કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટનના ચાર કોર્ટ, ટેબલ ટેનિસના 8 કોર્ટ, જીમ હોલ, કોચ ઓફિસ, પાંચ પ્રેક્ષક ગેલેરી, ત્રણ પ્લેયર ગેલેરી, જિમ્નેસ્ટિક હોલ, જુડો હોલ સહિતની સુવિધાઓ
સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે
- Advertisement -
340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલનું આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી 5 માળની અદ્યતન બિલ્ડિંગ 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હોસ્ટેલના લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ યુનિવર્સિટી રોડ પર 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં હર્ષ સંઘવી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન રમત રમ્યા હતા.
યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટમાં આજે લોકર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજયના યુવાનો મેડિકલ, એન્જીનીયરીંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાષ્ટ્રીય રમતનો નવો ઇતિહાસ બનવા ગુજરાત જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો અને આપણે સૌ એના સાક્ષી બનીશું. છેલ્લા 7 વર્ષથી રાષ્ટ્રીય રમતનું આ આયોજન થયું નહોતું. માત્ર 90 દિવસમાં રાષ્ટ્રીય રમત માટેનું આયોજન ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. રાષ્ટ્રીય રમતના સ્વાગત માટે ગુજરાતની 50 હજાર જેટલી શાળાના બાળકો આપણી પરંપરાગત લીબું ચમચી, કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધો છે.
- Advertisement -
મહાનગરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાયો છે. જેમાં રાજકોટમાં કુલ 2 લાખ લોકોએ ભાગ લીધો છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી દેશભરના ખેલાડીઓ ભાગ લેવા આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોટી નેશનલ ગેમ્સને ખુલ્લી મૂકશે.
સંઘવી બેડમિન્ટન રમ્યા
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ નવા બેડમિન્ટન કોર્ટ પર રમતગમત મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદ રામભાઈ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં મંત્રી સંઘવીએ રામભાઈ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા.
હર્ષ સંઘવીએ ‘સખી’-વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું લોકાર્પણ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ. 50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ‘સખી’-વન સ્ટોપ સેન્ટર,રાજકોટના પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
હર્ષ સંઘવીનું ભાજપના અગ્રણીઓ દ્વારા એરપોર્ટ પર સ્વાગત
રાજકોટમાં નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ધાટન કરવા પધારેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર પ્રદિપ ડવ સહિતના અગ્રણીઓએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું