસંઘ જેવા સંગઠનો તેમજ મહિલા આયોગ સહિત અનેક મહિલા અધિકાર સંગઠનો સામે ઉઠાવ્યો અને મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યું છે તેના પરિણામે એટલું થયું છે કે મહારાષ્ટ્ર સરકારે બીડ જિલ્લામાં મોટી સંખ્યામાં હિસ્ટરેકટમી સર્જરીની તપાસ માટે 19 જૂન 2019ના રોજ એક સમિતિની રચના કરી છે. પણ પરિણામ શૂન્ય!
પરંતુ, બીડમાં તાજેતરમાં થોડા જ સમયગાળામાં તેર હજાર આઠસો એકયાંશી મહિલા શ્રમિકોની હિસ્ટેરેક્ટોમી (યુટ્ર્સ રિમુવલ સર્જરી)કરવામાં આવી અને ત્યારબાદ તેમાની 45% મહિલાઓના શારીરિક – માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે એવા સમાચાર હમણાં હમણાં ફેલાયાં પછી સરકાર સફાળી જાગી અને તરત સ્પેશ્યલ કમિટી નિમી દીધી. કમિટીંના રિપોર્ટમાં ખૂબ જ ચાલાકી સાથે જણાવવામાં આવ્યું છે કે, બાળવિવાહ, મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતાનો અભાવ અને જળસંકટને કારણે આવો સિનારિયો જોવા મળ્યો છે પણ ક્યાંય એવો નિર્દેશ ન કર્યો કે કોન્ટ્રાકટરના જુલ્મો-સિતમ અને દમનને કારણે કોન્ટ્રાકટર દ્વારા પાડવામાં આવતી ફરજને કારણે મહિલા શ્રમિકોને હિસ્ટેરેક્ટોમી કરાવવી પડે છે! કારણ બહુ સાફ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સુગર લોબીની બહુ મોટી પક્કડ છે. મરાઠવાડા તેમજ મહારાષ્ટ્રના સંબંધિત પ્રદેશોમાં શેરડી ઉદ્યોગ-ખેતી ક્ષેત્રે શ્રમિકોનું અમાનવીય શોષણ એ ઓપન સિક્રેટ છે. છતાં રાજ્ય સરકારો કે વિપક્ષો, કોઈ કંઈ બોલતું નથી. કારણ કે નેતાઓને જંગી ચૂંટણી ફંડ, કાર્યકરો અને બીજી અનેક ફેવરો અહીંથી મળે છે વળી શેરડીની ખેતીમાં રાજ્યનાં રાજકારણના મોટા માથાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે.
પણ આવા રિપોર્ટ્સ/કમિટીઓ અને તેના સગવડીયા અર્થઘટનથી કંઈ વળવાનું નથી. મરાઠવાડામાં દુષ્કાળની સમસ્યા ગંભીર તેમજ કાયમી છે. વળી, છેલ્લા 30-40 વર્ષોમાં સત્તામાં રહેલી સરકારોએ તેમની મદદ માટે કંઈ જ કર્યું નથી. અહીં મનરેગા જેવી યોજનાઓ થકી રોજગારી ઉભી થવી જોઈએ અને સરકારે વિસ્તારમાં પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવાની સખત જરૂર છે નહીં તો શેરડીના ખેતરમાં મજૂરી કરનાર શ્રમિકોની જિંદગીમાં પેઢી દર પેઢી ચાલ્યું આવતું શોષણ ક્યારેય નહીં અટકે.
(પૂરક માહિતી: પ્રિયા વરદરાજન)