રાષ્ટ્રીય સ્તરે વૃદ્ધ વસતી માટે દવાઓ પર ખર્ચની નજરની સાથે-સાથે દવા નીતિ પણ બનાવવામાં આવે અને તેને પ્રાથમિકતાના સ્તરે લેવાની જરૂર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
એક અભ્યાસ અનુસાર ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી 20 વર્ષમાં ત્રણ ગણી થઈ જશે. ત્યારે બે કે તેનાથી વધુ બીમારીઓની ચપેટમાં આવનાર વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે જો અત્યારથી વૃદ્ધ દર્દીઓના આરોગ્ય પર ખર્ચ વધારવામાં આવ્યો નહીં તો સરકારી હોસ્પિટલ પર બોજ વધશે.
ડોક્ટર્સે લોકનાયક હોસ્પિટલમાં દાખલ એક હજાર વૃદ્ધ દર્દીઓની દવાઓ પર ખર્ચના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમની દવાઓ પર 10.87 લાખ રૂપિયા ખર્ચ થયા છે. તેમને 127 ફોમ્ર્યુલેશનની 8,366 દવાઓ આપવામાં આવી.
જેમાં સૌથી વધુ 91% ખર્ચ પેરેન્ટ્રલ એટલે કે પાચનતંત્ર સિવાય અન્ય માર્ગ જેમ કે ઈન્જેક્શન કે ઈન્ફ્યૂઝનથી આપવામાં આવેલી દવાઓ પર થયો. મહત્વનું એ છે કે જે વૃદ્ધ દર્દીઓને એકથી વધુ બીમારીના કારણે દાખલ કરવા પડ્યા, તેમાં દવાઓ પર ખર્ચ સૌથી વધુ હતો. નર્સિંગ, ડોક્ટરની સલાહ અને તપાસ જેવી મોટાભાગની સેવાઓ સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન વિભાગે વર્ષ 2050 સુધી ભારતમાં વૃદ્ધ વસતી 30 કરોડથી વધુ થવાનું અનુમાન લગાવ્યું છે, જે અત્યારે 10 કરોડની આસપાસ છે. અભ્યાસ અનુસાર રાષ્ટ્રીય સ્તરે મોટા સરકારી હોસ્પિટલોમાં ખર્ચનો હિસાબ કરોડોમાં હોઈ શકે છે. જે 20 વર્ષમાં લગભગ 400 ગણો વધી શકે છે. ડોક્ટર્સનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે વૃદ્ધ વસતી માટે દવાઓ પર ખર્ચની નજરની સાથે-સાથે દવા નીતિ પણ બનાવવામાં આવે અને તેને પ્રાથમિકતાના સ્તરે લેવાની જરૂર છે.
અનુમાન છે કે 2030 સુધી ભારતમાં આરોગ્ય સારસંભાળ 45% બોજ વૃદ્ધ દર્દીઓ પર ખર્ચ કરવામાં આવશે. જે પરિવારોમાં વૃદ્ધ સભ્ય હોય છે તે વૃદ્ધ વિનાના પરિવારની તુલનામાં આરોગ્ય પર 3.8 ગણો વધુ ખર્ચ કરે છે. આવા પરિવાર આવકનો 13 ટકા ભાગ આરોગ્ય પર ખર્ચ કરી રહ્યાં છે. ચારમાંથી 3 વૃદ્ધોમાં એકથી છ બીમારીઓ લોકનાયકમાં દાખલ ચારમાંથી 3 વૃદ્ધ દર્દીઓમાં એકથી વધુ બીમારીઓ હતી. 74.7% દાખલ દર્દીઓમાં એકથી છ બીમારીઓ મળી. જેમાં હૃદય સંબંધી રોગ સામાન્ય છે. ચારમાંથી એક દર્દી તેનાથી પીડિત મળી. જે બાદ ફેફસા સાથે જોડાયેલા રોગ સામાન્ય હતા.
- Advertisement -
અભ્યાસમાં જણાવાયું છે કે હોસ્પિટલમાં પહોંચનાર 10 વૃદ્ધોમાંથી ચારથી પાંચ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ આવી રહી છે.
ભવિષ્યમાં આ સ્થિતિ વધી શકે છે, જેના માટે કોમ્યુનિકેટિવ અને નોન કોમ્યુનિકેટિવ બંને પ્રકારના રોગ જવાબદાર છે. જે લોકનાયક હોસ્પિટલમાં દાખલ વૃદ્ધો પાછળ અભ્યાસ કરવામાં આવ્યો તે વૃદ્ધો પૈકી ચાર વૃદ્ધ દર્દીમાંથી ત્રણને એક કરતાં વધુ બીમારી હતી. 74.7 ટકા દાખલ દર્દીઓમાં એકથી છ જેટલા રોગ જોવા મળ્યા હતા. ચારમાંથી એક દર્દી હ્રદયરોગથી પીડિત જોવા મળ્યો હતો. જ્યારે મોટાભાગનામાં ફેફસાને લગતી બીમારીઓ જોવા મળી હતી. આ આંકડાઓ અને અભ્યાસ જોતાં સરકાર તો વડીલોના આરોગ્ય પાછળ આયોજનો કરવા જ પડે તેમ છે પરંતુ પ્રત્યેક પરિવારે પણ પરિવારમાં રહેલા વૃદ્ધોના આરોગ્ય માટે ચોક્કસ રકમની જોગવાઈ કરવી પડે તેમ છે. હાલમાં આયુષ્યમાન કાર્ડના આધારે સારવારો થઈ રહી છે પરંતુ એ વાત પણ એટલી સમજવી પડે તેમ છે કે આયુષ્યમાન કાર્ડ સામાન્ય બીમારીઓમાં કામ લાગી શકતું નથી. જેથી સામાન્ય બીમારીઓ માટે પણ જે તે પરિવારે નાણાકીય જોગવાઈઓ કરવી જ પડે તેમ છે.
પ્રત્યેક વ્યક્તિએ પોતાના વૃદ્દાવસ્થામાં આરોગ્ય માટે કામ લાગી શકે તે રીતે અત્યારથી જ ભંડોળનું આયોજન કરવું પડશે. આ માટે અત્યારથી જ બચતની શરૂઆત કરવી પડશે. સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવશે ત્યારે લેવાશે પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પોતાના માટે આ જોગવાઈ કરવી પડે તેમ છે. બીજી તરફ સરકારે પણ આ મામલે ગંભીરતા બતાવીને સામાન્ય સારવાર પણ નિ:શુલ્ક અથવા તો ઓછા ખર્ચે થાય તેવા આયોજનો હોસ્પિટલોમાં કરવા પડશે. ખાનગી હોસ્પિટલો પણ ઓછા ખર્ચે સારવાર કરે તેવું આયોજન સરકારે કરાવવું પડશે. જે તે વ્યક્તિએ આ સાથે પોતે ફિટ રહે તેવા આયોજનો પણ નાની ઉંમરથી જ કરવા પડે તેમ છે. જો આમ થશે તો જ જે તે પરિવાર વૃદ્ધોના આરોગ્ય પાછળનો ખર્ચ કરી શકશે. અન્યથા જે તે વૃદ્ધ માટે આરોગ્યના મામલે સ્થિતિ કફોડી થશે તે નક્કી છે.