-વાહન માલિકો દંડ પેટેના 415 કરોડ ચુકવતા નથી: સુરત કરતા વડોદરા-રાજકોટમાં વધુ કેસ
રાજયમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને હજારો-લાખોની સંખ્યામાં ઈ-મેમો ફટકારવામાં આવે છે.પરંતુ મોટાભાગનાં વાહન ચાલકો તેને ગણકારતા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં 61.84 લાખ ઈ-મેમો ફટકારાયા હતા. તેમાં 415.2 કરોડના દંડની વસુલાત બાકી છે. મહત્વની વાત એ છે કે મુખ્યત્વે મહાનગરોમાં જ મોટી માત્રામાં દંડ ફટકારાય છે રાજકોટમાં 1.77 લાખ ઈ-મેમો મોકલાયા હતા તેમાં 12.71 કરોડની વસુલાત બાકી છે.
- Advertisement -
રાજયભરમાં ટ્રાફીકના નિયમન માટે સીસીટીવી કેમેરા ફીટ કરાયા છે. જેના દ્વારા સમગ્ર રાજયમાં ટ્રાફીકનો ભંગ કરનારાઓને ઈ-મેમો ફટકારાય છે. રાજય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા 61,84,935 વ્યકિતને ઈ-મેમો ફટકારાયા છે.પરંતુ હજુ સુધી આ પૈકીની વ્યકિતઓ પાસેથી રૂા.415.29 કરોડ દંડની વસુલાત બાકી છે.
સૌથી વધુ ઈ-મેમો અમદાવાદ શહેરમાં વર્ષ 2022-23 માં અપાયા છે જેની વિક્રમી રૂા.97.96 કરોડની વસુલાત બાકી છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા લેખીત પ્રશ્ર્નોના લેખીત જવાબમાં રાજયનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધીના રૂા.134.90 કરોડ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ, 2022 સુધીનાં રૂા.138.47 કરોડ અને 1, એપ્રિલ 2022 થી 31, માર્ચ 2023 સુધીના રૂા.141.92 કરોડનો સમાવેશ થાય છે.
રાજય સરકાર દ્વારા ઈ-ચલણ પેટે દંડની બાકી રકમ વસુલવા માટે સરકાર તરફથી ડીજીટલ પેમેન્ટના માધ્યમો, શહેર-જીલ્લાના વાહન ચાલકનાં નજીકનાં પોલીસ સ્ટેશન ખાતે ભરપાઈ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ટ્રાફીક નિયમનના ભંગ બદલ પ્રથમ વખત જો એ ભંગ થયો હોય, તો સામાન્ય રકમને દંડની વસુલાતનો મેમો અપાતો હોય છે. વારંવાર ભંગ થવાને લઈને આવા ટ્રાફીક મેમોમાં મોટી રકમનો દંડ વસુલતો હોય છે.
- Advertisement -
જોકે શહેરી વિસ્તારમાં શરૂઆતમાં મોટાપાયે ઈ-મેમો મોટી સંખ્યામાં ભરાતા હતા પરંતુ કેટલાંક વાહન ચાલકો દ્વારા ઈ-મેમો નહી ભરવાનું વલણ દેખાતા અન્ય લોકોએ પણ ભરવાનું બંધ કર્યું હતું.



