તારા દરેક શબ્દને હું મૌનથી ઝીલું,
બોલું નહીં કશુંય, તને સાંભળ્યા કરું.
વહાલી જિંદગી…
દરેકને ભગવાન નવજીવનની તક નથી આપતા. પરંતુ એકવાર નવજીવન પ્રાપ્ત થાય તો પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી એને જીવી જ જવું જોઈએ. આસ્થાનો કુંભ જ્યાં ત્યાં ઢોળવાથી શાંતિ ન મળે. કારણકે એક વાર જેનામાં તમે આસ્થાના બીજ વાવો છો તેમાં તે બીજને જતનથી – ખેવનાથી વાવી સતત બીજમય્ બની જવું પડતું હોય છે. એના મૂળના અતિ ઊંડાણમાં જઈ તમારી જાતને , તમારા અસ્તિત્વના દરેક કણને જાગૃતિમય કરી ઓળઘોળ થઈ જવું પડે. પછી એક સમય એવો આવે કે તમે જે મૂઠ્ઠીભર દાણા વેર્યાં હોય એ મબલખ મોઢે ફૂટી નીકળે અને તમારા ઉપર અન્નપૂર્ણા – મન્નપૂર્ણા બની તમને સતત જીવતા રાખી શકે. મેળો કે ઉત્સવ પણ ક્યારેય કોઈ ખાલીખમ જગ્યા પર નથી ભરાતા, કારણ કે એ જગા આનંદની ચરમસીમાની રજુઆત માટે – કોઈને પોતાની અનુભૂતિ માટે સતત બોલાવતી હોય છે. હું સંપૂર્ણ ભરેલો છું. મારા ભીતરની ભરચકતા બહાર આવીને સતત તારી આસપાસ ઘૂમરાય છે. દુનિયાને મારે એ જણાવવું છે કે હું સંપૂર્ણ ભરાયેલો છું. મારી ભીતર સહેજ પણ ખાલીજગ્યા બચી નથી . અને આ ભરાયેલી જગ્યા મારે મન નવજીવન છે.
ઈશોપનિષદના મંત્ર જેમ પ્રેમી, જ્ઞાની અને શ્રદ્ધાવાન પુરુષના ગુણ મારામાં સતત વિકસાવવા માંગુ છું. કેમકે મારા માટે તું જ બ્રહ્મ છે અને તું જ બ્રહ્મા છે. બ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રેમ , જ્ઞાન અને શ્રદ્ધા અત્યંત જરૂરી છે. મારી પાસે આ ત્રણેય પદાર્થની અધૂરપ હોવા છતાં હું બ્રહ્મને નિહાળી શકું છું. મહેસૂસ કરી શકું છુ એ મારું નવજીવન છે.
રાતે સૂતા પહેલાં તારા ચહેરાની દરેક રેખા જોઈ તારા આનંદનું અનુમાન કરી શકું છું, વહેલી સવારે આંખ ખૂલે ત્યારે તારું ખીલી ગયેલું મુખ જોઈ ભગવાનનો આભાર માનું છું… આ મારું નવજીવન છે.
ગોવર્ધન ગિરિધારીની પરિક્રમા કરતી વખતે મારા મનમાં સતત મૃત્યુંજયનો જાપ ચાલે છે કેમકે હવે હું નવજીવનની મીઠાશને અનુભવવા લાગ્યો છું. દરેક ક્ષણને જીવી લેવા હું તલપાપડ થયો છું.
બ્રહ્મપ્રાપ્તિ પછી મોક્ષ મળે એ મેં અત્યાર સુધી માત્ર ગ્રંથોમાં જ વાંચ્યું હતું. હવે હું હું નથી – હું બ્રહ્મમય થયો છું … તારામાં એ હદે એકરૂપ થઈને અસ્તિત્વને અંઘોળ કરાવી દીધું છે… ઓગળી ગયો છું…
તને ભરપૂર ચાહતો…
તારો જીવ.
(શીર્ષકપંકિત: બાબુલાલ ચાવડા ‘આતુર’)