છેલ્લાં કેટલાક દિવસોથી એક પોસ્ટ વાઇરલ થઇ રહી છે. કોવિડ વાઇરસની સ્પંદન ક્ષમતા 5.5 હર્ટ્ઝની છે અને 25.5 હર્ટ્ઝ પર તે નાશ પામે છે. મનુષ્ય જ્યારે દુ:ખ, ભય, ઉદાસી, અહંકાર કે પદલોલુપતા જેવાં નિમ્ન ભાવજગતમાં હોય છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
ત્યારે તેનાં સ્પંદનો પણ નીચાં હોય છે. આવા સંજોગોમાં તે વાઇરસ સંક્રમણનો ભોગ સરળતાથી બની શકે છે.
મનુષ્ય જ્યારે પ્રેમ, કરુણા, ઉદારતા અને કૃતજ્ઞતા જેવાં ઉચ્ચ માનવીય ભાવજગતમાં હોય છે ત્યારે તેની સ્પંદન ક્ષમતા ઊંચી હોય છે. આથી તે વાઇરસ સંક્રમણનો ભોગ બનતો નથી.
- Advertisement -
સુરતથી પંક્તિબહેન જાણવા માગે છે કે આ સાચું હોઇ શકે? મારી પાસે આ વિશેનો કોઇ એક્સપેરિમેન્ટલ ડેટા નથી. એટલે હું આ બે અવસ્થાઓને વધારે અને ઓછી ઇમ્યુનિટી સાથે સરખાવીશ.
આ પોસ્ટમાં આગળ વધતા એવું પણ આવે છે કે પ્રાર્થનાથી માણસનાં સ્પંદનો 120થી 350 હર્ટ્ઝ સુધી વધે છે. એટલે કે પ્રાર્થના કરવાથી કોરોનાના સંક્રમણ સામે રક્ષણ મળે છે.
આ અંતિમ મુદ્દો મને વૈજ્ઞાનિક કરતાં આધ્યાત્મિક અર્થમાં વધારે ગમ્યો છે. જ્યારે આપણાં જીવનમાં એવી વિકિટ પરિસ્થિતિ આવે જ્યાં તમારા માટે આશાનું એક પણ કિરણ ઉપલબ્ધ ન હોય ત્યારે અસહાય મનુષ્ય બીજું શું કરી શકે?
પૂ. ગાંધીજી કહેતા હતા કે આવી સ્થિતિમાં જો તમે પૂરી શ્રદ્ધાથી પરમાત્માને પ્રાર્થના કરશો તો તે અવશ્ય સાંભળશે જ.
અહીં હું મારો અનુભવ ઉમેરીશ. પૂરી શ્રદ્ધાથી, તીવ્રતાથી અને તલ્લીનતાથી, ભીની આંખે, રુંધાયેલા અવાજમાં, આપણે સાવ અનાથ છીએ એ વાતની ઇશ્વરને પ્રતીતિ કરાવીને જો પ્રાર્થના કરવામાં આવે તો ઇશ્વર જરૂર સાંભળશે જ. જો આપણે એવું સ્વીકારતા હોઇએ કે આ સૃષ્ટિ પરમ તત્વ અને તેની સાથે સંલગ્ન શક્તિ દ્વારા સર્જાયેલી છે તો પછી એ જે કંઇ કરશે તે ઇષ્ટ જ હશે, મંગલદાયી જ હશે, કલ્યાણકારી જ હશે; આપણા સ્વજનના મૃત્યુને પણ પરમ તત્વની મરજી તરીકે સ્વીકારી અને એનામાં શ્રદ્ધા રાખીને ટકી રહેવું એ જ આપણું સાચું અધ્યાત્મ ગણાય.