દિવાળીને લઈ ફાયર વિભાગ સતર્ક: શહેરમાં જુદા-જુદા સ્થળોએ ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે ખડેપગે
240 જેટલા કર્મીઓ 24 કલાક હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાનું ફાયર વિભાગ વધુ સતર્ક બન્યું છે. દિવાીળીમાં કોઈપણ દુર્ઘટના બને તો તરત પહોંચી શકાય તે માટેના વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ દિવાળીનાં તહેવારોમાં ફાયર વિભાગનાં કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તેમજ શહેરમાં જુદા-જુદા સ્થળોએ ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે ખડેપગે રાખવામાં આવી છે.
મનપાનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિત દવેનાં કહેવા મુજબ, દિવાળીને લઈને રાજકોટ મનપાનાં સાત ફાયર સ્ટેશન અને આઠમું ERC (ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર) પરનો તમામ સ્ટાફ ખડેપગે છે. હાલમાં ફાયર વિભાગમાં 240 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ તમામની રજાઓ અને ઓફ કેન્સલ કરવામાં આવ્યા છે. અમારો તમામ સ્ટાફ દિવાળીમાં રાતભર સતત ખડેપગે રહેશે. ઉપરાંત શહેરનાં કેટલાક મુખ્ય ચોક જેમ કે, ફૂલછાબ ચોક, પરાબજાર, સંતકબીર રોડ, પંચાયત નગર અને યુનિવર્સિટી રોડ તેમજ નાનામૌવા સર્કલ ખાતે ફાયરની ગાડીઓ સ્ટાફ સાથે તૈનાત રાખવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારોમાં આગ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે. ત્યારે આ દરમિયાન ફટાકડા વેંચનારા વેપારીઓ અને ફોડનારા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે, જેમાં વેપારીઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જ્યારે ફટાકડા ફોડનારે પણ બાજુમાં પાણીની ડોલ તેમજ રેતી રાખવી જોઈએ અને અતિશય લુઝ કપડાં પહેરીને ફટાકડા ફોડવા જોઈએ નહીં. ફટાકડા ફોડવા માટે સિન્થેટિકનાં બદલે કોટનનાં કપડાં પહેરવા વધારે હિતાવહ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે દિવાળીનો તહેવાર છે, જેને લઈને કોઈપણ દુર્ઘટના ન બને તે માટે તંત્ર સતત સતર્ક છે. જેમાં લોકોની ભીડ વધુ હોય તેવા સ્થળોએ ખાસ ફાયરની ગાડી પૂરતા સ્ટાફ સાથે તૈનાત રાખવામાં આવી છે. તેમજ શહેરના તમામ સાતેય ફાયર સ્ટેશન ઉપરાંત ઊછઈ ખાતેનો સ્ટાફ પણ 24 કલાક ખડેપગે રાખવામાં આવ્યો છે.
આ માટે તમામ સ્ટાફની રજાઓ અને ઓફ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ત્યારે લોકો પણ સાવધાની રાખે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે.