ખાસ-ખબર સંવાદદાતા
પ્રજા અને મહિલાઓના લગતાં મુદ્દાઓ પર તમે આમ તો સરકાર વિરુદ્ધ થતાં દેખાવો થતાં જોયા જ હશે પણ તાજેતરમાં આઈસલેન્ડના મહિલા વડાપ્રધાન ખુદ દેખાવોમાં ઉતરી ગયા છે જેના વિશે જાણી તમે પણ ચોંકી જશો. પુરુષોની તુલનાએ મહિલાઓને મળતાં અસમાન પગાર અને લિંગ આધારિત હિંસા ખતમ કરવા માટે આઈસલેન્ડના વડાપ્રધાન કેટરીન જેકબ્સડોટિર અન્ય મહિલા કર્મચારીઓ સાથે ખુદ હડતાળ પર ઉતરી ગયા છે. આ અનોખી હડતાળને કારણે દેશભરમાં સ્કૂલો બંધ થઈ ગઈ છે, જાહેર પરિવહનમાં પણ તકલીફ સર્જાઈ છે અને હોસ્પિટલમાં કર્મચારીઓની ભારે અછત સર્જાઈ છે. કર્મચારીઓની અછતને જોતાં ટીવી અને રેડિયો પ્રસારણોમાં પણ મોટી મુશ્ર્કેલી સર્જાઈ છે. 3.80 લાખની વસતી ધરાવતું આઈસલેન્ડ 14 વર્ષોથી લૈંગિક સમાનતા મામલે ટોચે છે. વિશ્ર્વ આર્થિક મંચ અનુસાર પગાર સહિત અન્ય કારણોમાં અન્ય કોઈ દેશે પૂર્ણ સમાનતા મેળવી નથી. તેમ છતાં પગારમાં અસમાનતાને લઈને ભારે નારાજગી છે.
પીએમ કેટરીને આ મામલે શું કહ્યું?
વડાપ્રધાન કેટરીને આશા વ્યક્ત કરી હતી કે તેમના મંત્રીમંડળની અન્ય મહિલાઓ પણ આવું જ કરશે. હડતાળનું આહ્વાન કરનાર આઈસલેન્ડની ટ્રેડ યુનિયનોએ મહિલાઓને કહ્યું કે તે ઘરેલુ કામ સહિત ચૂકવણી અને પગાર વિનાના બંને કામ ન કરે. અહીંની 90 ટકા કર્મચારી આ યુનિયનોનો હિસ્સો છે. અગાઉ આઈસલેન્ડમાં મોટી હડતાળ 24 ઓક્ટોબર, 1975ના રોજ થઇ હતી. એટલે કે લગભગ 48 વર્ષો બાદ આ રીતે સૌથી મોટા દેખાવો મહિલાઓ દ્વારા કરાયા છે. તે સમયે પણ 90 ટકા મહિલા કર્મચારીઓ કાર્યસ્થળ પર ભેદભાવના વિરોધમાં માર્ગો પર ઊતરી આવી હતી.